Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પોપટપરામાં ગટરનું પાણી વિતરણ થતા રોગચાળાનો ભય : સમસ્યા ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનઃ ગાયત્રીબા

અનેક વખત ઇજનેરોને ફરીયાદ છતાં ગંદાપાણીની સમસ્યા યથાવત : તંત્રને જગાડવા હવે રસ્તા પર ઉમટવું પડશે : આરોગ્ય સાથે ચેડાસમાન બેદરકારી સામે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ

રાજકોટ, તા. ૬ : શહેરના વોર્ડ નં.૩ પોપટપરા ૧પ,૧૬,૧૭માં પીવાના પાણી સાથે ગટરનું દુષિત પાણીની સમસ્યા ઉકેલવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆત કરી છે.

આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉન અને મહામારી કોરોના રોગના ભય વચ્ચે લોકો સતત પોતાના ઘરોમાં છે. પવિત્ર રમઝાન માસનો તહેવાર પણ ચાલી રહ્યો છે એવા સમયે છેલ્લા ૧પ દિવસ ઉપરથી આ વિસ્તારોમાં લોકો પીવાના પાણીની સાથે ગટરનું મિશ્રીત દુષિત પાણી વિતરણ થઇ રહ્યું છે. અનેક ફરીયાદો છતાં મ.ન.પા.નું તંત્ર આ પાયાની સુવિધા અને લોકોને સ્વચ્છ પાણી આપવામાં નિષ્ફળ નિવડયાનો આક્ષેપ કર્યો છે.

આ વિસ્તારના લોકોને સમયસર શુદ્ધ પાણી મળે તે અંગે તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવી સાથે સાથે આ કામના જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે પગલાઓ ભરવા સમય મર્યાદામાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો લોકોને સાથે રાખી પાણીના પાયાના પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ પ્રશ્ન તાકીદે હલ કરવા માંગ કરી છે.

(3:05 pm IST)