Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આપણે કોઈને નડીએ નહી તો આપણને કોઈ નડે નહીઃ પૂ.રતિલાલજી મ.સા

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સાના સાંનિધ્યે ગોંડલ ગચ્છના દિવ્ય સંતરત્ન તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સાને ભકિત સ્તવનાના પુષ્પોની શ્રદ્ઘાંજલિ અર્પણ કરીને ઉજવાશે ૨૦મી પુણ્યસ્મૃતિનો અવસર

રાજકોટ, તા.૬: અમોદ્ય વચન, દિવ્ય દ્રષ્ટિ અને લબ્ધિધારી વ્યકિતત્વના આધારે હજારો આત્માઓના તારણહાર બનનારા એવા ગોંડલ ગચ્છના વચનસિદ્ઘ મહાપુરુષ તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની ૨૦મી પુણ્યસ્મૃતિના અવસરે વિશાળ ભકત પરિવાર જયારે પોતાના શ્રદ્ઘાપાત્ર ગુરુના ચરણમાં શ્રદ્ઘાંજલિ અર્પણ કરવા તત્પર બની રહ્યો છે ત્યારે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મ.સા રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા શાસનગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મ.સા એવમ્ આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી આદિ મહાસતીજી વૃંદના સાંનિધ્યે રાજકોટના તપસમ્રાટ તીર્થધામ ખાતે તા.૮ શુક્રવારના દિવસે 'ગુરુ સ્મૃતિ મહોત્સવ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

પોતાના પરમ ઉપકારી ગુરુવર્યના પરમાત્મા સમાન નિર્ભયતાના ગુણોને ઉજાગર કરતા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી બાલ્યકાળથી જ નિર્ભય હતા. ભગવાન મહાવીર બાલ્યકાળમાં પોતાના મિત્રો સાથે રમતા હતા ત્યારે સર્પ નીકળ્યો. સર્પ જોઈને અન્ય મિત્રો ડરીને ભાગી ગયા પરંતુ પ્રભુએ નિર્ભયતાથી સર્પને ઉપાડીને એક બાજુ મૂકી દીધો હતો. તેમ તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી પણ બાલ્યકાળમાં જ કોઈ પણ પ્રકારના ભય વિના સહજતાથી સર્પને ઉપાડી લેતા હતા. તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી મહાવીરના જ વંશ અને અંશ હતા. તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી બાલ્યકાળથી જ પોતાની નિભર્યતાની વૃદ્ઘિ કરવા, નિર્ભયતાની કસોટી કરવા સ્વયં વિવિધ પ્રયોગ કરતા હતા. તેઓશ્રી કહેતા કે, જેમ હિંસા, ચોરી, અસત્ય પાપ છે એમ ભય પણ એક પ્રકારનું પાપ છે. ભય વ્યકિતના દેહાધ્યાસને સૂચિત કરે છે. જેને દેહ ભિન્ન ચૈતન્ય સ્વરૂપી આત્માનો અનુભવ હોય, તેને કોઈનો ભય રહેતો નથી.

ગીરનાં જંગલમાં સ્થિત વિસાવદર નામનાં ગામમાં ગીરના જંગલનાં જંગલી અને ખૂનખાર પશુઓ વાઘ, સિંહ, દીપડા ઘણી વાર રાત્રિના સમયમાં આવી જાય અને ઘરની બહાર બાંધેલાં ગાય-બકરીનો શિકાર કરી જાય. વિસાવદરથી આઠ કિ. મી. દૂર જંગલમાં ગુરુભકત શ્રી મુકુંદભાઈ ગાઠાણીની આંબાવાડીમાં એક નાનકડી ટેકરી ઉપરની ઓરડીમાં તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી ઈ. સ. ૧૯૮૯માં એક મહિનો સાધના માટે ઊતર્યા. ઓરડીને ન સરખી બારી હતી કે ન બારણું. કડકડતી ઠંડી અને સુસવાટા મારતો પવન હોવાથી બધાએ ઘણી વિનંતી કરી કે તેઓશ્રી નીચે બરાબર પેક રૂમમાં રહે. પરંતુ સહનશીલતાની પ્રતિમા સમા તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી એક પાતળી એવી શાલ ઓઢી શાંતિથી માળા કરવા લાગ્યા.

થોડી વાર થઈ અને ત્રાડ નાખતો મોટો દીપડો આવ્યો. તેની ત્રાડથી ગભરાઈને નાનાં પશુ-પંખીઓ પણ ભયના કારણે ચીસાચીસ કરવા લાગ્યાં. નીચે સૂતેલાં ભકતો ભયભીત થઈ ગયાં. ઉપર ગુરુદેવ એકલા છે, ઓરડીને બારણું સરખું બંધ પણ નથી, હવે શું થશે? તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી શાંતિથી માળા કરતા હોય, બરાબર એ અડધા ખૂલેલા દરવાજાની સામે ખૂનખાર દીપડો પણ શાંતિથી બેઠો હોય. ગુરૂદેવ દીપડા સામે જોતા હોય અને દીપડો ગુરુદેવની સામે. જેના રોમરોમમાં જીવમાત્ર પ્રત્યે પ્રેમ હોય તેને કયાંય ભય ન હોય. દીપડો શાંત ચિત્તે જાણે પોતાના કોઈ વડીલના સાંનિધ્યમાં બેઠો હોય તેમ શાંતિથી બેસી રહે. દરરોજ પ્રતિક્રમણ સમયે દીપડો આવે, દીપડો જાય પછી એક વિષધર સર્પ આવે. તે તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીની સામે ફેણ માંડીને બેસે. તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી પોતાની જપ-સાધનામાં લીન હોય. જાણે જપ-સાધનાના સૂરના પ્રભાવે સર્પ ડોલતો હોય તેમ ફેણ હલાવે, થોડી વાર સંતનું મૈત્રીભાવનું પવિત્ર સાંનિધ્ય માણીને ચાલ્યો જાય. આ ક્રમ એક મહિના સુધી સતત ચાલેલ.

તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી સ્વયં સાધનામાં મસ્ત હોય, ન કોઈ ચિંતા કે ન કોઈ ભય, ન કોઈ સંકલ્પ કે ન કોઈ વિકલ્પ. એકમાત્ર જ્ઞાનભાવની અનુભૂતિ કરતા હોય. જંગલી પ્રાણી સામે હોવા છતાં કોઈ ચલ-વિચલ પરિણામ નહીં, ભયનું નામનિશાન નહીં. તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રી ત્યારે સમજાવતા કે આપણે કોઈને નડીએ નહીં તો આપણને કોઈ નડે નહીં. અપ્રમત્ત હોય, જે આત્મભાવમાં સ્થિર હોય તેને ભય કયાંથી હોય? શ્રી આચારાંગ સૂત્રની આ સૂકિત તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીના જીવનમાં સાકાર થયેલી હતી.

અનંત ગુણોના સ્વામી તપસમ્રાટ પૂજય ગુરુદેવશ્રીના આવા અનેક પ્રસંગોમાંથી પ્રેરણા લઈને સદ્દગુરુ પ્રત્યેનો ઉપકારભાવ વ્યકત કરવા માટે તા.૮ ને શુક્રવારના દિવસે સાત હનુમાન, કુવાડવા રોડની સામે આવેલ તપસમ્રાટ તીર્થધામના આંગણે પધારવા સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનોને આમંત્રણ છે.(૨૩.૧૬)

(3:38 pm IST)