Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મેફેડ્રોન પ્રકરણમાં સપ્લાયર ગોપાલે સુધામાસી પાસેથી લઇ રીઝવાન ઉર્ફે શાહરૂખને આપ્યાનું રટણ

કુવાડવા પોલીસે બંનેની ધરપકડ કરી : રીમાન્ડની તજવીજ

રાજકોટ,તા. ૬: સંત કબીર રોડ પરથી બે માસ પહેલા રાત્રી કર્ફયુમાં મેફેડ્રોન લઇને નિકળેલા બે શખ્સોને બી ડીવીઝન પોલીસે પકડાયા બાદ કુવાડવા પોલીસે આ ગુનામાં વધુ બે સપ્લાયરની ધરપકડ કરતા બંનેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સંત કબીર રોડ પરથી બે ડીવીઝન પોલીસે બે મહિના પહેલા રાત્રી કર્ફયુમાં મેફેડ્રોનના જથ્થા સાથે દિક્ષીત વ્યાસ અને આલસુર ધેડીયાને પકડી લઇ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની તપાસ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી હતી. બાદ પીઆઇ એન.એન. ચુડાસમા તથા રાઇટર હિતેષભાઇ ગઢવી, સ્ટાફે બંને આરોપીને પુછતાછમાં રીઝવાન ઉર્ફે શાહરૂખ બેલીમ જથ્થો આપીગયાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકના હત્યાના ગુનામાં પેરોલ જંપ કરનારા રીઝવાન ઉર્ફે શાહરૂખ શાહબુદીનભાઇ બેલીમ (રહે. ધરમનગર આવાસ યોજના કવાટર) ને પકડી લીધા બાદ કુવાડવા રોડ પોલીસે તેના ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી પુછપરછ કરતા મેફેડ્રોનનો જથ્થો ગોપાલ પરમાર પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે બાતમીના આધારે ગોપાલ ધીરૂભાઇ પરમાર (રહે. સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર) ને પણ પકડી લઇ પુછતાછ કરતા તેણે સુધા માસી નામની મહિલા પાસેથી લઇ રીઝવાન ઉર્ફ શાહરૂખને આપ્યાની કબુલાત આપી હતી. રીઝવાન ઉર્ફે શાહરૂખ અગાઉ હત્યા, હથિયાર અને દારૂના ગુનામાં તથા ગોપાલ દારૂ અને મારામારીના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે બંનેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(3:48 pm IST)