Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

કોરોનાના કાળમાં જનાજામાં હજારોનું ટોળું ઉમટી પડ્યું

રાજકોટમાં કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો : પોલીસે મૃતકના ભાઇ વિરૂદ્ધ ગુનો નોંધી લીધા અટકાયતી પગલાં ભર્યા, ગોંડલનો થારિયાણી પરિવાર સંયમ ચૂક્યો

રાજકોટ,તા.૫ : કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. સરકાર દ્વારા આગામી સોમવારથી તમામ વેપાર ધંધા રોજગાર માં કામ કરતા સો ટકા કર્મચારીઓ સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ બજારોની અંદર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. સરકાર દ્વારા વેપાર ધંધા રોજગાર ત્રણ વાગ્યાની જગ્યાએ છ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરાયા બાદ પણ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ લીરેલીરા ઊડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.  ત્યારે ગોંડલ શહેરમાં મૃતકના જનાજામાં હજારો લોકો ઉમટી પડ્યા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. હજારો લોકો ઉમટી પડ્યા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગોંડલ પોલીસ દ્વારા મૃતકના ભાઇ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

          પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ શહેરના ભગવત પરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણી નું ગઈકાલે ઘોઘાવદર પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ઘોઘાવદર પાસે રફિકભાઈ ની કાર પલટી મારી જતા અકસ્માત માં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે રફિકભાઈ ના જનાજામાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. એકત્રિત થયેલા લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને સમગ્ર આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા મૃતક રફીક થારિયાણી ના ભાઈ સાજીદ અલી થારિયાણી વિરૂદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે સૂત્રો નું માનીએ તો મૃતક રફીક ભાઈ સગા સ્નેહી, મિત્રોના દુઃખમાં હર હંમેશ સહભાગી બનતા હતાં. ત્યારે તેમના પરિવારજનો પર અવી પડેલ દુઃખમાં સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના અનેક દ્રશ્યો અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે લોકો સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટનો ગેર ઉપયોગ ન કરે તે સૌ કોઈ માટે જરૂરી છે.

(9:45 pm IST)