Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સૂરસંસારનો મધુરતમ્ કાર્યક્રમ : કવિતામુર્તિ દેશપાંડે છવાયા

સૂરસંસારના રજતજયંતિ વર્ષના આગમન નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં દમદાર ગીતો છવાયા : આ ચલકે તુજે મેં લેકે ચલુ... જેવા અનેક સદાબહાર ગીતોનો નોનસ્ટોપ કાર્યક્રમ : ડયુએટ સોંગમાં રાકેશ દવેએ સાથ આપ્યો : મોદી કાકાનું આયોજન : કવિતામૂર્તિએ રજૂ કરેલા અનેક ગીતો માટે શ્રોતાઓએ વન્સમોરની માંગણી કરી હતી : સૂરસંસારના શ્રોતાઓની ગીતોની પસંદગી અને સંગીત પ્રત્યેની લાગણીથી કવિતામૂર્તિ ખૂબ પ્રભાવિત થયા હતા : કવિતામૂર્તિએ સર્વ સમ્મનનીય ગાયક કુંદનલાલ સાયગલ, પંકજ મલિક તથા જગમોહન જેવા જૂની પેઢીના ગાયકોના ગીતો ગાયા હતા અને સ્વરાંજલી આપી હતી : ફિલ્મ મુગલે આઝમની લતા મંગેશકર તથા શમશાદ બેગમનાં અવાજમાં કોરસ સાથે ગવાયેલી કવ્વાલી, કવિતામૂર્તિએ પોતાના જ કંઠે (લતા મંગેશકર તથા શમશાદ બેગમના) આ બંનેના અવાજમાં રજૂ કરી હતી. અદભૂત રજૂઆત માટે શ્રોતાઓ માટેએ કવ્વાલી ફરી રજૂ કરાઇ હતી

રાજકોટ તા.૬ : સુપ્રસિધ્ધ સૂરસંસાર સંસ્થા પોતાના કાર્યકાળના રજતજયંતિ વર્ષ તરફ મકકમ પગલે આગળ વધી રહી છે. વર્ષ ૧૯૯૪ થી શરૂ થયેલી સૂરસંસાર સંસ્થાનો આ સળંગ ૧૪૩મો અને ૨૪માં વર્ષનો પાંચમો કાર્યક્રમ હતો. આવતા વર્ષ દરમિયાન અર્થાત ૨૫માં વર્ષમાં ૧૫૦મો યાદગાર કાર્યક્રમ યોજાશે. આ સિધ્ધિ સંસ્થા માટે તથા રાજકોટના સંગીત પ્રેમીઓ માટે પણ ગૌરવની ઘટના બની રહેશે.

ગાયીકા કવિતામૂર્તિ દેશપાંડે આજે તેમના કાર્યક્રમો તથા ઇલેકટ્રોનીક માધ્યમ દ્વારા ગુંજતુ નામ છે. સાક્ષાત માં સરસ્વતીની ગોદમાં ઉજરેલો કંઠ અને વ્યકિતત્વ ! આ વર્સેટાઇલ ગાયીકાની સૂરની લગાવટ, અવાજનો થ્રો, મધુરત, સાહજીક એફર્ટલેસ ગાયકી, ત્રણ સપ્તકમાં વિસ્તરેલું સૂરનું પ્રભુત્વ અને સૌમ્ય વિનમ્ર વ્યકિતત્વ તેમને વિશિષ્ટ ગાયીકા બનાવે છે.

કવિતાની ઉપસ્થિતિ માત્રથી સમગ્ર મંચ અને ઓડીટોરીયમઅજાણે ઉર્જાથી ભરાઇ ગયા. સાથે જ સતત ત્રણ કલાક નોનસ્ટોપ ગીતોની અસ્પાલીત ધારા શરૂ થઇ. કવિતાએ પુરૂષ પાર્શ્વગાયકોના ગીતો પણ પૂરી અધિકૃતતાથી રજૂ કર્યા. કિશોર કુમાર, મહમ્મદ રફી, મુકેશ, હેમંતકુમાર, સાયગલ, પંકજ મલિક, જગમોહન જેવા મધુરા ગાયકોના ગીતો તેના અસલ અંદાજમાં રજૂ કર્યા. પાર્શ્વગાયીકાઓ શમશાદ બેગમ, નૂરજહાં, ગીતાદત્ત, આશા ભોંસલે, લતા મંગેશકર, મુબારક બેગમ, સુધા મલ્હોત્રા, જીગજીત કૌર, રૂના લૈલા તથા રેશમા જેવી ગાયિકાઓના કંઠ વૈવિધ્યવાળા ગીતો પણ તેની અસલ લાક્ષણીકતા સાથે રજૂ કર્યા. બધા જ ગીતો ઉપર એકસરખું પ્રભુત્વ..!

આમ તો કવિતામૂર્તિને નૂરજહાં તથા શમશાદ બેગમનાં ગીતોની માહીર ગાયીકા તરીકે ખ્યાતી વધુ મળી છે. પણ તેમણે લગભગ બધા જ અવાજ ઉપર એક સરખો અધિકાર પ્રાપ્ત કર્યો છે. છતા સાવ સરળ... ડાઉન ટુ અર્થ ! કેટલાક ગીતો સમયે તો તેમણે વિનમ્રતા પૂર્વક સ્વીકાર્યુ કે 'મૈં તો સિર્ફ કોશીષ કર સકતી હું'.

કવિતામૂર્તિ સાથે કેટલાક ડયુએટમાં વડોદરાના જાણીતા ગાયક રાકેશદવે જોડાયા હતા. કાર્યક્રમના આકર્ષક સમાન રાજકોટના કોરસવૃંદના કલાકારોએ કવિતાને ખૂબ જ પ્રભાવીત કર્યા હતા. જાણીતા ગાયક કલાકાર દર્શીત કાનાબારના માર્ગદર્શન હેઠળ ગાયકો કાર્તિક ઠાકર, કુ.ખ્યાતી પંડયા, રીના ગજજર, તોરલ કલ્યાણી અને દર્શના પરમારે ઉતમ સંગાથ કર્યો હતો.

આ કાર્યક્રમમાં કવિતાએ પ્રસ્તુત કરેલા દરેક ગીતો તેને કંઠસ્થ હતા પરિણામે પૂરી એકાગ્રતા અને ભાવથી ગીતો રજૂ કર્યા. આ કાર્યક્રમ દરમીયાન કવિતા મંચ ઉપર સતત ઉભા જ રહ્યા. મંચ ઉપર તેમના માટે રાખેલ સ્થાને તે કયારે પણ બેઠા નહી. શ્રોતાઓ સાથે સતત સંવાદ સાધતા રહ્યા અને પોતાની સાથે ગાવા માટે ઇજન આપતા રહ્યા.

કવિતા ઉત્તમ ગાયીકા હોવા ઉપરાંત સારા સંચાલીકા પણ છે. ગીતોની વચ્ચે ગીતોની ખાસીયત, ગીતોના શબ્દો અને સંગીતકારો વિશે પણ વાતો કરતા જતા હતા. હા.. સમયાંતરે યુવા ઉદઘોષિકા કુ.સ્નેહલ તન્ના મંચ ઉપર આવીને કવિતાજીનો તથા વાદક કલાકારોનો પરિચય કરાવી ગયા.

વડોદરાના સુવિખ્યાત વાદક કલાકાર વૃંદ જનાબ તાહીર અલી સૈયદ અને યુવા કિબોર્ડ વાદક ઇમરાન તથા વાદકોએ સમજપુર્વક સાઝ સંગાથ આપ્યો. સિતાર વાદકની ભૂમિકા પણ સરાહનીય રહી.

સૂરસંસારના મોભી ભગવતીભાઇ મોદી (ફોન-૦૨૮૧-૨૫૭૭૫૬૩)એ સંસ્થાના શરૂ થનારા રજતજયંતી વર્ષના કાર્યક્રમો અંગે વિગતો આપી. શ્રોતાઓની લાગણીના પ્રતિસાદ રૂપે દર વર્ષે એકવાર કવિતામૂર્તિને જરૂરથી સૂરસંસારના મંચ ઉપર લાવીશું તેવું વચન પણ આપ્યુ. સંસ્થાના આ કાર્યક્રમના સફળ મંચન માટે મનીષભાઇ શાહ, નૂતનભાઇ ભટ્ટ, પિયુષભાઇ મહેતા તથા મુકેશભાઇ છાયાએ જહેમત ઉઠાવી હતી. આનંદ મ્યુઝીકલ સાઉન્ડના મનીષભાઇએ સમજપુર્વક બેલેન્સીંગ કરીને લોકોની પ્રશંસા મેળવી હતી.

કાર્યક્રમ દરમિયાન હેમુ ગઢવી હોલમાં ઘડીયાળનો સમય જાણે થંભી ગયો હતો. ભાવિકો ફિલ્મ સંગીતના સુવર્ણયુગના માહોલમાં જાણે ખોવાઇ ગયા હતા. સૌ પોતાના ભાવજગતમાં લીન થઇ ગયા હતા.

અચાનક જ કિબોર્ડ ઉપરથી સારે જહાંસે અચ્છા હિન્દુસ્ત્તા હમારાના સૂર છેડાયા. શ્રોતાઓ ભાવજગતની તંદ્રામાંથી જાણે જાગૃત થઇ ગયા. ખૂદ કવિતામૂર્તિના મુખ ઉપર આશ્ચર્યના ભાવ આવી ગયા..! બસ, સમય પૂરો થયો ?! ખેર, સમયતો તેની અવિરત ગતીથી ચાલતો રહેશે પણ આજની કાર્યક્રમની સુમધૂર યાદોને કયારે પણ ધુંધળી કરી શકાશે નહી. વર્ષોમાં કયારેક આવા અદભૂત કાર્યક્રમો યોજાતા હોય છે. તે માટે 'અભિનંદન સૂરસંસાર'.

રજતજયંતિ વર્ષના કાર્યક્રમોની કાગડોળે રાહજોવાશે તે નકકી.! (૪૫.૫)

અવલોકન : જયંત જોશી

સૂરસંસારના શ્રોતાઓ માટે ગાયીક કવિતામૂર્તિએ રજૂ કરેલાં ગીતો

આ ચલકે તુઝે મૈ લેકે ચલુ        કિશોરકુમાર

જવાંહે મુહબ્બત હસીં કે ઝમાના   નૂરજહાં

મેરે બચપન કે સાથી મુઝે ભુલ ન જાના નૂરજહાં

જબ ઉસને ગેસુ બીખરાયે         શમશાદ બેગમ

કભી આર કભી પાર લગા તીરે નઝર   શમશાદ બેગમ

ચમન મે રહે કે વિરાના મેરા દિલ શમશાદ બેગમ

તેરે નૈનોને જાદુ કિયા             સૂરૈયા

વો પાસ રહે યા દૂર રહે           સૂરૈયા

મૂરલી વાલે મુરલી બજા          સૂરૈયા

સુનો ગજર કયા ગાયે             ગીતાદત્ત

બાબુજી ધીરે ચલના               ગીતાદત્ત

ખયાલો મેં કિસી કે                ગીતાદત્ત-મુકેશ

ભંવડા બડા નાદાન હૈ             આશા ભોંસલે

બચપન કી મુહબ્બત કો           લતા મંગેશકર

આજા સનમ મધુર ચાંદની મે હમ લતા-મન્નાડે

યે રાત ભીગી                     લતા-મન્નાડે

પ્યાર હુવા ઇકરાર હુવા           લતા-મન્નાડે

તેરી મહેફીલ મે કિસ્મત           લતા-શમશાદ

ગમ દીયે મુસ્તકિલ               સાયગલ

તેરે મંદિરકા મૈ દિપક જલ રહા   પંકજ મલિક

કહી દૂર જબ દિન ઢલ જાયે      મૂકેશ

સુહાની રાત ઢલ ચૂકી             રફી

તૂમ અપના રંજો ગમ             જગજીત કૌર

તુમ મુઝે ભૂલભી જાઓ            સુધા મલ્હોત્રા

કભી તન્હાઇયોમે યું               મુબારક બેગમ

યે દુનિયા રૂપકી ચોર             શમશાદ બેગમ

લમ્બી જૂદાઇ                      રેશ્મા

મોરની બાગામાં બોલે             લતા મંગેશકર

દમાદમ મસ્ત કલંદર             રૂના લૈલા તથા બીજી         ગાયીકાઓ

મેરા નામ ચીનચીન ચુ            ગીતાદત્ત

 

 

(3:48 pm IST)