Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

તને ના પાડી તો'ય કેમ અહિ ગાડીમાં માલ ભરવા આવે છે... કહી દિનેશભાઇને ગભરૂ ભરવાડે કડાથી માર માર્યો

૮૦ ફુટ રોડ રામનગરમાં બનાવઃ થોરાળા પોલીસે ચાર શખ્સો સામે એટ્રોસીટી નોંધી

રાજકોટ તા. ૬: મવડી ગામમાં કણકોટ રોડ પર ગણેશ પ્રોવિઝન સ્ટોર પાસે રહેતાં  અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અનુસુચિત જાતીના દિનેશભાઇ તેજાભાઇ સાગઠીયા (ઉ.૪૩)ને ૮૦ ફુટ રોડ પર આજી ઇન્ડસ્ટ્રીઝ રામનગરમાં વિજ્યા મેટાલિક કારખાના પાસે હતાં ત્યારે ગભરૂ ભરવાડ અને સાથેના ત્રણ શખ્સોએ ગાડીમાં માલસામાનના ફેરા કરવાના ધંધાની હરિફાઇનો ખાર રાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપી તેમજ ઢીકા-પાટુ અને કડાથી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

આજી ડેમ પોલીસે દિનેશભાઇની ફરિયાદ પરથી ગભરૂ સહિત ચાર સામે એટ્રોસીટી, ધમકી, મારામારી સહિતનો કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. દિનેશભાઇના કહેવામ ુજબ પોતે મંગળારે સાંજે છએક વાગ્યે પોતાની ગાડીમાં માલ ભરવા રામનગર વિજ્યા મેટાલિક કારખાના પાસે ઉભા હતાં અને સાથે માસીના દિકરા મહેન્દ્રભાઇ પણ હતાં. આ વખતે ગભરૂ ભરવાડ પણ તેની ગાડી સાથે આવ્યો હતો અને બાદમાં 'તું અહિયા ગાડી ભરવા કેમ આવે છે, તને ના પાડી તો પણ કેમ સમજતો નથી?' કહી ગાળાગાળી કરી હતી.

એ પછી તેણે તું અહિયા જ ઉભો રહેજે હું માણસો લઇને આવું છું તેમ કહીને જતો રહ્યો હતો. થોડીવાર પછી બીજા ત્રણ જણાએ લઇને આવ્યો હતો અને હુમલો કર્યો હતો. માથામાં કડુ લાગી જતાં લોહી નીકળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. થોરાળાના પી.આઇ. એસ. એન. ગડુ રૂબરૂ આ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. એસીપી એસસીએસટી સેલની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(4:20 pm IST)