Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

૧૧મીએ સૂરસંસારના સુરીલા ગીતો ગુંજશે

મુંબઈના ગાયક સંજય સાવંત અને વડોદરાના સંધ્યા પાધ્યે રંગીલા ગીતો રજૂ કરશે

રાજકોટ, તા. ૬ : શહેરની મશહુર અને અગ્રણી એવી જૂના ફિલ્મી ગીતોની સંસ્થા સૂરસંસારનો આગામી કાર્યક્રમ હેમુ ગઢવી નાટ્ય ગૃહ (સરગમ કલબ સંચાલિત) ખાતે તા.૧૧મી માર્ચ સોમવારના રાત્રે ૯:૩૦ કલાકે યોજાયો છે.

આ કાર્યક્રમમાં મુંબઈના જાણીતા હરફનમૈલા ગાયક શ્રી સંજય સાવંત, મહંમદ રફીજી, મન્નાડે અને મહેન્દ્ર કપૂરના ગાયેલા મસ્તમૌલા અને યાદગાર ગીતો રજૂ કરશે. તેમના સથવારે વડોદરાના દેદીવ્યમાન કોકીલકંઠી સંધ્યા પાધ્યે લતાજીના અને આશાજી સદાબહાર લાલીત્યપૂર્ણ ગીતો રજૂ કરશે.

કાર્યક્રમનું સંગીતવૃંદ તાહેરઅલી સૈયદ અને ઈમરાન ખાનુ સાથીદારો ગાયકોને સંગીત સથવારો કરશે. ઉદ્દઘોષણા કુ.મેઘા બારડની રહેશે. કુ.મેઘા ઉભરતા છતા લોકપ્રિય બની રહેલા ઉદ્દઘોષિકા છે. તેઓ ઓછી છતાં ઘણી મીઠી રજૂઆતથી કડીરૂપ બની રહે.

ધ્વની વ્યવસ્થા રાજકોટના ગણેશ સાઉન્ડના શ્રી રોહિતભાઈની છે. કોરસ વૃંદમાં શ્રી દર્શિત કાનાબાર, કાર્તિક ઠાકર, કવિત મશરૂ તથા મેહુલ ધકાણ ઉપરાંત કુ.ખ્યાતિ પંડ્યા શ્રીમતી રીના ગજ્જર, શ્રીમતી તોરલ કલ્યાણી અને કુ.દર્શના પરમાર રહેશે.

આ કાર્યક્રમ બાદ સૂરસંસારનું રજત જયંતિ - ૨૫મું વર્ષ શરૂ થશે. ફિલ્મ ગીતોની કે અન્ય સંગીતિક સંસ્થા સતત પ્રવૃત રહી હોય એ ફકત સૌરાષ્ટ્રમાં નહી પરંતુ ગુજરાતમાં પહેલો બનાવ બની રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૪)

 

(4:13 pm IST)