Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટ જીલ્લામાં બંને પક્ષના થઇને ૫૦ વ્યકિતઓ માટે લગ્ન પ્રસંગની મંજુરીઃ જમણવાર પર પ્રતિબંધ

કલેકટરનું જાહેરનામું: હોલ-પાર્ટી પ્લોટ-વાડી- હોટલની મનાઇઃ મંજુરી જેને પ્રાંત આપશે

રાજકોટ તા. ૬: કોરોના સંક્રમણને અનુલક્ષીને ૧૭ મે સુધી લંબાવવામાં આવેલ લોકડાઉન અન્વયે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને જારી કરેલા હુકમો મુજબ લગ્ન યોજવા માટે વર-કન્યા પક્ષના વ્યકિતઓ અને વિધિ કરાવનાર સહિત તમામ વધુમાં વધુ ૫૦ વ્યકિતઓને શરતોને આધીન રહીને મંજૂરી આપવામાં આવશે. અને આ મંજૂરી રાજકોટ જિલ્લાને બદલે સંબંધિત તાલુકાઓની સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ કચેરી ખાતેથી જ મેળવી શકાશે.

લગ્ન પ્રસંગના એક જ દિવસ પૂરતી આ મંજૂરી આપી શકાશે. આવી મંજૂરી સંબંધિત તાલુકાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતેથી મેળવી શકાશે. અને કચેરી ખાતે રજૂ કરેલ નામાવલિ મુજબની વ્યકિતઓ જ લગ્નમાં હાજર રહી શકશે. ધાર્મિક સ્થળ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, હોટલ કે જાહેર જગ્યાનો લગ્નના સ્થળ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. લગ્ન પ્રસંગે ભોજન સમારંભ યોજી શકાશે નહીં. લગ્ન પ્રસંગમાં વપરાતા વાહનમાં ફોર વ્હીલર વાહનમાં ડ્રાઇવર ઉપરાંત અન્ય બે વ્યકિતઓ અને ટુ વ્હીલરમાં માત્ર એક વ્યકિત પરિવહન કરી શકશે. લગ્ન પ્રસંગમાં ઉપયોગમાં લેનારા આ તમામ વાહનોની યાદી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે રજૂ કરવાની રહેશે.  લગ્ન પ્રસંગ માટે કોઇ મુકિત પાસની જરૂર નથી. લગ્ન પ્રસંગમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે. લગ્ન પ્રસંગમાં હાજર તમામ વ્યકિતઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. લગ્ન પ્રસંગની ધાર્મિક વિધિ પૂરતી જ આ મંજૂરી આપવામાં આવશે, લગ્ન પ્રસંગ દરમ્યાન વરદ્યોડો કે ફુલેકું કાઢી શકાશે નહીં. માઇક કે સ્પીકરનો ઉ૫યોગ કરી શકાશે નહીં. ડાંડિયારાસ કે સંગીત સંધ્યા યોજી શકાશે નહીં.

(11:04 am IST)