Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

બિલ્ડર નિલેષ લુણાગરીયાએ અન્ય સાત સાઇટના ફલેટ ખરીદનારા સાથે પણ ઠગાઇ કર્યાની ચોંકાવનારી ફરિયાદ

સામા કાંઠાના વેપારી હસમુખભાઇ સુરાણીને આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં રિમાન્ડ પર રહેલા : મૃતકના પત્નિ દક્ષાબેન સુરાણી અને ભાઇ જયદિપ સુરાણીની કલેકટર, પોલીસ કમિશનર અને રૂરલ એસપીને લેખિત રજૂઆત

રાજકોટ તા. ૫: જુના માર્કેટ યાર્ડ પાસે શકિત સોસાયટી-૧માં 'સુરાણી' ખાતે રહેતાં અને અન્નપૂર્ણા ગૃહઉદ્યોગ નામે નમકીનનો તથા હસમુખ ટ્રેડિંગના નામે ઘંઉનો ધંધો કરતાં હસમુખભાઇ ઘેલાભાઇ સુરાણી (ઉ.૪૦) નામના લેઉવા પટેલ વેપારીને મરી જવા મજબૂર કરવાના ગુનામાં રિમાન્ડ પર રહેલા સામા કાંઠાના બિલ્ડર નિલેષ કાનજીભાઇ લુણાગરીયા વિરૂધ્ધ આપઘાત કરનાર હસમુખભાઇ સુરાણીના પત્નિ દક્ષાબેન સુરાણી અને નાના ભાઇ જયદિપભાઇ સંજયભાઇ સુરાણીએ વધુ એક ચોંકાવનારી લેખિત ફરિયાદ કલેકટર, પોલીસ કમિશનર અને રૂરલ એસીપીને કરે છે. નિલેષ લુણાગરીયાએ પોતાના હસ્તકના ૭ પ્રોજેકટ (બાંધકામ સાઇટ)માં ફલેટ ખરીદનારા અનેક લોકો પાસેથી એડવાન્સમાં પૈસા વસુલી લઇ કબ્જો નહિ સોંપી જબરી ઠગાઇ કર્યાનો ચોંકાવનારો આરોપ આ લેખિત ફરિયાદમાં મુકાયો છે.

 લેખિત ફરિયાદમાં દક્ષાબેન અને જયદિપભાઇ સુરાણીએ જણાવ્યું છે કે નિલેષ લુણાગરીયાની ઠગાઇના કારણે હસમુખભાઇ સુરાણી મરી જવા માટે મજબુર થયા હતાં. તેમણે ૨૧/૧૨ના રોજ સ્યુસાઇડ નોટ લખી ઝેર પી લીધુ હતું અને એ પછી તેમનું મૃત્યુ નિપજતાં બી-ડિવીઝન પોલીસે નિલેષ લુણાગરીયા, તેની પત્નિ હીના સહિત ૧૧ સામે ગુનો નોંધ્યો હતો. નિલેષ લુણાગરીયાએ અમારી સાથે જે રીતે છેતરપીંડી કરી છે તેવી જ છેતરપીંડી બીજા અનેક લોકો સાથે કરી છે. રાજકોટ શહેર-તાલુકા વિસ્તારમાં જ્યાં જ્યાં તેની બાંધકામ ડેવલપમેન્ટની સાઇટો ચાલે છે તેમાં તેણે ફલેટ ખરીદનારા લોકો પાસેથી એડવાન્સમાં  મોટી રકમો મેળવી લીધા બાદ ફલેટનો કબ્જો સોંપ્યો જ નથી. પ્રોજેકટમાં દર્શાવ્યા મુજબનું બાંધકામ કર્યા વગર જ દસ્તાવેજ કરી આપી છેતરપીંડી કરી રહ્યાનું અમારી જાણમાં આવ્યું છે.

ગં.સ્વ. દક્ષાબેન હસમુખભાઇ સુરાણી અને જયદિપભાઇ સુરાણીએ લેખિત ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે નિલેષ લુણાગરીયાએ બેંક કે ફાયનાન્સ કંપનીના મનેજરો સાથે મિલીભગત કરી જે પ્રોજેકટ અસ્તિત્વમાં નથી આવ્યા તેના ઉપર ખરીદનારના નામે લોન મેળવી રૂપિયા પડાવી લીધા છે. પ્રોજેકટનું કામ પુર્ણ થતું નથી અને તોછડા જવાબ આપી કહે છે કે જોઇતુ હોય તો આવુ જ બાંધકામ મળશે નહિતર જે કરવું હોય તે કરી લેજો. હાલ ફસાયેલા બે વ્યકિતઓ રૂપેશભાઇ વલ્લભભાઇ મકવાણા અને હાર્દિકભાઇ શાહ અમારી સામે આવ્યા છે. મોટાવડામાં આવેલ પૂર્વા હાઇટ્સ અને પૂર્વા એવન્યુમાં ફલેટ ખરીદનારા આ બંને વ્યકિત છેતરાયા છે.

અમારી વિનંતી છે કે આવા પ્રોજેકટમાં મોટી છેતરપીંડી થઇ રહી છે. બેંક તથા ફાયનાન્સ કંપનીઓના જવાબદારો પણ સંડોવાયા હોવાનું જણાય છે. નાના માણસો છેતરાઇ રહ્યા છે. આવું ન થાય એ માટે સાઇટ પરનું બાંધકામ અટકાવવું જરૂરી છે. આ બાબતે તાકીદે પગલા લેવાય તેવી અમારી લાગણી અને માંગણી છે.

નિલેષ લુણાગરીયાની જે સાઇટો ચાલી રહી છે તેમાં હેન્સી ઇન્ફાટ્રેક પ્રા.લી., રાધે ઇન્ફ્રાવેન્ચર, પૂર્વા ઇન્ફાસ્ટ્રકચર, પૂર્વા એવન્યુ, હેન્સી વીલા, સોૈરાષ્ટ્ર ડેવલપર્સ પ્રા.લિ.માં નિલેષ લુણાગરીયા ડિરેકટર હોવાનું લેખિત  રજૂઆતના અંતે દક્ષાબેન સુરાણી અને જયદિપભાઇ સુરાણીએ જણાવ્યું છે. જયદિપભાઇએ એવી પણ અપિલ કરી છે કે કોઇ પણ વ્યકિત નિલેષ લુણાગરીયાની દ્વારા છેતરાયા હોય તો તેમનો મો. ૯૩૭૪૮ ૧૬૯૭૧ ઉપર સંપર્ક કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે બી-ડિવીઝન પોલીસે નિલેષ લુણાગરીયા અને તેની પત્નિ હીના લુણાગરીયાની ધરપકડ કરી હતી. નિલેષના રિમાન્ડ આજે સાંજે પુરા થતાં હોઇ તેને કોર્ટ હવાલે કરવામાં આવશે. તેના પત્નિ હીના લુણાગરીયા આગોતરા સાથે હાજર થયા હોઇ તે મુજબની કાર્યવાહી થઇ હતી. (૧૪.૧૦)

 

 

(3:55 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ભાઈને સરકારી નોકરી મળતા નારાજ મોટાભાઈએ ઘરમાં લગાવી આગ : છ લોકો બળીને ભડથું :પોલીસ અને પરિવારજનો મુજબ નેશનલ વોલન્ટરી ફોર્સ ( એનવીએફ )માં કામ કરતા ગેદુ મંડળનું તાજેતરમાં મૃત્યુ થયું હતું અને વિકાસની મદદથી ગોવિંદાને રહેમરાહે નોકરી મળતા મોટાભાઈ માખન ગુસ્સે ભરાયો હતો અને ઘરમાં આગ લગાડી દીધી access_time 1:23 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસમાં કકળાટ યથાવત :વિધાનસભાની કાર્યવાહીમાં કોંગ્રેસના નવ ધારાસભ્યો ગેરહાજર : કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર હાલકડોલક :આ અગાઉ 15મી જાન્યુઆરીએ બે અપક્ષ ધસભ્ય એચ,નાગેશ અને આર,શંકરે મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારને સમર્થન પાછું ખેંચ્યું હતું access_time 1:01 am IST

  • આસામ આંદોલનમાં શહીદ થયેલા 22 લોકોના પરિવારજનોએ પાછું આપ્યું સન્માન :70 સંગઠનોના નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા :આસામમાં નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ દિલ્હી પહોંચ્યો :70 જેટલા સંગઠનોના પ્રમુખોએ દિલ્હીમાં એનડીએના વિરોધી તમામ પક્ષોના નેતાઓ સાથે કરી મુલાકાત access_time 1:02 am IST