Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સામાકાંઠાના વિસ્તારમાં મચ્છરોનું સામ્રાજયઃ રોગચાળાનો ભય

આજી નદીમાં ગાંડીવેલ દુર કરવા ભારતીય આંબેડકર ટ્રસ્ટ દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૬ :  શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં સામાકાંઠા વિસ્તાર સ્થિત વોર્ડ નં.૧પના વિસ્તારમાં ગાંડીવેલનો રાફડા ફુલીફાલી રહેલ હોય જેનાકારણે વોર્ડ નં.૧પ તથા વોર્ડ નં.૪ના સમગ્ર વિસ્તારમાં મચ્છરોના સામ્રાજયથી સામાકાંઠા વિસ્તારના તથા નદી કાંઠા આસપાસના વિસ્તારમાં રોગચાળાનો ભય ઝળુંબી રહયો છે. લોકો મચ્છરો-ગંદકીના ત્રાસથી ત્રસ્ત બની રહેલ હોય ભારતીય આંબેડકર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભાણજીભાઇ દાફડા દ્વારા રાજકોટ મ્યુનિ. કોર્પો.ના કમિશ્નર બંછાનિધિ પાની સમક્ષ ગાંડીવેલ દુર કરી નદીને સ્વચ્છ સુઘડ રાખવાની રજુઆત કરેલ છે.

આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યું  હતું કે આજી નદી સ્વચ્છ-સુઘડ રાખવા તદઉપરાંત શહેરના મીલપરા, ગુંદાવાડી, કેવડાવાડી વિગેરે વિસ્તારનું ગંદુ પાણી આજી નદીમાં એકઠું થાય છે. જેના કારણે સખ્ત દુર્ગધ અને મચ્છરોનો ત્રાસ સમગ્ર આજી નદીના બંને કાંઠાના વિસ્તારમાં વ્યાપી રહેલ છે.મચ્છરના કારણે નવા થોરાળા, ખોડીયારપરા, આંબેડકરનગર, કુબલીયાપરા, ચુનારવાડા, ગંજીવાડા સહિત નદી કાંઠા વિસ્તારના લોકો પર રોગચાળાનો ભય ઝળુંબી રહયો હોય, શહેરમાં ઉપલા કાંઠા સહિતના કેટલાક વિસ્તારમાં સફાઇ કામ કરવા નિયમીત આવતું ન હોય નિયમીત સફાઇ કાર્ય કરાવવાની માંગ કરવામાં આવી છે. (પ૧.૧૭)

(4:11 pm IST)