Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

આકાશ કોજીયાની હત્યા કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

કુવાડવા રોડ ઉપર નવાગામ નજીક મામાની વાડી પાસે થયેલ

રાજકોટ તા.૬ : કુવાડવા રોડ પર નવાગામે મામા વાડી પાસે થયેલ ચકચારી આકાશ કાંજીયાની  હત્યાના ગુન્હાના આરોપીના જામીન મંજુર કરવા સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા.૧૦-૦૧-ર૦ર૧ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેનમાં આકાશ પોલાભાઇ કાંજીયા નામના યુવકની હત્યાની ફરીયાદ નોંધાયેલ હતી.

ફરીયાદી લાભુબેન પોલાભાઇ કાંજીયાએ બનાવ નજરે જોનાર તેના પુત્રવધુ તથા મરણ જનારના ભાભીના જણાવ્યા મુજબ આપેલ હતી. આ કામના ફરીયાદીના મરણ જનાર પુત્ર અને ફરીયાદી તેના ઘર પાસે તા.૧૦-૧-ર૦ર૧ના રોજ સવારના ગાળા ગાળી કરેલ રહેલ હતા અને નાની નાની બાતમાં બોલાચાલી કરી અપશબ્દો જાહેરમાં બોલતા હોય, જેથી પાડોશમાં રહેતા આમીરખાન શેખએ જોર જોરથી ગાળો બોલવાની ના પાડેલ અને અમારા ઘર સુધી ગાળો સંભળાય છે તેવું કહેતા ફરીયાદીના પુત્ર આકાશએ જણાવેલ કે અમે અમારા ઘરે ગાળો બોલીએ તેમાં તમારે શું લેવા દેવા તેમ કહી બોલાચાલી કરવા લાગેલ.

ત્યારબાદ સાંજના ચારેક વાગ્યાની આસપાસ નવાગામ મામાવાડીના રસ્તા પાસે આકાશ તથા આ કામના આરોપીઓ આમીરખાન શેખ, ઇરફાન શેખ, રીઝવાન શેખ, મકસુદ શેખ તથા સત્યમ સીંગ રાજપુતનાઓએ પાઇપ તથા લોખંડના સળીયા વતી આકાશને માર મારતા આકાશનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજેલ હતુ.

આથી આરોપીઓની અટક કરી આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો. જે પૈકી આરોપી ઇરફાન અલી મુબારકઅલી શેખ એ તેમના વકીલ મારફત સેસન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી ગુજારેલ હતી.

આ કામે  આરોપીના એડવોકેટ રૂપરાજસિંહ પરમારની દલીલો અને વડી અદાલતોનો ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા અને સામાપક્ષે આરોપી પરપ્રાંતીય હોય જે જામીન મુકત કરવામાં આવે તો નાસી ભાગી જાય તેમ હોય તથા હત્યાનો ગંભીર ગુન્હો  હોય જામીન રદ કરવા માટેની રજુઆત થયેલ હતી.

બંન્ને પક્ષે થયેલ દલીલોને ધ્યાનમાં લઇ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી ઉત્કર્ષભાઇ દેસાઇએ અરજદાર પક્ષની દલીલોને ગ્રાહય રાખી આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી, હુસેન એમ. હેરંજા તથા આશીફ ચૌહાણ રોકાયેલ હતા.

(3:03 pm IST)