Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોરોના કેસના રોજ બદલતા આંકડાએ ભલભલાને માથા ખંજવાળતા કરી દીધા

કોરોનાના આંકડાના આટાપાટાનો અંત કયારે?

ચુંટણી પરિણામોના આંકડા સારા, વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામોના આંકડા સારા... પણ આ કોરોના કેસના આંકડા નહીં સારા હો ભાઇ : પરિણામ ચોખ્ખુ થવાનું નામ જ નહીં : રોજ ઉઠીને આટલા લોકોનું ટેસ્ટીગ, આટલા પોઝીટીવ, આટલા નેગેટીવ, આટલા શંકાસ્પદ, આટલા મૃત્યુ : કોરોનાના આંકડાની આ માયાઝાળ કયારે સમેટાશે?

રાજકોટ : હાલની પરિસ્થિતી એવી છે કે રોજ છાપુ ખોલો એટલે નજર સામે આંકડાની માયાજાળ તરવરી રહે. કોરોનાથી આટલા મોત, આટલા શંકાસ્પદ, આટલા પોઝીટીવ, આટલા નેગેટીવ.... અરે ભાઇ કયાં સુધી ચાલશે આ આંકડાનું ગણિત?

આંકડા પરિણામના જ હોય છે. પણ આ કોરોના કરતા ચુંટણી પરિણામો અને વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામોના આંકડા સારા. કેમ કે પરિણામ આવે એટલે એક જ દિવસમાં ચિત્ર ચોખ્ખુ તો થઇ જાય.

ચુંટણી પરિણામ હોય ત્યારે સવારથી જ આંકડાની ગણતરીઓ છાપા અને ટી.વી. ચેનલોમાં શરૂ થઇ જાય. ફલાણા પક્ષના આટલા ઉમેદવાર આગળ, આટલા ઉમેદવાર પાછળ, આટલા મતથી આગળ, આટલા ઉમેદવાર વિજેતા જાહેર. એમાય ઇલેકટ્રોનિકસ મશીનથી ગણત્રીઓ થવા લાગતા ત્રણથી ચાર કલાકમાં સંપૂર્ણ પરિણામો જાહેર થઇ જાય. એજ રીતે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરિક્ષાના પરિણામો સમયે પણ કુલ આટલા વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા, આટલા પાસ, આટલા ટોપ હરોળમાં વગેરે વગેરે....

આ બન્ને પરિણામો કરતાય કોરોનાના આંકડા તો ખતરનાક પુરવાર થઇ રહ્યા છે. પરિણામ ચોખ્ખુ થવાનું નામ જ લેવાતુ નથી. રોજ ઉઠીને આંકડા ફરતા રહે. વિશ્વ લેવલે કોરોનાના આટલા કેસ, આટલા મૃત્યુ, આટલા સાજા, આટલા શંકાસ્પદવગેરે વગેરે વગેરે... વિશ્વ લેવલની વાત તો બાજુએ રહી આપણા ભારતની વાત કરીએ તો અહીં પણ રોજ નવા નવા આંકડા જાહેર થતા જાય છે. કોરોનાથી આટલા મોત, આટલા પોઝિટીવ, આટલા શંકાસ્પદ. એમાય વળી કોરોન્ટાઇન કરેલાઓના આંકડા પણ જુદા. પહેલા ચિત્ર હતુ કે આટલા રાજયો સેઇફ આટલા જિલ્લા સેઇફ. હવે ફરી પલ્ટો આવ્યો. સેઇફ રાજયો અને સેઇફ જિલ્લાઓમાં પણ કોરોના પ્રવેશી ગયો. કયારે ખતમ થશે આ કોરોનાના આંકડાની માયાજાળ. આનો હીસાબ કરવા બેસીએ તો માથુ ખંજવાળવા સિવાય કોઇ ઉકેલ નથી.

- મિતેષ આહીર

(1:29 pm IST)