Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

શાપર-વેરાવળમાં નકલી સિમેન્ટ બનાવવાના કારસ્તાનનો સીઆઇડીએ પર્દાફાશ કર્યોઃ રાજકોટના ૩ની ધરપકડ

સ્વસ્તીક ઇન્ડસ્ટ્રીઝમાં જે.કે. સિમેન્ટ કંપનીની નકલી સિમેન્ટ બનાવાતી'તીઃ ૭૩.પ૮ લાખના મુદામાલ સાથે દિવ્યેશ પાનસુરીયા, વૃજલાલ ચીખલીયા તથા પરસોતમ ગોંડલીયાની ધરપકડઃ અમિત અકબરીની શોધખોળ

તસ્વીરમાં જયાં નકલી સિમેન્ટ બનાવાતી હતી તે ફેકટરી, પકડાયેલ ૩ શખ્સો અનેછેલ્લી તસ્વીરમાં શાપરના પીએસઆઇ ગોંડલીયા તથા સ્ટાફ નજરે પડે છે.(તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

 

રાજકોટ, તા., ૬: શાપર-વેરાવળમાં આવેલ સ્વસ્તીક ઇન્ડ્રસ્ટીઝમાં ગઇકાલે રાત્રે સીઆઇડીના સીઆઇસેલે દરોડો પાડી નકલી સિમેન્ટ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ કરી ૩ ભાગીદારોની ધરપકડ કરી હતી. જયારે એક ભાગીદારની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલ સ્વસ્તીક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં જે.કે. સિમેન્ટ કંપનીની નકલી સિમેન્ટ બનાવાતી હોવાની ફરીયાદ મળતા ગાંધીનગર સીઆઇડી સીઆઇસેલનો કાફલો ત્રાટકયો હતોઅને આ ફેકટરીમાં જે.કે. સિમેન્ટ કંપની દ્વારા કોઇ પણ પ્રકારના કોપીરાઇટ હક્કો કે ઓથોરીટી નહિ આપેલ હોવા છતા પ્લાસ્ટીકની થેલીઓ ઉપર જે.કે.સિમેન્ટ કંપનીના ટ્રેડ માર્ક વાળુ જે.કે. સુપ્રિમ સિમેન્ટ લખેલ થેલીઓમાં નકલી સિમેન્ટ પેક કરી જે.કે. સુપ્રિમ સિમેન્ટ તરીકે વેચાણ કરાતુ હોવાનું ખુલ્યું હતું.

સીઆઇડીના સીઆઇસેલે આ ફેકટરીમાંથી નકલી સિમેન્ટ સહિત કુલ ૭૩.પ૮ લાખનો મુદામાલ કબ્જે કરી ફેકટરીના ભાગીદાર  પાનસુરીયા દિવ્યેશ ઠાકરશીભાઇ (રહે. નચીકેતા, નંદી પાર્ક, મેઇન રોડ, એસએનકે સ્કુલની પાછળ, યુનિ. રોડ રાજકોટ) ચીખલીયા વૃજલાલ વલ્લભભાઇ (રહે. બ્લોક નં. બી-૧૪૩, આલાપ સેન્ચુરી, પુષ્કરધામ મેઇન રોડ રાજકોટ) તથા પરસોતમ પોપટભાઇ ગોંડલીયા (રહે. શેરી નં.૩, ગુલાબ વાટીકા, બીગ બજારની સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ)ની ધરપકડ કરી હતી. જયારે અન્ય એક ભાગીદાર અમીત ભાદાભાઇ અકબરી (રહે. બ્લોક નં.એ-પ, આલાપ સેન્ચુરી, પુષ્કરધામ મેઇન રોડ, રાજકોટ) મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ અંગે મનીષ ત્રિકમભાઇ પટેલ (રહે. અમદાવાદ)ની ફરીયાદ પરથી શાપર પોલીસે ૪ર૦, કોપીરાઇટ તથા ધ ટ્રેડ માર્ક એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ પીએસઆઇ એમ.આર. ગોંડલીયા ચલાવી રહયા છે.

(2:29 pm IST)