Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

આજથી રાજકોટ જીલ્લામાં મોલ સિવાયની તમામ દુકાનો ધમધમીઃ જો કે હોટલ -પાન- ચા- ફરસાણ હજુ બંધ

કલેકટરનું જાહેરનામું: પાસની જરૂરીયાત નથીઃ દુકાનદારે ફોટોઆઇડી પ્રુફ-લાયસન્સ ફરજીયાત સાથે રાખવાના

રાજકોટ ,તા. ૬: રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રેમ્યા મોહન (આઈ.એ.એસ.) દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ ની કલમ ૩૪ તથા દ્યી ગુજરાત એપેડેમિક  ડિસીઝ કોવીડ રેગ્યુલેશન, ૨૦૨૦ ની જોગવાઈઓની રૂ એ સમગ્ર જિલ્લાના વિસ્તારમાં લોડાઉન દરમિયાન દુકાનદારો, ધંધાદારીઓને  શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપી છે.

જે મુજબ રાજયના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ હેઠળ નોંધાયેલ મહાનગરપાલિકા મર્યાદા બહારની મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ દુકાન સિવાય બજાર સંકુલો અને રહેણાંક સંકુલો સહિતની તમામ દુકાનો ૫૦% કારીગરોની ક્ષમતા સાથે ફરજિયાતપણે માસ્ક અને સામાજિક અંતર સાથે ચાલુ રાખી શકાશે.

મહાનગરપાલિકાની મર્યાદામાં આવશ્યક ચીજવસ્તુઓ, દવા વગેરેના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હોય કે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તે દુકાનો ચાલુ રાખી શકાશે. તે સિવાયની કોઈપણ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. જિલ્લાની કોઈપણ વ્યકિત આવશ્યક કારણોસર જ ઘર બહાર નીકળે અને બહાર નીકળે ત્યારે ચહેરા પર માસ્ક અથવા રક્ષણાત્મક કવરનો ઉપયોગ કરવાનો રહેશે.

દારૂનું વેચાણ કરતી પરમિટ શોપ, તમાકુ, પાન-મસાલા, ગુટકા, સિગરેટની દુકાનો, સ્પા, ટી-સ્ટોલ, ફરસાણ અને મીઠાઈની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે.  જિલ્લામાં જાહેર કરાયેલા કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં તેમજ હવે પછી જાહેર થનાર કન્ટેન્મેન્ટ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી કે કઈ કામદાર આવી શકશે નહીં.

દુકાન ચલાવતી વ્યકિત દ્યરેથી દુકાને અવર-જવર કરે ત્યારે સેલ્સ એન્ડ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે મળેલ લાયસન્સ - પ્રમાણપત્ર અથવા પ્રોફેશનલ ટેક્ષ ભરપાઈ કર્યાની પહોંચની નકલ, પોતાનો ફોટો આઈડી ફરજિયાત સાથે રાખવાના રહેશે. શાકભાજી અને દૂધ ની રેકડી, છકડો, બાઈક દ્વારા ઘરોમાં અથવા સોસાયટીઓમાં વેચાણ કરતા ફેરિયાઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં તેમજ પાસની જરૂરિયાત રહેશે નહીં. 

દુકાનો પર ભીડ એકત્રિત ન થાય તે બાબતની જવાબદારી દુકાનદારની રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાન ઉપર સેનેટાઈઝર, સાબુ, પાણીની ઉપલબ્ધી  સાથે સ્વચ્છતા રાખવાની રહેશે. દુકાનો ચાલુ રાખવાનો સમય, ઇન્સિડન્ટ કમાન્ડન્ટ, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકશે.

(11:06 am IST)