Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

તાપસ સોસાયટીના વેપારી તુષાર પટેલને આપઘાત માટે મજબુર કરનારા સામે ગુનો

પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કોલ ડીટેઇલના આધારે તપાસ આદરી

રાજકોટ તા. ૬: નાના મવા રોડ પર તાપસ સોસાયટી શિવ એપાર્ટમેન્ટ ૨૦૨માં રહેતા અને ભકિતનગર સર્કલ પાસે પટેલ મોબાઇલ નામે દુકાન ધરાવતા તુષારભાઇ કનૈયાલાલ પટેલ (ઉ.વ.૨૬)ને આપઘાત માટે મજબુર કરનારા અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શિવ એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૨૦૨માં રહેતા મોબાઇલ ફોનના ધંધાર્થી તુષારભાઇ કનૈયાલાલ પટેલ ઘર નજીક પ્લોટ માંથી ઝેર પીધેલી હાલતમાં મળતા ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમયાન મોત નિપજયું હતું. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારા, પીએસઆઇ એસ.આર. સોલંકી, રાઇટર ફીરોઝભાઇ સહિતે હોસ્પિટલે દોડી જઇ તપાસ આદરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તુષારભાઇની ૧૨ વર્ષની દીકરી હેતએ રાત્રે પિતા સાથે ત્રણ અજાણ્યા શખ્સો વાતો કરતાં હોવાનું  અને તેને બહાર લઇ ગયાનું જણાવ્યું હતું. અને રાત્રે તેણે પત્ની કવિતાબેનને વોઇસ મેસેજ કરી 'પોતાને દવા પાઇ દીધી, મારૂ મર્ડર કરેલ છે' તેવો મેસેજ પણ કર્યો હતો. આ બનાવમાં પોલીસે મૃતક તુષારભાઇના મોટાભાઇ સુકેતુભાઇ કનૈયાલાલ સાકરવાડીયા (ઉ.વ.૩૯) (રહે. ગોંડલ રોડ રામનગર મેઇન રોડ રામ મંદિરની બાજુમાં) ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુકેતુભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છેે કે, પોતે પરમ દિવસે તા પની રાત્રીના પતે ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે પિતરાઇભાઇ જીજ્ઞેશભાઇ રસીકભાઇ સાકરવાડીયાનો ફોન આવેલ અને વાત કરેલ કે તુષારને તાપસ સોસાયટી એસ.બી. આઇ. બેંકવાળી શેરી પાસે ખુલ્લા પ્લોટમાં કોઇએ દવા પીવડાવેલ છે. અને અમો ગિરીરાજ હોસ્પિટલમાં લઇ આવેલ છીએ તમે આવો 'તેમ જણાવતા પોતે તાકીદે હોસ્પિટલે પહોંચી ગયા હતાં. ત્યાં પિતરાઇભાઇ જીજ્ઞેશભાઇ હાજર હોઇ અને મેં મારા ભાઇ તુષારને પૂછતા તેણે જણાવેલ કે 'મને બે જણાએ દવા પાઇ દીધેલ છ. અને મેં તેને કહેલ કે શું કામ દવા પાઇ તો તેણે કહેલ કે મારી પાસે પૈસા માગે છે અને કહેલ કે ગામમાં મારી પાસે ઘણા પૈસા માંગે છે' તેમ જણાવ્યું હતું. બાદ મારા મોટાબાપાના દીકરા ભાવેશભાઇ આવી ગયેલ અને તેણે મને તેના મોબાઇલમાં રેકોર્ડીંગ સંભળાવ્યંુ હતું. આથી તુષારભાઇ પાસે પૈસાની ઉઘરાણી કરનારા શખ્સોના ત્રાસના કારણે દવા પીધેલ હોઇ તેવી શંકા છે. તેમ જણાવ્યું છે. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.આર.  સોલંકીએ કોલ ડીટેઇલના આધારે તપાસ આદરી છે.

(2:28 pm IST)