Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

'પૈડા' થંભી જતા આવકમાં 'બ્રેક': S.T. રાજકોટ વિભાગને ૨૦ કરોડનું નુકસાન

રાજકોટ ડીવીઝનમાં ૫૨૫ બસ છે : ડ્રાઇવર - કંડકટરોના પગાર ચાલુ : ગાડીઓને ધૂળ ચડે છે અને બસ સ્ટેશનો સૂમસામ

રાજકોટ તા. ૬ : પીજીવીસીએલ એટલે કે વીજતંત્રની જેમ રાજકોટ એસટીને પણ ૪૫ દિવસમાં જબરૂ નુકસાન થઇ રહ્યાનું બહાર આવ્યું છે.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે એકલા રાજકોટ એસટી ડીવીઝનને સરેરાશ રોજની ૪૫ લાખની ભાડાની પાર્સલ તથા અન્ય આવક જોતા લોકડાઉનને કારણે આ ૪૩ થી ૪૫ દિવસમાં ૨૦ કરોડની તોતીંગ નુકસાની ગઇ છે, આવક સંપૂર્ણ થંભી જતા તમામ વહિવટી કચેરીઓ - તમામ ડેપો સૂમસામ છે.

બસના પૈડા ૪૫ દિ'થી થંભી જતા રાજકોટ એસટીની આવકમાં બ્રેક લાગી ગઇ છે, જ્યાં તોતીંગ ભીડ રહેતી, સતત ૨૪ કલાક બસોને કારણે ડેપો ધમધમતા રહેતા મુસાફરો બસ પકડવા દોટ મૂકતા તે તમામ હવે સૂમસામ બની ગયું છે, તમામ ડેપોમાં કોઇ એકલ-દોકલ માણસ નજરે પડતું નથી, બધુ થંભી ગયું છે, રાત્રે તો ડેપો ભેંકાર ભાસતા હોય છે. કાગડા ઉડી રહ્યા છે.

રાજકોટ એસટી ડીવીઝન ઓનલાઇન બૂકીંગમાં નંબર વન હતું, તેમાં પણ મીની બસ તો લોકોમાં ભારે લોકપ્રિય બની હતી, રોજની ૫૧૦થી વધુ બસો ઉપડતી - આવતી - તે બધી બસો થંભી ગઇ છે, ગાડીઓને ધૂળ ચડી રહી છે, ભલે મેઇનટેનન્સ - સાફ સફાઇ કરાય છે, પરંતુ બસ સ્ટેશન સૂમસામ છે.  એસટીના રાજકોટ ડિવીઝનના અંદાજે ૩ હજાર કર્મચારી - અધિકારીઓના પગાર થઇ ગયા છે, ૧લી તારીખવાળાનો પગાર એપ્રિલ મહીનાનો થયો હવે ૭ તારીખવાળાના પગાર કાલે થશે, જે ૨૬૦૦ થી ૨૭૦૦ કર્મચારી છે, તમામના પગાર ચાલુ છે, પણ આવક ઝીરો છે, કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.

(3:23 pm IST)