Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટમાં બહારગામથી આવેલા ૫૨૪ હોમ કોરોન્ટાઇન

ગઇકાલે ૧ દિવસમાં જ ૩૯૦ બહારગામથી આવતા તમામ હોમ કોરોન્ટાઇનમાં : દરરોજ ૩ વખત મેડીકલ ચેકઅપ : હવે તંત્રની નજર બહારગામથી આવનારાઓ ઉપર કેન્દ્રીત : લોકો પણ માહિતી આપી સહકાર આપી રહ્યા છે તે શહેરનાં હીતમાં છે : ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૬ : અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવવા લાગ્યા છે. આ તમામ લોકોએ ફરજિયાતપણે ૧૪ દિવસ માટે હોમ કવોરોન્ટાઈન રહેવાનું છે. ત્યારે ગઇકાલે એક જ દિવસમાં ૩૯૦ લોકો રાજકોટમાં પ્રવેશતા તે તમામને હોમ કોરોન્ટાઇન કરાયા છે અને અત્યાર સુધીમાં કુલ ૫૨૪ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયાનું મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું હતું.

આ કાર્ય પર જરૂરી દેખરેખ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. શહેરના છ પ્રવેશ પોઇન્ટ્સ પર મનપાએ પોલીસ સાથે મળીને ચોવીસે કલાક માટે ચેક પોસ્ટ પર સ્ટાફ તૈનાત કરેલ છે. આ સ્ટાફ ટીમો રાજકોટમાં આવતા લોકોની માહિતી નોંધશે અને મનપાની ટીમો આ આગંતુક લોકોને હોમ કવોરોન્ટાઈન કરી તેમના ઘર પર સ્ટીકર લગાવશે.

એક જવાબદાર નાગરિક તરીકે આપની અડોશ પડોશ માં અન્ય જિલ્લામાંથી કોઈ મહેમાનો આવ્યા હોય તો તેની માહિતી રાજકોટઃ મહાનગરપાલિકાના કમ્પ્લેઇન્ટ નંબર ૦૨૮૧ - ૨૪૫૦૦૭૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

આ તકે મ્યુ. કમિશ્નરશ્રીએ ઉમેર્યું હતું કે, હવે રાજકોટ શહેરમાં સ્થાનિક રહેવાસીઓના રીપોર્ટ છેલ્લા ૩ દિવસથી નેગેટીવ આવી રહ્યા છે ત્યારે બહારગામથી આવનારાઓ મારફત ફરી શહેરના અન્ય વિસ્તારોમાં ચેપ ન લાગે તે જોવું અત્યંત જરૂરી છે માટે હવે બહારગામથી આવનારાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આવા લોકોએ પણ સામાજીક હીતમાં રહીને સ્વૈચ્છાએ ઘરની બહાર ન નિકળવું જોઇએ. જોકે હાલમાં હોમ કોરોન્ટાઇન લોકોનું દિવસમાં ૩ વખત મેડીકલ ચેકઅપ થઇ રહ્યું છે પરંતુ જો આંકડો વધતો જશે તો તંત્રની પણ મર્યાદા છે ત્યારે લોકોએ જ સ્વૈચ્છીક તકેદારી રાખવી જોઇએ તેવો અનુરોધ પણ મ્યુ. કમિશ્નરે કર્યો છે.

(3:21 pm IST)