Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પ્રજા સાથે સંયમપૂર્વક વર્તવાની ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નરની સૂચનાને ઘોળી પી જતા ફોજદારઃ યુવતીને ફડાકા ખેંચી લીધા !

રાજકોટ, તા. ૬ :. છેલ્લા ૪૬ દિવસથી દેશની પ્રજા લોકડાઉન હેઠળ કોરોના મહામારીનો સામનો કરી રહી છે. અનેક માનસિક-શારીરિક તકલીફો લોકોને સતાવી રહી છે છતાં પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓની અપીલ અને કાયદા પાલનની આવશ્યકતા મુજબ પ્રજા વર્તી રહી છે. બેદરકાર લોકો લોકડાઉનનો ભંગ કરે તો પોલીસ પગલા લે તે ઉચિત છે પરંતુ આવશ્યક ચીજવસ્તુ ખરીદી માટે નિકળતા લોકો અને એમાંય મહિલાઓ સાથે તમામ વિનય વિવેક નેવે મુકી પોલીસ વર્તે તો તે સત્તાનો અતિરેક થયો જ ગણાશે. રાજકોટના એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ સબ ઈન્સ્પેકટર સામે છેલ્લા કેટલાક દિવસોથી આવી ફરીયાદો ઉઠી છે. ગઈકાલે તો આ ફોજદારે પેલેસ રોડ ઉપર એક યુવતીને સરાજાહેર ફડાકા ખેંચી લેતા ઉપસ્થિત સૌ કોઈના રૃંવાડા ખડા થઈ ગયા હતા. આ ઘટના અંગે ઉચ્ચ સ્તરે ફરીયાદો પહોંચી છે અને જવાબદાર સામે પગલા લેવા માંગણી ઉઠી છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે પેલેસ રોડ ઉપર સંતોષ ડેરી નજીક એકટીવામાં સાબુ અને જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી માટે ટુવ્હીલર પર આવેલી યુવતીઓને પેટ્રોલીંગમાં નિકળેલા પીએસઆઈ અને ટુકડીએ અટકાવી હતી. વિના કારણ શહેરમાં ચક્કર મારવા નિકળી પડો છો, ઘરે બેસી રહેતો હોય તો તમારા............નું શું જાય છે ? તેવા અભદ્ર શબ્દોનો વરસાદ વરસાવી આ બન્ને સાથે અત્યંત બેહુદુ અને વરવુ વર્તન કરવામાં આવ્યુ હતું. યુવતીઓએ જરૂરી ચીજવસ્તુઓ લેવા નિકળ્યાની દલીલ કરતા ઉશ્કેરાયેલા સબ ઈન્સ્પેકટરે એક યુવતીને તો ત્રણ-ચાર ફડાકા ખેંચી લેતા સૌ કોઈની આંખો ફાટી રહી હતી. મધ્યમ વર્ગની આ બહેનોની અનેક વિનવણી છતા ફોજદાર ટસના મસ થયા ન હતા અને ગુન્હો નોંધી ધરપકડ કરવાની ધમકીઓ ઉચ્ચારી હતી. પાછળથી તેના પિતાને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. એકાદ કલાકની રકઝક અને માફામાફી બાદ યુવતીઓને ઘેર જવા દેવામાં આવ્યાની ચર્ચા છે. યુવતીઓ પાસે માફીનામુ લખાવી પોલીસે જાણે મોટા ગુનેગારનું મોરલ તોડતી હોય તેવુ વર્તન થયાની ચર્ચા છે.

સંબંધીત ફોજદારે ગઈકાલે બપોરે હાથખાનામાં એક પ્રૌઢ મહિલાને પણ લોકડાઉનમા બહાર નિકળ્યાના મુદ્દે લાકડી ફટકારી લેતા હેબતાઈ ગયેલા મહિલાને લઘુશંકા થઈ ગઈ હતી. આ ઘટનાને નજરે નિહાળનાર લોકોએ અખબારો સુધી આ માહિતી પહોંચાડી હતી. સાથોસાથ રામનાથપરા મંદિરના પૂજારી સાથે અયોગ્ય વર્તન, સોનીબજારમા પતિ સાથે નિકળેલા સગર્ભા મહિલા સાથે થયેલી ગેરવર્તણુંક અને અન્ય મહિલાને ધોકા ફટકાર્યાની ફરીયાદો પણ ઉઠી છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે સ્ત્રી સશકિતકરણના હિમાયતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનમાં મહિલાઓ સાથે આટલી હદે ખરાબ વર્તન થાય તે કેટલુ યોગ્ય ગણાશે ? ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અખબારોના માધ્યમથી અવારનવાર પોલીસને સંયમપૂર્વક વર્તવા સલાહ આપી હોવા છતા આ સલાહને ફોજદાર ઘોળીને પી જાય તે 'ડીસીપ્લીન્ડ ફોર્સ' માટે કેટલુ ઉચિત ગણાય ? જેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

(2:59 pm IST)