Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

યાર્ડ પાસે સર્વિસ રોડ પર બે રિક્ષા અથડાતાં નવાગામની સત્તર વર્ષની માનસી રાવળદેવનું મોતઃ બહેનને ઇજા

માતાનો બચાવઃ કામેથી ઘરે આવતી વખતે બનાવઃ સામેના રિક્ષાચાલક ફિરોઝ હોથીને પણ ઇજા પહોંચી

માનસી સોઢાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને સામેની રિક્ષાનો ચાલક ફિરોઝ હોથી જોઇ શકાય છે

રાજકોટ તા. ૬: જુના માર્કેટ યાર્ડ પાસે સર્વિસ રોડ પર એક રિક્ષા સાથે સામેથી રોંગ સાઇડમાં આવેલી બીજી રિક્ષા અથડાતાં નવાગામની રાવળદેવ યુવતિનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. તેની બહેનને ઇજા થઇ હતી અને માતાનો બચાવ થયો હતો. સામેની રિક્ષાના ચાલક મુસ્લિમ યુવાનને પણ ઇજા થઇ હતી.

અકસ્માતમાં ઘાયલ નવાગામ આણંદપર સંતોષ પાનની સામે રહેતી માનસી અશોકભાઇ સોઢા (રાવળદેવ) (ઉ.૧૭) તથા તેની બહેન શિવાની અશોકભાઇ સોઢા (ઉ.૧૮) તથા સામેની રિક્ષાના ચાલક ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવપરા-૨માં રહેતાં ફિરોઝ હાસમભાઇ હોથી (ઉ.૩૨)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માત સાંજે સાતેક વાગ્યે સર્જાયો હતો. સારવાર દરમિયાન માનસી સોઢાએ સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બી-ડિવીઝન પોલીસે મૃતક શિવાનીના માતા રંજનબેન (ઉ.૪૦)ની ફરિયાદ પરથી અતુલ રિક્ષા નં. જીજે૯એકસ-૨૫૧૬ના ચાલક સામે ગુનો નોંધ્યો છે. રંજનબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ અશોકભાઇ છુટક મજુરી કરે છે. મારે સંતાનમાં છ દિકરી અને બે દિકરા છે. જેમાં શિવાની છઠ્ઠા નંબરે હતી.

હું અને મારી બે દિકરીઓ શિવાની તથા માનસી ભકિતનગર સ્ટેશન પ્લોટમાં કિશોરભાઇના કારખાનામાં કામ કરતાં સાંજે ત્યાંથી છુટી નિર્મળભાઇ ડાભીની સીએનજી રિક્ષા જીજે૧૩એવી-૩૦૫૮માં બેસી ઘરે જતા હતાં ત્યારે સંત કબીર રોડ પર પહોંચતાં ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી જતાં સર્વિસ રોડ પર રિક્ષા પહોંચતા આગળ બગીચા પાસે અતુલ પેસેન્જર રિક્ષા જીજે૯એકસ-૨૫૧૬ સામે આવી હતી અને અમારી રિક્ષા સાથે ભટકાતાં ચાલક નિર્મળભાઇએ રિક્ષા ઉભી રાખી હતી. હું અને તે નીચે ઉતરી ગયા હતાં. મારી બંને દિકરીઓને માથા, મોઢા, હાથ પર ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી.

સારવાર દરમિયાન સવારે શિવાનીએ દમ તોડી દેતાં રાવળદેવ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. ઘાયલ થયેલો સામેની રિક્ષાવાળો ફિરોઝ પોતાના ઘરેથી સાસુના ઘરે જઇ રહ્યો હતો.

(11:42 am IST)