Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોરોનામાં ઘરમાં બેઠા માણો કરાઓકેની મજા

કરાઓકેનું ર્વિશ્વનું પ્રથમ મશીન જાપાનીઝ સંશોધક ડેેઇસુક ઇનોયુએ વર્ષ ૧૯૭૧માં બનાવેલુ જેનું નામ હતુ 'જયુક-૮' બાદ ફિલીપીના શોધક ઓર્બટોકડેલ રોસારીયોએ તે મશીનના પેટન્ટ હકક મેળવ્યા, ૧૯૭૫માં તેણે આ સીંગ-અલોન્ગ સિસ્ટમ્સ બનાવી : કરાઓકે મુળ બે જાપાનીઝ શબ્દોમાંથી આવ્યો, 'કરા' શબ્દ 'કરાપો'માંથી જેનો અર્થ થાય છે 'ખાલી', જયારે 'ઓકે' શબ્દ 'ઓરકેસ્ટ્રા' માંથી આવ્યો જેનો અર્થ થાય 'સંગીતનું બેન્ડ' આ બંને સાથે જોડી બન્યો 'કરાઓકે' : યુટયુબ, ગુગલ વેબસાઇટ પર કરાઓકે ટ્રેક ઉપલબ્ધ, કરાઓકેમાં કંઇ રીતે ગાવુ તે પણ દર્શાવતા અનેક વિડીયો ઉપલબ્ધ

કોરોના થી કંટાળેલા કેટલાય લોકોએ મને ફોન કરી કહ્યું કે તમે સંગીતનું લખ્યું પણ કરાઓકે નું કરો છો તો તેના વિશે લખોને.! હજુ બે અઠવાડિયા લોકડાઉન છે તો દ્યરે બેસી અમે પણ કરાઓકેમાં કંઇક કરીએ. અકિલાના વાંચકો માટે ખાસ કરાઓકે વિશે થોડું લખવાનું મન થયું. આમ તો કરાઓકે એટલે શું? અત્યારના જમાનામાં નાના બાળકોને પૂછો તો પણ ફટાક દઇને કહી દે કે માઇક પકડી મ્યુઝિક અને લિરિકસ સાથે ગાવાનું એટલે કરાઓકે. વાત સાચી તેને કરાઓકે જ કહેવાય પણ તેને ગાવું કઇ રીતે? તે શીખવા શું કરવું? શું દરેક વ્યકિત કરાઓકેમાં ગાઇ શકે? તેના માટે કોઇ સીસ્ટમ લેવી પડે? તેમાં રેકોર્ડિંગ કઇ રીતે કરાય? આ અને આવા અનેક સવાલો જે નથી ગાતા અને કરાઓકેમાં ગાવા ઇચ્છે છે તેના મનમાં જાગે છે. આજે તેમના પ્રશ્નોનું સમાધાન કરવાનો એક પ્રયાસ કર્યો છે.

 સૌ પહેલા તો 'કરાઓકે' શબ્દ કયાંથી આવ્યો તે જાણીએ. કરાઓકે મૂળ બે જાપાનીઝ શબ્દોમાંથી આવ્યો છે. 'કરા' શબ્દ 'કરાપો'માંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે 'ખાલી'. જયારે 'ઓકે'શબ્દ આવ્યો છે 'ઓરકેસ્ટ્રા' માંથી જેનો અર્થ થાય છે 'સંગીતનું બેન્ડ'. આ બંને ને સાથે જોડી બન્યો 'કરાઓકે'. એવી પણ માન્યતા છે કે મૂળતઃ અંગ્રેજી શબ્દ છે 'કેરીઓકે' જેમાં 'કેરી' એટલે 'જીલવું કે ઉંચકવુ' અને 'ઓકે' એટલે 'બરાબર'. ટુંકમાં કરાઓકે એટલે મ્યુઝિકનું રીપ્રોડકશન જેમાં ગાયકનો અવાજ નથી હોતો માત્ર સંગીત હોય છે.

 હાલ ટેકનોલોજીએ એટલી બધી હરણફાળ ભરી છે કે સંગીતના ક્ષેત્રે ગજબ સુવિધાઓ ઉપલબ્ધ છે. કરાઓકેનું વિશ્વનું પહેલું મશીન જાપાનીઝ શોધક Daisuke Inoue (ડેઇસુક ઇનોયુ) એ વર્ષ ૧૯૭૧ બનાવ્યું હતું જેને નામ અપાયું હતું 'જયુક-૮'. ત્યારબાદ ફિલિપીના શોધક ઓબેર્ટો ડેલ રોસારીયો એ તે મશીનના પેટન્ટ હક્ક મેળવ્યા અને ૧૯૭૫ માં તેણે કરાઓકે સીંગ-અલોન્ગ સીસ્ટમ બનાવી. આતો થઇ તેના શોધ-સંશોધનની વાત પણ તેનો ઉપયોગ કઇ રીત કરાય? આવો જાણીએ.

 આજે કરાઓકેથી ઘરે ઘરે લોકો ગીતો ગાતા થઇ ગયા છે. હવે તો તેના એટલા બધા કાર્યક્રમો થાય છે કે કરાઓકેમાં ગાવાવાળા ગાયકોની કમી નથી રહી. કરાઓકેથી શોખ અને પ્રોફેશન બંને પુરા થઇ શકે છે. જોકે નિજાનંદ માટે ગાવું અને પ્રોફેશનલ ગાવું તે બંનેમાં ઘણો તફાવત છે. હવે જે લોકોને કરાઓકેમાં ગાવું તો છે પણ કઇ રીતે? તે પ્રશ્ન મોટો છે. આનો જવાબ આપું તે પહેલાજ જણાવી દઉં કે ઓરકેસ્ટ્રા સાથે ગાવું અને કરાઓકે મ્યુઝિક ટ્રેક સાથે ગાવું તે બંનેમાં જમીન-આસમાનનો ફર્ક છે. કારણ જયારે તમે ઓરકેસ્ટ્રા સાથે ગાવ છો ત્યારે કદાચ સૂર કે તાલમાં તમારી ભૂલ પડે તો ઓરકેસ્ટ્રામાં સાજીંદાઓ તેને સંભાળી લે છે જયારે કરાઓકેમાં તમારે મ્યુઝિક ટ્રેકની સાથે જ રહેવું પડે છે. તમારે મ્યુઝિક ટ્રેકને સંભાળવો પડે છે. કરાઓકેમાં ગાવા માટે તમારે સૂર અને તાલ બંનેનું નોલેજ હોવું ખુબ જરૂરી છે. દ્યણા લોકોને આ બંનેની ગોડ ગીફ્ટ હોય છે કે તેઓ શીખ્યા નથી છતાં સૂર અને તાલમાં ખુબ સારૃં ગાઇ શકે છે. એવા પણ ગાયકો છે જેઓ શીખ્યા વિના સંગીતમાં ખુબ સારું નોલેજ  અને નામના ધરાવે છે.

 સૂર અને તાલનું નોલેજ મેળવ્યા પછી કરાઓકેમાં ગીતો ગાતા પહેલા તે નક્કી કરો કે તમારા અવાજને કયા પ્રકારના ગીતો અનુકૂળ આવે છે. તમને ગમતા હોય પણ તમે ગાઇ ન શકો તેવા અદ્યરા ગીતો ગાવાનો પ્રયત્ન ન કરવો. એ પછી તે ગીત ને અનેકવાર ધ્યાન દઇને સાંભળો. ગાયક કલાકારે ગીતોમાં કરેલી હરકતો, શબ્દો પર ભાર, શબ્દોનું ઉચ્ચારણ, કઇ જગ્યાએ કઇ રીતે તેને ગાવા, ગીતમાં કઇ જગ્યાએ શ્વાસ લેવો વગેરે. એ પછી તમે ગીતના શબ્દોને મોઢે કરી તે ગાયકની સાથે ગાવાનો પ્રયત્ન કરો અને તેને પણ અનેકવાર ગાવ. ખાસ કરી તમારા ગાયનમાં ફિલિંગ્સ લાવો. તમને એમ લાગે કે હવે બરાબર છે ત્યારે કરાઓકે ટ્રેક પર માઇક વિના મોબાઇલમાં રેકોર્ડિંગ કરી સાંભળો અને તેને ઓરીજનલ ગીત સાથે સરખાવો તમને ખ્યાલ આવશે કે કઇ જગ્યાએ હજી સુધારો કરવાની જરૂર છે. એ પછી માઇક સાથે રેકોર્ડ કરી ગાવ અને બીજાને સંભળાવી તેના અભિપ્રાય લ્યો અને તે મુજબ સુધારો કરો. માઇક ને યોગ્ય રીતે પકડવાની પણ ટેકિનક છે તે પણ જાણવી જરૂરી છે. જયારે કોઇ પ્રોગ્રામમાં ગાવાનું થાય ત્યારે યાદ રાખો કે તમારે ખુબ તૈયારી સાથે ત્યાં હાજર રહેલા શ્રોતાઓમાના એવા પાંચ કે સાત સંગીતના ધુરંધર અને જ્ઞાની માટે ગાવાનું છે. જો તેમને ગમ્યું એટલે અન્ય નિજાનંદ માટે આવેલા શ્રોતાઓને તમારૃં ગાયન જરૂર ગમશે જ. હું એમ નથી કહેતો કે આપણે ઓરીજનલ ગીત જેવું જ ગાઇએ તોજ સાચું. ના.. બીલકુલ નહિં. જોકે આપણે ગીતની નજીક જઇ શકીએ તેટલું જવાનું પણ આબેહૂબ ગાવા કરતા આપણી પોતાની પણ હરકતો, હલક કે એવી જગ્યા દર્શાવીએ જેથી સાંભળનારને પણ ગમે. દ્યણા મને કહેતા હોય છે, 'હું તો વોઇસ ઓફ કિશોર કુમાર', 'અરે રફિ સાહેબનો અવાજ મારા ગળામાં છે', 'હું વોઇસ ઓફ લતાજી, મન્ના ડે, આશાજી કે પછી અરીજીતસિંહ, કુમારશાનું...' વગેરે. હું સ્પષ્ટપણે માનું છું કે ભગવાને દરેકને જુદો જ અને પોતાનો કંઠ આપ્યો છે. તમે કોઇના અવાજની નકલ કરી શકો પણ 'વોઇસ ઓફ' (તેનો જ અવાજ) હોવું સંભવ નથી. બને તો તમારા ખુદના અવાજમાં ગાવાનો આગ્રહ રાખો. 'વોઇસ લાઇક' (તેના જેવો અવાજ) હોઇ શકે પણ 'વોઇસ ઓફ' તો ન જ હોય.

 દરેક વ્યકિત કરાઓકેમાં ગાઇ શકે? તેનો જવાબ છે કે જે વ્યકિત સૂર - તાલમાં યોગ્ય રીતે ગાઇ શકતી હોય અથવા કદાચ કયાંય ભૂલ પણ પડતી હોય તો તેવી દરેક વ્યકિત જો યોગ્ય મહેનત કરે તો કરાઓકે ટ્રેક સાથે ચોક્કસ ગાઇ શકે છે. જે કોઇને કરાઓકેમાં પધ્ધતિસર ગાવું છે તેને યોગ્ય વ્યકિત પાસે વ્યવસ્થિત તાલીમ લેવી જરૂરી છે. સાથે એટલો રિયાઝ કરવો પણ જરૂરી છે. કરાઓકેમાં ગાવા માટે સિસ્ટમ હોય તો વધુ સારૂ પણ આજે તો દરેક પાસે મોબાઇલ છે જ. તેમાં 'સ્ટાર મેકર' અને 'સ્મ્યુલ કરાઓકે' નામની મોબાઇલ માટે એપ્લિકેશન આવે છે તેમાં ખુબ સરળતાથી તમે પસંદગીના ગીતો ગાઇ રેકોર્ડ પણ કરી શકો છો. ટીવી સાથે એટેચ કરી ગાઇ શકાય તેવા કરાઓકે માઇક પણ ઓનલાઇન અને બજારમાં ઉપલબ્ધ છે. સાથે કોમ્યુટર કે લેપટોપમાં પણ માઇક કે માઇકવાળું ઇયરફોન લગાવી તમે 'ન્યુએન્ડો', 'ઓડાસીટી' કે પછી 'સાઉન્ડ ફોર્જ' નામના સોફ્ટવેરમાં રેકોર્ડિંગ કરી અવાજમાં વિવિધ ઇફેકટ્સ પણ આપી શકો છો. શકય હોય ત્યાં સુધી લિરિકસ ને જોયા વિના ગાવાથી ભૂલ ઓછી પડે છે. આ બધા સોફ્ટવેરની મદદથી તમારે ગીતને જે સૂર કે લયમાં ગાવું હોય તે હવે શકય બન્યું છે. બીજી ખાસ બાબત નોંધવી રહી કે, આજકાલ કરાઓકેનું ચલણ એટલું બધું વધી ગયું છે કે દ્યણાખરા લોકો એમ માને છે કે, સીધાજ માઇક પકડી લિરિકસ અને મ્યુઝિક સાથે ગાવામાં કંઇજ અદ્યરૃં નથી પણ તે ભૂલ ભરેલું છે. મારા મતે કરાઓકે જેટલું સહેલું છે તેના કરતા દશ ગણું અદ્યરૃં છે.

 આજે યુટ્યુબ ઉપર અને ગુગલમાં સર્ચ કરતા જણાશે કે બીજી અનેક વેબસાઇટ પર કરાઓકે ટ્રેક ઉપલબ્ધ છે. કરાઓકેમાં કઇ રીતે ગાવું તે પણ દર્શાવતા અનેક વિડિયો પણ અવેલેબલ છે. મારા મત મુજબ કોઇપણ સંગીત હોય જેમકે, શાસ્ત્રીય, સુગમ, લોકસંગીત, સુફિ, ફિલ્મી વગેરે એ દરેકનું મૂળ સાત સૂર જ છે. જો તે પાક્કા તો કોઇપણ સંગીત તમે આસાનીથી માણી શકો છો. જોકે નિજાનંદ માટે ગાતા ગાયકો કોઇ પ્રોફેશનલ આર્ટીસ્ટ બનવાના નથી તેમ છતાં સૂર અને તાલ તો તેમાં પણ જરૂરી છે જ. આજે કોરોનાના લોકડાઉનમાં દ્યરમાં બેઠેલા લોકો જે કરાઓકેમાં ગાવા ઇચ્છે છે તેના માટે આ શીખવાનો શ્રેષ્ઠ સમય છે.

  પ્રશાંત બક્ષી

૭૯૯૦૫૫૮૪૬૯

(3:06 pm IST)