Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

ખીરસરા જીઆઈડીસીના ૪૭૬ પ્લોટના ડ્રોમાં અનુસૂચિત જાતિ-જનજાતિ-દિવ્યાંગોમાંથી કોને કેટલા પ્લોટ અપાયાઃ વિગતો મંગાઈ

પ્લોટ અનામત રાખવા એ સરકારનું પ્રાવધાન છેઃ અન્ય જીઆઈડીસી અંગે પણ વિગતો મંગાઈ : તરઘડીયાના વિનોદ વાઘેલાએ આરટીઆઈ કરી વિગતો માંગતા જીઆઈડીસીના તંત્રને દોડધામ થઈ પડી

રાજકોટ, તા. ૬ :. તાજેતરમાં ખીરસરા જીઆઈડીસીમાં ૧૮ જાન્યુ.ના દિવસે ૪૭૬ પ્લોટનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે થયો હતો. ૨૬મી જાન્યુ.ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ડ્રો દરમિયાન જાતિ, એકસ આર્મીમેન, હેન્ડીકેપમાંથી કેટલાને પ્લોટ ફાળવાયા તે દર્શાવાયું ન હોય, તરઘડીયા રહેતા વિનોદભાઈ વાઘેલાએ જીઆઈડીસીમાં આરટીઆઈ કરી વિગતો માંગતા સન્નાટો પ્રસરી ગયો છે. રાજકોટ તાલુકાના તરઘડીયાના વિનોદભાઈ વાઘેલાએ જીઆઈડીસીના શ્રી દાતાણીને પત્ર પાઠવી માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે માહિતી મળવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યુ છે કે તાજેતરમાં ખીરસરા તા. લોધીકા, જિ. રાજકોટ ખાતે જીઆઈડીસીના પ્લોટના ડ્રો થયા તેમા આ પ્લોટસ કોને - કોને લાગ્યા યા ફાળવવામાં આવ્યા ? તે તમામ વ્યકિતઓ / સંસ્થાઓના નામ - સરનામા - સંપર્ક નંબર સાથે જણાવવા તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વ્યકિતઓને પણ આ પ્લોટ ફાળવણીમાં અનામત અંગેનું સરકારશ્રીનું પ્રોવિઝન અને પ્રાવધાન છે, તો ખીરસરા તા. લોધિકા, જિ. રાજકોટના જીઆઈડીસીના પ્રથમ તબક્કાના પ્લોટસ ફાળવણી કાર્યક્રમ અંતર્ગતના ડ્રોમાં અનુ. જાતિ અને અનુ. જનજાતિ પૈકીના અનામત કક્ષાના પ્લોટો કોને - કોને ફાળવવામાં આવ્યા ? કુલ કેટલા યુનિટ અને કઈ - કઈ જગ્યાએ ફાળવવામાં આવ્યા ? સહિતના નામ, સરનામા, સંપર્ક નંબર આપશો.

સરકારશ્રીના પ્રવર્તમાન અને પુરોગામી નિયમો હેઠળ આજી, મેટોડા, કુવાડવા, શાપર, હડમતાળા, લોઠડા, ખીરસરા વિગેરે જીઆઈડીસીની સ્થાપનાઓ થઈ અને ઉકત યોજના હેઠળ ત્યાં પણ અનુ.જાતિ અને અનુ. જનજાતિના કુલ કેટલા લાભાર્થીઓને અનામત કક્ષા અન્વયે પ્લોટ ફાળવવામાં આવ્યા, નામ-સરનામા, મો. નં. સહિત પ્રમાણિત કોપીઓ આપવા વિનંતી...

ઉકત રાજકોટ જિલ્લા અને શહેરમાં આવેલ તમામ જીઆઈડીસી ખાતે અનુ.જાતિ, અનુ. જનજાતિ, અન્ય પછાતવર્ગ, જનરલને યુનિટ દીઠમાં પ્લોટ દીઠ શું ભાવ ભર્યા ? પૂર્વના સમયમાં અને વર્તમાન સમયના ભાવો જણાવો ? ઉકત ત્રણેય સહિત ચોથા ક્રમાંકની પણ માહિતીઓની પ્રમાણિત કોપીઓ સત્વરે મળવા વિનંતી તેમ વિનોદભાઈ વાઘેલાએ ઉમેર્યુ છે.

(3:54 pm IST)