Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

પડધરીના હિદળ ગામની જમીન અંગે રેવન્યુ રેકર્ડની વેચાણ નોંધી નામંજુર

મદદનીશ કલેકટર રાજકોટ ગ્રામ્ય દ્વારા અપાયેલ ચુકાદો

રાજકોટ, તા.૬ : રાજકોટ જીલ્લાના, પડધરી તાલુકાના, ગામ હીદળના રે.સર્વે નં.૧૬ ની ખેડવાણ જમીન ૦ હે.૬૦ આરે ૬૦ ચો.મી.ની ગામના નમુના નં.૬ માં વેચાણની નોંધ નં.૧૦પ૧ તા.૨૦-૮-૨૦૧પ ના રોજ નાયબ મામલતદારશ્રી પડધરીએ પ્રમાણીત કરેલ તે રદ કરતો શકવર્તી ચુકાદો મદદનીશ કલેકટર શ્રી રાજકોટ ગ્રામ્ય પ્રાંતએ આપેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ઉપરોકત ખેડવાણ જમીન તેમજ અન્ય ખેડવાણ જમીનો કચરાભાઇ મંગળાભાઇ કોળી (સોનારા) ને ઘરખેડના કાયદામુજબ વારસાઇ થી મળેલ જેની ગામના નમુના નં.૬ હકકપત્રકમાં નોંધ નં.૧૮ તા.૭-૭-૧૯પપ થી દાખલ કરી પ્રમાણીત કરવામાં આવેલ છે.

આ જમીન ઘરખેડના કાયદા મુજબ કચરાભાઇ મંગળાભાઇ કોળી(સોનાર)ને વારસાઇ થી મળેલ હોય સંયુકત હિન્દુ અવિભકત કુટુંબની મીલ્કત છે. જેમાં તેમની તમામ પુત્રીઓ નો તેમના વારસ હોવાના દરજજે અને સંયુકત હિન્દુ અવિભકત કુટુંબના સભ્ય દરજજે લાગભાગ, હકક, હીત, હીસ્સો, સમાયેલો છે. આવી હકીકત હોવા છતા ઉપરોકત ખેડવાણ જમીનની વેચાણ નોંધ નાયબ મામલતદારશ્રી પડધરીએ કામના અરજદારો એટલે કે કચરાભાઇ ની પુત્રીઓ અને તેમની પુત્રીઓના વારસોને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વિના નોંધ નં.૧૦પ૧ તા.૨૦-૮-૨૦૧પ થી દાખલ કરી પ્રમાણીત કરેલ આ નોંધ દાખલ થયાની અરજદારોને જાણ થતા તેઓએ મદદનીશ કલેકટરશ્રી રાજકોટ ગ્રામ્ય પ્રાંતની કોર્ટમાં આ વેચાણ નોંધ રદ કરાવવા અપીલ દાખલ કરેલ અને આ અપીલ ટેકનીકલ કારણોસર સમય  મર્યાદા બહાર ગણવામાં આવે તો ઢીલ માફ કરવાની અરજી પણ સાથે રજુ કરેલ.

આ કામનાં અરજદારોને અને તેમના એડવોકેટશ્રી જીજ્ઞેશ કે. માલકીયાને અને સામેવાળાઓના એડવોકેટશ્રીઓ ને સાંભળ્યા બાદ હીદળના રે.સર્વે નં.૧૬ની ખેડવાણ જમીન ૦ હે.૬૦ આરે ૬૦ ચો.મી.ની જમીન કચરાભાઇ મંગળભાઇ કોળી (સોનારા)ને ગામના નમુના નં.૬ હકક પત્રક નોંધ નં.૧૮ તા.૭-૭-૧૯પપ થી ઘરખેડના કાયદામુજબ વારસાઇથી મળેલ છે આમ આ જમીન વડીલોપાર્જીત છે. અને અરજદારોને જાણ કર્યા વિના ઉપરોકત નોંધ પ્રમાણીત કરેલ છે. તેથી અપીલ અરજી મંજુર કરવામાં આવે છે. અને વેચાણ નોંધ નં.૧૦પ૧ તા.૨૦-૮-૨૦૧પ નાયબ મામલતદારશ્રી પડધરીએ પ્રમાણીત કરેલ છે તે રદ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં અરજદારો વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રીશ્રી એન.જે. પટેલ તથા જીજ્ઞેશ કે. માલકીયા અને નીશાંત એમ. જોષી રોકાયેલ હતા.(૨૩.૬)

(4:15 pm IST)