Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં કાળચક્ર ફર્યુઃ નવ કલાકમાં બે બાળકી સહિત ૭ના બેભાન હાલતમાં મોત

તમામના સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ માધાપર ચોકડી સેલેનિયમ સિટીના ભરતભાઇ પટોડીયા, સુખરામનગરના ધીરજબેન સોલંકી, ઉદયનગરના ગીતાબેન ભારથી, ભક્‍તિનગર સર્કલના કેયુરભાઇ ખંભાયતા, જામનગરથી રાજકોટ દિકરીના ઘરે આવેલા દિનેશભાઇ નારોલાએ દમ તોડતાં સ્‍વજનોમાં ગમગીની : રૈયાધારની બે મહિનાની ઉર્વશી અને નવલનગર પ્રભુતાનગરની ૮ વર્ષની રાધાનું તાવ-શરદી થયા બાદ મોત

રાજકોટ તા. ૬: શહેરમાં અલગ અલગ વિસ્‍તારમાં બે મહિલા સહિત પાંચ લોકો બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તમામે દમ તોડી દીધો હતો. આ ઉપરાંત આઠ વર્ષની બાળા અને બે મહિનાની બાળાના તાવ-શરદીની બિમારીને કારણે બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. સાંજથી સવાર સુધીમાં નવ કલાકમાં આ તમામ મૃત્‍યુની નોંધ સિવિલ હોસ્‍પિટલમાં થઇ હતી. ઘટનાઓને કારણે મૃતકના સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

માધાપર ચોકડી પાસે સેલેનિયમ સીટીમાં રહેતાં ભરતભાઇ રામજીભાઇ પટોડીયા (ઉ.વ.૫૪)ને ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ સવારે દમ તોડી દીધો હતો. મૃતક હાલમાં નિવૃત જીવન જીવતાં હતાં. બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જામનગર ધરારનગર-૧માં રહેતાં અને ત્‍યાં જેએમસીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં દિનેશભાઇ નારણભાઇ નારોલા (ઉ.વ.૫૫) બિમારીની સારવાર માટે રાજકોટ આવ્‍યા હોઇ સિવિલમાં દાખલ થયા બાદ કાલાવડ રોડ વામ્‍બે આવાસમાં દિકરી નયનાબેન રાજેશભાઇ ધરણીયાના ઘરે હતાં ત્‍યારે રાત્રે અઢી વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ નિપજ્‍યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ સુખરામનગર-૭માં પારસ વિદ્યાલય પાસે રહેતાં ધીરજબેન સૂર્યકાંતભાઇ સોલંકી (ઉ.વ.૫૭) સવારે ત્રણેક વાગ્‍યે એકાએક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે  ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં મવડી પ્‍લોટ ઉદયનગર-૨માં રહેતાં ગીતાબેન સરોજભાઇ ભારથી (ઉ.વ.૪૮) રાતે એકાદ વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ નિપજતાં માલવીાયનગર પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના પતિ છુટક કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

પાંચમા બનાવમાં ભક્‍તિનગર સર્કલ પાસે ગણેશ એપાર્ટમેન્‍ટમાં રહેતાં કેયુરભાઇ મનસુખભાઇ ખંભાયતા (ઉ.વ.૪૬)ને કેન્‍સરની બિમારી હોઇ સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પણ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્રી છે. ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા બનાવમાં નવલનગર-૯ના છેડે પ્રભુતાનગરમાં રહેતાં મહેશભાઇ ધીરજલાલ પડીયાની પુત્રી રાધા (ઉ.વ.૮) સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ દમ તોડી દેતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. મૃતક એક ભાઇથી નાની હતી અને ધોરણ-૩માં ભણતી હતી. તેના પિતા કટલેરીની ફેરી કરે છે. તેમણે કહ્યું હતું કે રાધાને તાવ-શરદી હોઇ દસેક દિવસથી દવા ચાલુ હતી. ગત સાંજે એકાએક બેભાન થઇ ગઇ હતી અને મૃત્‍યુ થયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સાતમા બનાવમાં રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં ખોડાભાઇ વિનોદભાઇ સોલંકીની પુત્રી ઉર્વશી (ઉ. ૨ મહિના)ને તાવ આવતો હોઇ સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. રાધા બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. પિતા છુટક મજૂરી કરે છે. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી

(4:40 pm IST)