Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટ શહેર-જીલ્લામાં સરકારી અને ખાનગી કોવીડ હોસ્પીટલોમાં કોરોનાના ૪૦ ટકા કેસો ઘટયા છે

છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ સુધરી છેઃ ખાનગી ડોકટરોનું પણ આ જ મંતવ્ય : ઓપીડી-આઇપીડી બંનેમાં ઘટાડોઃ મૃત્યુ પણ ૩ થી ૪ દિવસમાં ઘટશેઃ ડો. રાહુલ ગુપ્તા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ શહેર - જીલ્લાના કોવીડ-૧૯ અંગે ખાસ નોડલ ઓફીસર તરીકે મૂકાયેલા અને રાજકોટના ભૂતપૂર્વ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટ શહેર - જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં કોરોનાના કેસોમાં ૪૦ ટકા  જેવો ઘટાડો આવ્યો છે, તમામ સ્તરે લાઇનો ઓછી થઇ છે, ત્રણ દિવસથી સ્થિતિ સુધરી છે, અને ખાનગી ડોકટરોનું પણ આ જ મંતવ્ય છે. ડો. રાહુલ ગુપ્તાએ જણાવેલ કે તીવ્રતા પણ ઘટી છે, તથા ખાનગી - સરકારી હોસ્પીટલના રીપોર્ટમાં મેચીંગ પણ થઇ રહ્યું છે, અનુભવી ખાનગી ડોકટરો પણ કેસો ઘટયાનું કહી રહયા છે, ઓપીડી-આઇપીડી બંનેના ઘટાડો નોંધાયો છે.દરરોજ મૃત્યુઆંક વધુ આવી રહ્યો છે, તે અંગે ડો. રાહૂલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ૩ થી ૪ દિવસમાં ડેથમાં પણ ઘટાડો આવશે, જે લોકો સિરિયસ પેશન્ટ તરીકે આવ્યા છે, બચવાની કોઇ ઉમ્મીદ ન હોય, અગાઉ દાખલ થયા છે, અને તેમની સ્થિતિ ગંભીર થઇ છે, તેમાંથી અમૂકના ડેથ થઇ રહ્યા છે, પરંતુ હવે કોરોના કેસો ઘટતા મૃત્યુઆંક પણ ઘણો ઓછો થઇ જશે તેમ ડો. રાહૂલ ગુપ્તાએ ઉમેર્યુ હતું.

(3:57 pm IST)