Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટ ઓરેંજ ઝોનમાં હોવા છતાં રેડના નિયમો પાળવા પડે તે અન્યાયી

મહાનગર આર્થિક પાયમાલી તરફ : દિનેશ ડાંગરની વ્યથા

રાજકોટ તા. ૬ : ગુજરાત ઘેટા ઉન વિકાસ નિયમના માજી અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દિનેશ ડાંગરે રાજકોટ ઓરેંજ ઝોનમાં હોવા છતાં રેડ  ઝોનના નિયમો પાળવા પડે તે પ્રજા માટે અન્યાયી હોવાની લાગણી વ્યકત કરી છે.

દિનેશ ડાંગરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, રાજકોટ શહેરના એક સીમિત વિસ્તારમાંજ કોરોના વાઇરસની હાજરી પુરવાર થઇ છે બાકીના પુરા શહેરમાં કોઈ પ્રકારની વાઇરસની અસર પુરવાર થઇ નથી સરકારી તંત્ર  દ્વારા રાજકોટને ઓરેન્જ ઝોનમાં મુકાયુ હોવા છતાં સ્થાનીય તંત્ર દ્વારા લાગુ કરેલ રેડ ઝોનને લગતા આકરા નિયમોનું પાલન કરવા માટે જનતાને મજબુર થવું પડ્યું છે જેજનતા સાથે થયેલો સીધો અને અક્ષમ્ય અન્યાય છે.  રાજકોટ શહેરમાં લાગુ કરવામાં આવેલા નિયમો કયાં આધારે, કોના દ્વારા, કયાં કારણોસર,કોના ફાયદા માટે લાગુ કરાયા છે તે સમજવું ખુબ મુશ્કેલ છે. કારણકે સરકારી તંત્ર દ્વારા થતી કાર્યવાહી ખુબજ દુઃખદ અને પીડાદાયી છે.

સરકારી તંત્ર દ્વારા લેવાતા નિર્ણયોમાં  વ્યવહારિકતાનો અભાવ જણાય છે એવું લાગીરહ્યું છે કે 'નિયમો માટે જીવન છે, જીવન માટે નિયમ નહિ.' લોકશાહી શાસન વ્યવસ્થાઓમાં આવો અભાવ ત્યારે જોવા મળે છે જયારે તેમાં લોકપ્રતિનિધિઓની ભાગીદારી ન હોય અથવા નહિવત હોય, એક તરફ તંત્રના એવા ઘટકો છે. જેના કાર્યને આપણે બિરદાવીએ છીએ જેનો હૃદયથી આભાર વ્યકત કરીએ છીએ અને જેમને આપણે સમાજના રક્ષક અને મહામારી સામેની લડાઈના યોદ્ઘા ગણીએ છીએ.

રાજકોટ શહેરમાં લાખો લોકો રોજગાર મેળવી પોતાનું અને પરિવારોનું જીવન નિર્વાહ ચલાવે છે. જેમાં કામદારો, લારીગલ્લા ચલાવતા લોકો, રીક્ષા ચલાવતા લોકો જેઓની આર્થિક પરિસ્થિતિ ખુબજ સામાન્ય હોય છે તથા નાની મોટી દુકાન ધરાવતા લોકો, ઘરે ઘરે જઈ સર્વિસ આપતા લોકો, ખાનગી કર્મચારીઓ કે જેઓની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોય છે આ તમામ પરિવારો માટે આ સમય ગાળો તેમને આર્થિક પાયમાલી તરફ દોરી જનારો સાબિત થશે. શહેરના નાગરિકો આપની (મુખ્યમંત્રીની) મદદની રાહ જોઇ રહ્યા છે.

(3:02 pm IST)