Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કેન્દ્ર સરકારના નામે ખેડૂતોને છેતરવાનું જબરૂ કૌભાંડઃ બે ગુના નોંધાયા

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસ ખોલી છેતરવાના ગોરખધંધા શરૂ થયા'તાઃ દેવડાના ખેડૂત ગીરધરભાઇ કાછડીયા સાથે ૨,૯૨,૦૦૦ની અને વેજાગામના પ્રશાંત સિંધવ સાથે ૧ લાખની ઠગાઈઃ રાજકોટમાં ઓફિસ સંભાળતી મહેશ્વરી અગ્નિહોત્રી, અમદાવાદના વિવેક દવે, મહેસાણાના મુકુંદ પરમાર, અમદાવાદના અરૂણાબેન કાંતિ નાઇ, મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન સામે ગુનો નોંધાયોઃ ખેડૂતોને સ્કીમ સમજાવાતી કે...૨૦૦૦ ભરીને અમારી કંપનીમાં સભ્યપદ મેળવોઃ પછી ૧ લાખ ભરો અને બાદમાં ૧II લાખ ભરો એટલે ટ્રેકટર મળી જશેઃ અડધા પૈસા તમે આપો, બાકીના કેન્દ્ર સરકાર આપશે!: હાલ બે ખેડૂતો સામે આવ્યાઃ અનેક છેતરાયાની શકયતાઃ તપાસનો ધમધમાટ

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદના નામે ખોલાયેલી ઓફિસ, જેને હાલ તાળા લાગી ગયા છે. અહિ બેસી ખેડૂતોને 'આજા ફસજા' સ્કીમ સમજાવાતી હતી

રાજકોટ તા. ૬ ભારત ભરમાં  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના નામે ઓફિસો ખોલી ખેડૂતોને અડધી કિમતે ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો અને પશુઓ આપવાની લોભામણી જાહેરાતો કરી ફોર્મ ભરવાના નામે ૨-૨ હજાર વસુલ કરી અમુક લોકોને ટ્રેકટર સહિતની વસ્તુઓ આપી બીજા  લોકો પાસેથી ફીના નામે પૈસા મેળવ્યા બાદ ટ્રેકટર ન આપી ઠગાઇ કરતાં શખ્સોની ટોળકીનું જબરૂ કોૈભાંડ સામે આવ્યું છે. આ પૈકી રાજકોટમાં રૂ. ૨,૯૧,૦૦૦ની ઠગાઇઅને રૂ. ૧ લાખની ઠગાઇના બે ગુના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં આરોપી તરીકે રાજકોટની મહિલા-અમદાવાદ-મહેસાણાના ૭ લોકો સામેલ છે. જેમાં અમદાવાદની એક મહિલા  પણ આરોપીના લિસ્ટમાં છે. આ ટોળકીએ ખેડૂતોને એક કહીન છેતર્યા હતાં કે અડધી રકમ તમે ભરો બાકીના કેન્દ્ર સરકાર ભરશે અને તમને અડધા ભાવે ટ્રેકટર મળશે!

પોલીસે છેતરાયેલા ખેડૂતો પૈકીના લોધીકાના દેવડા ગામે રહેતાં ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા (ઉ.૫૩) નામના લેઉવા પટેલ ખેડૂતની ફરિયાદ પરથી રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વેટ્રીકસ દૂકાન નં. એફ-૧૫માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના ઓફિસ ખોલનાર મહેશ્વરીબેન અગ્નિહોત્રી, અમદાવાદ બ્રાંચના ગુજરાત પ્રેસિડેન્ટ વિવેક દવે, મહેસાણાની ઓફિસના મુકુંદ પરમાર, અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અરૂણાબેન કાંતિ નાઇ, અમદાવાદના પ્રેસીડેન્ટ મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ગીરધરભાઇએ જણાવ્યું છે કે હું દેવડા ગામે આઠ એકર ખેતી છે તેમાં ખેતી કરી ગુજરાન ચલાવુ છું અને ચાર ધોરણ સુધી ભણ્યો છું. ત્રણેક મહિના અગાઉ હું જ્યુબીલી ચોક પાલવ હોટેલ પાસે ઉભો હતો ત્યારે જાણવા મળેલ કે અડધી કિંમતે ટ્રેકટર મળે છે અને તેની પાલવ હોટેલમાં મિટીંગ છે. હું અંદર જતાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનું બોર્ડ લગાડાયેલુ જોવા મળ્યું હતું. જ્યાં મુકુંદભાઇ પરમાર અને બીજા માણસો હતાં. મુકુંદભાઇ હિન્દીમાં બોલતા હતાં. તેણે પ્રથમ અમુક રકમ ભરીએ તો બાદમાં અડધી કિંમતે ટ્રેકટર, પશુ તથા ખેતીના બીજા સાધનો મળે તેવું સમજાવી ફોર્મ ફીના રૂ. ૨૦૦૦ ભરી સભ્યપદ મેળવવા કહ્યું હતું. તેણે સરકાર દ્વારા જે લાભ અપાશે તે તમામ ખેડૂતોને મળશે તેવી વાતો કરી હતી.

મને જાણવા મળ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદની બીજી મિટીંગ ચોટીલા નજીક હાઇવે પરની હોટેલમાં યોજાઇ હતી. એ મિટીંગમાં પણ હું અને બાજુના છાપરા ગામના સાગરભાઇ ગયા હતાં. જેમાં સભ્યપદ મળ્યાના ૪૫ દિવસ પછી અડધી કિંમતે ટ્રેકટર મળી જશે તેવો વિશ્વાસ અપાયો હતો. સાગરભાઇ જે આ પરિષદની રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની ઓફિસમાં હોઇ તેને હું ત્યાં પણ લઇ ગયો હતો. જ્યાં મહેશ્વરીબેન અગ્નિહોત્રી હાજર હતાં. તેણે સ્કીમ સમજાવી હતી કે પહેલા ૧ લાખ ભરવાના અને થોડા દિવસ પછી ૧,૯૧,૦૦૦ ભરવાના. એ પછી ટ્રેકટર મળી જશે. આ કંપનીની ઓફિસો દેશભરમાં અલગ-અલગ શહેરોમાં રજીસ્ટર થઇ હોવાનું પણ જણાવાયું હતું.  તેમજ આ કંપનીના ડિરેકટરોના નામો પણ મને અપાયા હતાં અને ભારતભરમાં સરકાર અલગ-અલગ જગ્યાએ આ રીતે ખેડૂતોને  લાભ આપી રહી હોવાની માહિતી અપાઇ હતી.

આ સ્કીમ સાંભળીને મને એમ થયુ હતું કે સરકારશ્રીની આ યોજના હશે. જેથી મેં વિશ્વાસ રાખી ૧ લાખ રોકડા ભર્યા હતાં. તેની મને પહોંચ અપાઇ નહોતી. બાદમાં ૨૮/૧ના રોજ ફરી હું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની સાધુ વાસવાણી રોડ પરની ઓફિસે જતાં એકાઉન્ટમાં ૧ લાખ જમા થયેલા તેની બેંકની પહોંચ અપાઇ હતી. પણ કંપનીના સહી સિક્કાવાળી કોઇ પહોંચ નહોતી. એ પછી મને ૧૨/૨/૧૮ના રોજ ૧,૯૧,૦૦૦ ભરવા બાબતો ફોન આવ્યો હતો. જથી હું આ રકમ ભરવા મહેશ્વરી અગ્નિહોત્રીને મળ્યો હતો. તે વખતે પણ મને પહોંચ કે લખાણ આપ્યા વગર આ રકમ તેણે લઇ લીધી હતી અને વિશ્વસ આપ્યો હતો કે થોડા દિવસમાં જ ટ્રેકટર મળી જશે. પરંતુ આજ સુધી ટ્રેકટર મળ્યું નથી.

ગીરધરભાઇએ વિશેષમાં જણાવ્યું હતું કે મેં ત્રણ માસ પહેલા સભ્ય ફીના ૨૦૦૦ ભર્યા હતાં. તે બદલ મને આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદનું કાર્ડ અપાયું હતું. કંપનીની શરતો મુજબ મેં પૈસા ભર્યા છતાં કોઇ પણ ટ્રેકટર મને ન મળતાં અને પૈસા પણ પાછા ન મળતાં અંતે મેં ફરિયાદ નોંધાવી છે.

બીજી ફરિયાદ ગોંડલના વેજાગામમાં રહેતાં પ્રશાંત પ્રતાપભાઇ સિંધવ (રજપૂત) (ઉ.૨૧) નામના યવાનની નોંધવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે હું વેજાગામમાં ગોૈશાળાનું સંચાલન કરું  છું. ધોરણ-૧૨ સુધી ભણેલો છું. મને ગત જાન્યુઆરી માસમાં ખબર પડી હતી કે અડધા ભાવે ટ્રેકટર મળે છે અને આ માટે સાધુ વાસવાણી રોડ પર ઓફિસ ખુલી છે. જેથી હું ત્યાં ગયો હતો. મને સમજાવાયેલ કે ૧ લાખ પહેલા ભરવાના અને બાકીના ૧ાા લાખ ખેડૂતને ટ્રેકટર મળે ત્યારે ચુકવવાના છે. બાકીની રકમ કેન્દ્ર સરકાર સબસીડી મારફત આપે છે. જેથી ટ્રેકટર માત્ર અઢી લાખમાં મળશે. આવી સ્કીમ મને સાચી લાગતાં મેં ૧ લાખ રોકડા ભર્યા હાં. સભ્યપદ બાદ બીજા ૧ાા લાખ ભરવાના રહેશે અને આઠ-દસ દિવસમાં સભ્યપદ મળી જશે તેમ કહેવાયું હતું. પરંતુ  મને પછી કોઇ ફોન ન આવતાં હું તપાસ કરવા જતાં મને અમદાવાદ વિવેક દવે સાથે વાત કરવા કહેવાયું હતું. મેં ફોન પર વાત કરતાં મને તેણે કહેલ કે ઉપરથી ફી ઓછી આવી છે અને હું દિલ્હી તપાસ કરવા જાઉ છું. તેમ કહી તેણે મહેસાણા હેડ બ્રાંચ હોવાનું કહી ત્યાંના મુકુંદભાઇ પરમારના નંબર આપ્યા હતાં. મેં ફોન કરતાં તેણે રૂબરૂ ઓફિસે આવો તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. જેથી મને શંકા ઉપજી હતી કે આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે.

બાદમાં મેં તપાસ કરતાં સરકાર દ્વારા આવી કોઇ સ્કીમ કે યોજના અમલમાં જ નહિ હોવાની ખબર પડી હતી. તેમજ કોઇ એનજીઓ કે પ્રાઇવેટ કંપનીને પણ સરકારે આવી કોઇ ઓથોરિટી આપી નહિ હોવાની ખબર પડતાં છેતરપીડી થયાની ખબર પડી હતી અને મેં ફરિયાદ કરી હતી.

પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, લક્ષમણભાઇ મહાજન, ગિરીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ, અમીનભાઇ સહિતના સ્ટાફે બંને ગુનાની તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ રાજ્યભરમાં ઠગાઇ કર્યાનું મોટુ ભોપાળુ સામે આવવાની શકયતા છે. હાલ રાજકોટની ઓફિસને તાળા લાગી ગયા છે.

(3:07 pm IST)