Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પરિણીતાને અવાર-નવાર ફોન કરી ધરાર પ્રેમસંબંધ બાંધવા આરટીઓ એજન્ટની જીદ!

લક્ષ્મીનગરમાં શ્રીરામ કોમ્પ્યુટર નામે ઓફિસ ધરાવતાં દિવ્યેશ સાવલીયા સામે પોલીસે છેડતીનો ગુનો નોંધ્યોઃ પરિણીતાએ ટુવ્હીલરના લાયસન્સ માટે સંપર્ક કર્યો હોઇ તેનો ગેરલાભ ઉઠાવ્યો...વાંરવાર પીછો પણ કરતો 'તો

રાજકોટ તા. ૬: લક્ષ્મીનગર મેઇન રોડ પર શ્રીરામ કોમ્પ્યુટર નામે ઓફિસ ધરાવતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો શખ્સ લાયસન્સ કઢાવવા આવેલી એક પરિણીતાના નંબર પોતાની પાસે હોઇ તેને વારંવાર ફોન કરી તેનો પીછો કરી ધરાર પોતાની સાથે પ્રેમસંબંધ રાખવાનું કહી હેરાન કરતો હોઇ મામલો પોલીસમાં પહોંચતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસે ૨૯ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી લક્ષ્મીનગર મેઇન રોડ પર આવકાર પાન સામે શ્રીરામ કોમ્પ્યુટર નામની ઓફિસમાં બેસતાં અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતાં દિવ્યેશ રમેશભાઇ સાવલીયા સામે આઇપીસી ૩૫૪ (ડી) મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે પરિણીતા પ્રાઇવેટ નોકરી કરે છે. તેણીએ દોઢેક માસ પહેલા ટુવ્હીલરનું લાયસન્સ કઢાવવા માટે એજન્ટ દિવ્યેશ સાવલીયાનો સંપર્ક કર્યો હતો અને તે માટે જરૂરી ડોકયુમેન્ટ આપી પોતાના ફોન નંબર પણ આપ્યા હતાં. આ પછી દિવ્યેશે તેણીને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું. તેણીએ ના પાડવા છતાં ધરાર ફોન કરી તેનો પીછો કરી પ્રેમસંબંધ બાંધવાની જીદ કરતો હતો. અંતે ત્રાસી જઇ પરિણીતાએ પતિ સહિતનાને વાત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે. એ. ખાચરે તપાસ શરૂ કરી છે.

(1:36 pm IST)