Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

કાલે વિશ્વકર્મા જયંતિઃ ધાર્મિક કાર્યક્રમો

પૂજન,સમુહલગ્ન, શોભાયાત્રા, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો

રાજકોટ,તા.૬: આવતીકાલે વિશ્વકર્મા દાદાની જયંતિ છે. આ નિમિતે પૂજન, સમુહલગ્ન, શોભાયાત્રા, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

અકિલા ચોક ખાતે શોભાયાત્રાનું સ્વાગત

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે જગતના સર્વશ્રેષ્ઠ સ્થાપત્યકાર એવા ભગવાન વિશ્વકર્માની જયંતીના શુભ અવસરે આવતીકાલે તા.૭ના શુક્રવારે, સાંજે ૪:૩૦ કલાકે શહેર ભાજપ દ્વારા શહેરના અકિલા ચોક (જિલ્લા પંચાયત પાસે) ખાતે વિશ્વકર્મા જયંતી નિમિતે નીકળનાર ગુર્જર સુતાર જ્ઞાતિ આયોજીત શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

ચિત્રકુટ ધામ રામજી મંદિર

શ્રી ચિત્રકુટ ધામ રામજી મંદિર-૪ ધર્મજીવન સોસાયટી ભકિત નગર સર્કલ પાસે આવેલ નિજ મંદિરમાં કાલે શુક્રવારે શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમીતે સવારે ૩:૩૦ કલાકે મંગળા આરતી દર્શન ત્યારબાદ ગોપી સત્સંગ મંડળના ધુન- ભજન સવાર.ે ૧૦:૧૫ કલાકે ભગવાન શ્રી વિશ્વકર્મા દેવની પંચધાતુની પ્રતિષ્ઠિત મૂર્તિનું ષોડષોપચારથી પૂજન- અભિષેક, શાસ્ત્રો તેમજ હથિયારોનું પણ ષોડષોપચારથી પૂજન કરાવવામાં આવશે. પૂ.ગુરૂદેવ શ્રી ગોકર્ણદાસજી મહારાજ પોતાની દિવ્ય- સંગીતમય શૈલીમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની કથાનું રસપાન કરાવશે. બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રી વિશ્વકર્મા દેવની ૧૦૮ દિપદાન સાથે મહાઆરતી દર્શનનો દિવ્ય લ્હાવો માણી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.સૌ ભાવિકોને શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવમાં પૂજન- દર્શન- અભિષેકનો દિવ્ય લ્હાવો લેવા નિજ મંદિરવતી પૂ.ગુરૂદેવ શ્રી ગોકર્ણદાસજી મહારાજ (મો.૯૬૦૧૦ ૫૩૯૦૫) નિમંત્રણ પાઠવે છે.

પૂજન- અર્ચન

શ્રી સૌરાષ્ટ્ર સમસ્ત લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળના ઉપક્રમે શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિતે રાષ્ટ્રીય શાળા સામે શ્રી લુહાર વિદ્યાર્થી ભુવનના પ્રાર્થના ખંડમાં તા.૭ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે દાદાની પૂજન- અર્ચન વિધિનું આયોજન કરવામાં આવેલ છે. તમામ જ્ઞાતિજનોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરેલ છે.

(3:45 pm IST)