Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

જીઇબી કર્મચારીઓના પગાર થઇ ગયા પણ આવકમાં મોટું ગાબડુ : ૧૫૦૦ કરોડને બદલે ૩૦૦ કરોડની આવક

ઓરેંજ ઝોન - ગ્રીન ઝોનમાં તંત્ર દ્વારા મેઇનટેનન્સ - કોન્ટ્રાકટરોને કામ આપવાનું શરૂ : મે મહિનાનો પગાર થશે કે કેમ તે મોટી ઉપાધી : કર્મચારીઓ - અધિકારીઓ દ્વારા પૂછપરછનો દોર

રાજકોટ તા. ૬ : એસટીની જેમ વીજ બોર્ડની દશા પણ લોકડાઉનમાં ભારે ખરાબ છે. આવકમાં મોટા ગાબડા નોંધાયાનું આજે એક ઉચ્ચ અધિકારીએ 'અકિલા'ને જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ જીઇબી કર્મચારીઓ - અધિકારીઓ - ઇજનેરોના પગાર એપ્રીલ માસના રાબેતા મુજબ થઇ ગયા, પીજીવીસીએલમાં દર મહિને ૮૦ થી ૧૦૦ કરોડનો પગાર ખર્ચ છે, બાકી કોન્ટ્રાકટરોના બીલ, સ્ટાફ ડ્રેસ, મટીરીયલ્સ ખરીદી, ગાડીઓના પેટ્રોલ - ડીઝલ એ બધુ જુદું.

હવે રહી વાત આવકની તો એપ્રિલ માસમાં આવકમાં મોટું ગાબડૂ પડયું છે, પીજીવીસીએલને દર મહિને બીલની - વીજ ચોરીમાં પકડાય તેની - નવા કનેકશન, બીલ વીલંબમાં વ્યાજની બધુ મળીને ૧૫૦૦ કરોડની આવક થાય છે, જે આ એપ્રિલ મહિનામાં માત્ર ૩૦૦ કરોડ આવ્યા છે, એ પણ ઓનલાઇન કે ઓફલાઇન બીલ જેણે ભર્યા એના નાણા આવ્યા છે, આમ તોતીંગ ૧૨૦૦ કરોડનું ગાબડૂ પડયું છે.

આવડી મોટી ખાધ થતાં પીજીવીસીએલમાં હવે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સજાર્યો છે, મે મહીનાનો પગાર થશે કે કેમ તે પ્રશ્ન થઇ પડયો છે, મોટી ઉપાધી થઇ પડી છે, કર્મચારીઓ - અધિકારીઓ દ્વારા પૂછપરછનો દોર ચાલૂ થઇ ગયો છે.  દરમિયાન લોકડાઉનમાં જ્યાં રાહત અપાઇ છે, તે ઓરેંજ - ગ્રીન ઝોન વિસ્તારમાં તંત્ર દ્વારા મેઇનટેનન્સ શરૂ કરી દેવાયું છે, કોન્ટ્રાકટરોને નવા કનેકશન - ટ્રાન્સફોર્મર ઉતારવા સહિતના કામો આપવાનું શરૂ કરી દેવાયાનું વીજ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:23 pm IST)