Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મહામારીમાં મેળાવડાઓ કરી અને કોરોના ફેલાવવા એ સત્તાધારીના લોકોની ક્રુર આદત બની ગઈ છે

શું વર્ચ્યુઅલ ધરણા ન કરી શકાય ?: ભાવેશ બોરીચાનો ભાજપને વેધક સવાલ :ઓકિસજન, એમ્બ્યુલન્સની લાઈનો, સ્મશાનોમાં વેઈટીંગ, રેમડેસીવીર માટે લાઈનો લાગતી ત્યારે સત્તાપક્ષના મહાનુભાવો કયાં હતા ? રાજકોટનું રાજકારણ સાવ તળીયે...

સમગ્ર ભારત અત્યારે મહાકાલ ના ખપ્પર માં હોમાઈ રહ્યું છે... અને આખા ગુજરાત કે સમસ્ત રાજકોટવાસીઓ કોઈના પણ ચહેરા ઉપર અત્યારે નૂર નથી રહ્યું....

 એકપણ પરિવાર એવો નથી રાજકોટમાં કે જેણે પોતાના સ્વજનો આ મહામારીમાં ના ગુમાવ્યા હોય... જેમની ઘરે લગ્નપ્રસંગ છે તેઓ પણ ના છૂટકે લગ્નપ્રસંગ કરી રહ્યા છે તેમના પરિવારમાં પણ એ પ્રસંગનો ઉત્સાહ નથી... આવા સમયે ભાજપના મિત્રોને રાજકોટવાસીઓના દુઃખમાં સહભાગી બનવાને બદલે બંગાળમાં હાર મળી એનું દુઃખ વ્યકત કરવાનો સમય મળી ગયો એ ખૂબ નિંદનીય છે... થોડા સમય પહેલા રાજકોટવાસીઓ પાસે આ ભાજપના મિત્રો સેવા કરવાનો કોલ દઈને મતની ભીખ માંગવા ગયા હતા અને એ જાસામાં આવીને લોકોએ સેવાના નામે મતનું દાન કરેલ હતું... પરંતુ આ રાજકોટની ભોળી અને બિચારી પ્રજાને કયાં ખબર હતી ભોળા દેખાતા ચહેરાઓ ''માનવ ભક્ષી'' નીકળશે... કપરા કાળમાં એકપણ જગ્યાએ સેવા કરતા લોકોના દેખાયા... એમ્બ્યુલન્સની લાઈનો હતી ત્યારે આ લોકો ક્યાં હતા !!? સ્મશાનોમાં વેઇટિંગ હતું ત્યારે આ ભાજપના લોકો ક્યાં હતા !!!? રેમડેસીવીરની લાઈનો લાગી હતી ત્યારે આ ભાજપ ના લોકો કયાં હતા !!!? ઓકિસજન માટે આમતેમ લોકો ભટકી રહ્યા હતા ત્યારે આ  લોકો કયાં હતા !!?

     જ્યારે આ કપરો મહામારી કાળ ચાલી રહ્યો હતો ત્યારે આ લોકો બંગાળની ચૂંટણી માં વ્યસ્ત હતા... અને રાજકોટવાસીઓને મોતના મુખમાં ધકેલીને મો ફેરવી ગયેલ હતા... હું સંપૂર્ણપણે માનું છું કે રાજકોટમાં અને ગુજરાતમાં કોરોના ફેલાવવા માટે સામાન્ય પ્રજા કરતા આ લોકો વધુ જવાબદાર છે જ... સતાના મોહમાં ફરજીયાત ચૂંટણી કરાવી પોતાનો અહંકાર સાબિત કરવા માંગતા હતા... રાજકોટમાં જેટલા મૃત્યુ થયા એમાં એક પણ જગ્યાએ આ  લોકો એ શોકસભામાં કે મરણમાં નહીં ગયા હોય... જો એ મૃતકોની યાદમાં શોકસભા રાખી હોત તો હજી વ્યાજબી હતું.. પરંતુ એ બાબતે તો એક પણ શબ્દ બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી... ઉલ્ટાનું બંગાળમાં મળેલી ચૂંટણીની કારમી હારના માનમાં ધરણાનો કાર્યક્રમ રાખી... રાજકોટના હતભાગીઓના પરિવારો પર  અટ્ટહાસ્ય કર્યું છે... રાજકોટ ની રાજનીતિ આટલી હદે કયારેય નિમ્નસ્તરે નહોતી ગઈ...

આજના સમયે તો એકદમ લોકોના મળેલ પ્રેમનો બદલો સેવા કરીને દેવાનો હતો પરંતુ એનાથી વિપરીત હલકું અને વરવું પ્રદર્શન કર્યું... રાજકોટના સેંકડો હતભાગીઓના પરિવારોમાં આજે પણ ધ્રુસકા શાંત નથી પડ્યા  હંમેશા રાજનીતિ કરવા ટેવાયેલા લોકોએ રાજકોટની પ્રજાને સાંત્વના આપવાને બદલે લોકાને લાગેલા કુઠારા ઘાવ ઉપર મીઠું ભભરાવવાનું એકદમ હીન કાર્ય કર્યું છે... અત્યારે ધરણાઓ યોજવાનો કોઈ જ મતલબ નથી.. માત્ર ભાજપ લોકોની વચ્ચે છે એવો દેખાવ ઉભો કરવા સિવાય કોઈ કારણ નથી... બંગાળમાં હિંસા થઈ હોય તો હું એને વખોડું છું.. પરંતુ એ હતું તો ત્યાં જાવ અને ત્યાં વિરોધ કરો... મારા રાજકોટને શા માટે મહામારીના મુખમાં વધુ ધકેલી રહ્યા છો... !!?  રાજકોટના યુવાનો અત્યારે આ મહામારીને ભગાવાવ માટે વેકસીનેશનમાં લાઈનોમાં ઉભા છે અને ભાજપ આવા ધરણાના તાયફાઓ કરીને આ યુવાનો દ્વારા થયેલ પ્રયાસ ઉપર પાણી ફેરવી રહ્યા છે...

આ પહેલા પણ સી.આર.આવીને પરાણે સૌરાષ્ટ્રમાં રેલી કાઢવાનો હઠઆગ્રહ રાખીને સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવી ગયેલ હતા... હવે ફરીથી આ લોકો રાજકોટમાં આટલા મોત ઓછા લાગતા હોય એમ ધરણા કરીને લોકોને વધુ મોતના મુખમાં ધકેલી રહ્યા છે... રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોનાના સુપર સ્પ્રેડર તો શાકબકાલાના ફેરિયાઓ નહીં પરંતુ આ લોકો જ છે એવું દેખાય રહ્યું છે.... રાજકોટ શહેર ભાજપના આગેવાનોને અત્યારે વોર્ડ દીઠ કાર્યક્રમ કરવાની સૂચના મળતા આખી વ્યવસ્થા થઈ ગઈ... તો શું આ મહામારીના સમયે આવી જ રીતે વોર્ડદીઠ કામગીરી નહોતી સોંપી શકાય એમ... !!!? ક્યાં ગયા હતા ત્યારે તમારા પેઈજ પ્રમુખો અને કોર્પોરેટરો...!!? લોકોના ચહેરા સાવ નિસ્તેજ થઈ ગયા છે અને આ લોકોને આવા ધરણાના તાયફાઓ સુજે છે...બેશરમીની હદ વટાવી ગયા છે આ લોકો.... થોડી ઘણી પણ શરમ રહી હોય તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો....

આ કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં કોને પરમિશન આપી ધરણા કરવાની !!!? ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની સ્પષ્ટ ગાઈડ લાઈન છે કે કોઈપણ રાજકીય કે સામાજિક કાર્યક્રમો કે મેળાવડાઓ પ્રતિબંધિત છે... માત્ર લગ્ન માટે ૫૦ વ્યકિત અને સ્મશાન યાત્રા માટે ૨૦ વ્યકિત જ જઈ શકશે... એમાં પણ લગ્ન માટે નોંધણી કરાવવી ફરજીયાત છે... તો આ ૧૮ વોર્ડમાં ધરણાના કાર્યક્રમોની મંજૂરી કોણે આપી... !!?? જો લેવામાં આવી છે તો આપનાર ઉપર કાર્યવાહી થવી જોઈએ... !!? જો મંજૂરી વગર આ તાયફાઓ થયા છે તો આયોજક ઉપર આકરી કલમોનો ગુન્હો દાખલ થવો જોઈએ... રાજકોટ પોલીસના પણ કેટલાય પરિવાર ના સભ્યો આ મહામારી માં ખોવાયા છે... શું તમને એમની પણ યાદ ન આવી... કે એમના પરિવારો ઉપર શું વીતી રહી છે...

વર્તમાન સમયમાં કોઈ સ્નેહી ગુજરી જાય છે તો પણ પરિવારજનો બેસણું નથી રાખી શકતા... તેઓ પણ ટેલિફોનિક બેસણું રાખી લ્યે છે... તો ભાજપે તો કરોડોની સંખ્યામાં મિસ કોલ કરાવીને સભ્યો બનાવ્યા હતા તો એ બધાના મોબાઈલ નંબર એમની પાસે છે જ તો... શું ભાજપના લોકો ટેલિફોનિક ધરણા કેમ ના કરી શકે... !!!? વડાપ્રધાન સોશિયલ મીડિયાથી મન કી બાત કરે છે એમ સોશિયલ મીડિયાથી કેમ વર્ચ્યુલ ધરણા  ના કરી શકાય !!!? મેળાવડાઓ કરવા અને કોરોના ફેલાવવો એ આ લોકોની ક્રૂર આદત બની ગઈ છે... રાજકોટના ભાજપના જ પૂર્વ રાજ્યસભાના સાંસદનો ભોગ આ મહામારીમાં લેવાયો છે... રાજકોટના જ પૂર્વ ભાજપ પ્રમુખને પણ આ મહામારી ભરખી ગઈ છે... તો પણ હજી આ  લોકો ભૂખ્યા હોય એવું લાગી રહ્યું છે....

આ મારી એકની વેદના નથી મારા જેવા અસંખ્ય રાજકોટના લોકો કે જેમણે પોતાના સ્વજનોને આ મહામારીમાં તડપતા મરણના શરણે થતા જોયા છે એ બધાની વેદના છે...

ભાવેશ બોરીચા

રાજકોટ, મો.૯૯૦૪૩ ૦૦૦૦૧

(3:08 pm IST)