Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

વોર્ડ નં. ૩માં ટેક્ષની વાંધા અરજીઓના ઢગલા : કોંગ્રેસ

ટેક્ષ ઇન્સ્પેકટર અને વોર્ડ ઓફીસરની જગ્યા તાત્કાલીક ભરવા કોંગી કોર્પોરેટર : અતુલ રાજાણી-દિલીપ આસવાણી દ્વારા રજુઆત : આંદોલનની ચીમકી

રાજકોટ, તા. ૬ : શહેરના વોર્ડ નં.૩માં મહેકમ મુજબનું સેટ અપન હોવાથી વોર્ડ નં.૩ના રહેવાસીઓને પારાવાર હાડમારી વેઠવી પડે છે અને ટેક્ષ ઇન્સ્પેકટર-વોર્ડ ઓફીસરની લાંબા સમયથી નિમણૂંક કરેલ નથી. ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાતું હોવાથી વેપારીઓ અને વોર્ડના  રહેવાસીઓને ધક્કાઓ થાય છે અને કાર્પેટ એરીયા મુજબની આવેલ અરજીઓમાં આજની તારીખે રપ૦ થી ૩૦૦ અરજીઓ ધૂળ ખાઇ રહી છે. તાત્કાલીક વોર્ડ-૩માં અનુભવી સ્ટાફને કાયમી નિમણૂંક આપવા માટે અને વોર્ડ ઓફીસરની નિમણૂંક કરવા વોર્ડના કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી વોર્ડ પ્રમુખ ગૌરવ પુજારાએ મ્યુ. કમિશ્નરને , આસી. કમિશ્નરને ઉગ્ર રજુઆત કરી હતી.

આ અંગે કોંગી કોર્પોરેટરોએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.૩ના વેપારીઓ લતાવાસીઓને શોપ-એકટ લાયસન્સ, વ્યવસાય વેરા જેવા કામોમાં વોર્ડ ઓફીસરની સહી જરૂરી હોય વેપારીઓએ પણ કમિશ્નરને લેખીત રજૂઆતો તાજેતરમાં કરી છે ત્યારે ૧૦ દિવસમાં વોર્ડ ઓફીસરની નિમણૂંક નહિ કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને વોર્ડ ઓફીસ કે મનપાની કમિશ્નરની સામે ધરણા કરાશે તેમ કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણીએ અંતમાં જણાવ્યું છે.

(3:50 pm IST)