Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટમાં પેલીકન રોટોફલેકસ પ્રા.લી.ને મળેલ અપ્રતિમ સફળતા પછી એન-૯૫ના મશીનો બનાવવાની રાજકોટમાં હોડ મચી

રાજકોટ, તા. ૬ : દેશ અને વિશ્વભરમાં એન-૯૫ સહિતના માસ્કની જંગી જરૂરીયાત શરૂ થઈ છે. ત્યારે રાજકોટમાં સહુપ્રથમ પેલીકન રોટોફલેકસ પ્રા.લી. દ્વારા આધુનિક એન-૯૫ માસ્ક બનાવવાના મશીનને મળેલ સફળતા પછી હવે અન્ય લોકો પણ એન-૯૫ માસ્કના મશીનો બનાવવા આગળ આવતા જાય છે.

આજે જ એક પ્રેસ યાદી અખબારોને મળી છે તે મુજબ રાજકોટની એક રાજુ એન્જીનિયર્સે તેને વિરાટ સિદ્ધિ મળ્યાનું અને પ્રથમ વખત રોજના ૫૦ હજાર એન-૯૫ માસ્ક બનાવતા મશીન તૈયાર કર્યાનો દાવો કર્યો છે.

જો કે આ જ કંપનીના કોઈ શ્રી રાજુભાઈ પ્રિન્ટર્સ એન્જીનિયરના શ્રી પપ્પુભાઈ (નિલેશભાઈ) સાથે મળવા આવેલ ત્યારે તેમણે આવુ મશીન તૈયાર કરવા કોશિષ કરી રહ્યાની અને હજુ વિસેક દિવસ મશીન તૈયાર કરતાં લાગશે તેમ જણાવેલ તથા આ મશીનની કિંમત ત્રણેક કરોડ જેવી જંગી હોવાની સહજ વાત કરેલ.

દરમિયાન આજે મળેલ પ્રેસ યાદીમાં ઉત્સવ દોશી - ખુશ્બુ દોશીએ એવો દાવો કર્યો છે કે રાજુ એન્જીનિયર્સે વિરાટ સિદ્ધિ મેળવી છે. સૌપ્રથમ વખત દૈનિક ૫૦ હજાર એન-૯૫ માસ્ક બનાવતા મશીનનો આવિષ્કાર કર્યો છે. માસ્કમાં ઉપયોગમાં લેવાતા કપડાનું મશીન પણ બનાવ્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરના માસ્કનું નિર્માણ થઈ શકશે વગેરે વિગેરે. આ મશીનનું ડિઝાઈન કામ પૂર્ણ કર્યુ છે. હવે ઉત્પાદન પ્રક્રિયા શરૂ થશે. ટેઈલર મેઈડ મશીનો બનાવવાની તેમની માસ્ટરી હોવાનું પણ જણાવેલ છે. વાસ્તવમાં હજુ આ મશીન તૈયાર થયુ જ નથી, માત્ર ડિઝાઈન તૈયાર કરી છે અને મશીન વીસેક દિવસ પછી બનશે તેવું ખુદ આ રાજુભાઈએ ગઈકાલે જણાવેલ !!

જો કે આ પૂર્વે જ રાજકોટની સુપ્રસિદ્ધ પેલીકન રોટો ફલેકસ પ્રા.લી.એ આવુ આધુનિક મશીન ઓલ રેડી બનાવી ચૂકેલ છે અને રોજના ૨૫ થી ૩૦ હજાર એન-૯૫ માસ્ક બનાવવાની ક્ષમતા હાંસલ પણ કરી ચૂકેલ છે. બીજા ૫ મશીન આ મહિનામાં તૈયાર થઈ જશે તેમ જાહેર કર્યુ છે અને રાજકોટમાં રોજના ૧ાા થી ૨ લાખ એન-૯૫ માસ્ક બનતા થઈ જશે.

દરમિયાન રાજકોટના ગોંડલ રોડ ઉપર કન્યા છાત્રાલય પાછળ આવેલ મે. ડી. કે. એન્જીનિયરીંગના યુવા એન્જીનિયર શ્રી દુષ્યંત કુબાવત અને શ્રી જીજ્ઞેશ પટેલની ટીમ અત્યારે સર્વત્ર વપરાતા થ્રી- લેર માસ્કના મશીન બનાવવાની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યાનું જાણવા મળે છે.

(3:07 pm IST)