Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધારીના કુબડામાં પ્રેમિકાને નોકરી કરવાની ના પાડી, પણ તે ન માનતાં પ્રેમીનો આપઘાત

૨૪ વર્ષના ગોરધને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ આપઘાત પુર્વે ચિઠ્ઠી પણ લખી હતીઃ ધારી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૬: ધારીના કુબડા ગામે રહેતાં યુવાનને જે યુવતિ સાથે પ્રેમ હતો તેણી નોકરી કરતી હોઇ યુવાને તેણીને નોકરી કરવાની ના પાડતાં પ્રેમિકાએ આ વાત ન માનતાં યુવાનને માઠુ લાગી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ધારીના કુબડા ગામે રહેતાં ગોરધનભાઇ જીણાભાઇ મકવાણા (ઉ.વ.૨૪) નામના યુવાને ગઇ તા. ૩/૩ના સવારે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવાઇ હતી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકના તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં ધારી પોલીસે રાજકોટ આવી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ગોરધનભાઇ  બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. ધારી પોલીસ સ્‍ટેશનમાં થયેલી નોંધ મુજબ ગોરધનભાઇને એક યુવતિ સાથે પ્રેમસંબંધ હતો અને તેણી નોકરી કરતી હતી. ગોરધનભાઇએ તેણીને નોકરી કરવાની ના પાડી હતી. પરંતુ તેણીએ વાત નહિ માનતાં મનમાં લાગી આવતાં ગોરધનભાઇએ આ પગલુ ભરી લીધુ હતું. પોલીસના કહેવા મુજબ આપઘાત પુર્વે આ યુવાને એક ચિઠ્ઠી પણ લખી હતી. તેમાં પણ પ્રેમપ્રકરણની વિગતો છે. યુવાન દિકરાના અવસાનથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(4:39 pm IST)