Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટથી યુપી તરફ વધુ એક ટ્રેન રવાનાઃ બપોર બાદ બિહાર માટે મંજુરી મળ્યે ટ્રેન રવાના કરાશે...

સવારે ૮:૩૫ વાગ્યે ટ્રેન બલીયા રવાના થઇઃ કૂલ ૧૨૦૧ મૂસાફરોને મોકલવામાં આવ્યા.. : ટિકીટની વ્યવસ્થા કાનૂડા મિત્ર મંડળ અને રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઇઃ ફૂડ પેકેટ- પાણી - માસ્ક અપાયા

ગઇકાલે વધુ ૬૦ બસ મધ્યપ્રદેશ રવાના કરાઇઃ ૧ બસ રાજસ્થાન મોકલાઇઃ ૩ દિવસમાં ૪૫૦૦ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા... :  આજે સવારે વધુ ૧૨૦૧ શ્રમિકો રાજકોટથી યુપી  ટ્રેન મારફત જવા રવાના થયા હતા. કાનુડા મિત્ર મંડળ અને  રામેશ્વર  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ શ્રમિકો માટે ફૂડ પેકેટ, પાણી, માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં યાત્રીકો ટ્રેનમાં રવાના થઇ રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: આજે સવારે  ૮:૩૫ વાગ્યે વધુ એક ટ્રેન રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપરથી ઉત્તરપ્રદેશ  એટલે કે બલીયા મોકલવામાં આવ્યાનું અને તેમાં ૧૨૦૦ શ્રમિકોને રવાના કરાયાનું  એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ  'અકિલા'ને જણાવ્યુ હતું.

તેમણે જણાવ્યું હતુ કે તમામ મૂસાફરોનું મેડીકલ ચેક અપ બાદ કોર્પોરેશનની ૩૬ થી વધુ બસમાં રેલ્વે સ્ટેશને સવારે ૬ વાગ્યાથી લવાયા હતા. તમામ માટે ટિકીટની વ્યવસ્થા રાજકોટના કાનુડા મીત્ર મંડળ અને રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  કરાઇ હતી.

આ ઉપરાંત તમામને  ફુડ પેકેટ - પાણી - માસ્ક અપાયા હતા. અમૂક તો  ચોંધાર  આસુએ રડી પડ્યા હતા.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ ઉમેર્યુ હતુ કે હવે આજે બપોર બાદ વધુ એક ટ્રેન બીહાર તરફ રવાના કરવાની શકયતા છે, ૧૨૦૦ શ્રમિકોનું લીસ્ટ તૈયાર છે. બીહાર સરકારને મોકલાયુ છે, જે મંજૂરી મળ્યે બીહાર માટે વધુ એક ટ્રેન બપોર બાદ રાજકોટ રેલ્વે સ્ટેશનમાંથી ઉપડશે.

દરમ્યાન ગઇકાલે રાજકોટના વિવિધ તાલુકામાંથી વધુ ૬૧ બસમાં શ્રમિકોને મધ્યપ્રદેશ અને રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશ તરફ ૬૦ બસો અને ૧- બસ રાજસ્થાન મોકલાઇ હતી, એક બસમાં ૪૦ મજૂરોને લઇ જવાઇ છે, તમામનું મેડીકલ ચેકઅપ બાદ લીલીઝંડી અપાઇ હતી. ત્રણ દિવસમાં   બસ મારફત ૪૫૦૦ લોકોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ ઉમેર્યુ હતું. 

આજે સવારે  રેલ્વે સ્ટેશન ખાતે એડી. કલેકટરની પરિમલ પંડ્યા ઉપરાંત  , ડીસીપી  મનોહરસિંહ , સીટીપ્રાંત - ૧  શ્રીગઢવી, સીટીપ્રાંત - ૨ શ્રી ગોહિલ  પોલીસ સ્ટાફ ઉપરાંત તમામ મામલતદાર કચેરીનો સ્ટાફ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

(2:58 pm IST)