Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રાજ્ય સરકાર RMC ઉપર ઓળઘોળઃ વિકાસકાર્યો માટે ફાળવી ૧૬૬ કરોડની ગ્રાન્ટ

ગ્રાન્ટમાંથી ર૧.પ૬ કરોડનાં રસ્તા કામો, ૯.૪પ કરોડનાં પાણી પુરવઠાનાં કામો, ૭.૮ર કરોડનાં ભૂગર્ભ ગટર ત્થા ર.૮પ કરોડનાં વરસાદીપાણી નિકાલનાં કામો થશેઃ પ૩.પર કરોડનાં ૩૬ જેટલા આંતર માળખાકીય વિકાસ કામો થશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્થા ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર માનતા મેયર બીનાબેન આચાર્ય

રાજકોટ તા. ૬ :.. મ્યુ. કોર્પોરેશનને રાજય સરકાર દ્વારા રૂ. ૧૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતાં હવે શહેરમાં રસ્તા, પાણી, ગટર, વગેરે સુવિધાનાં કામો હાથ ધરી શકાશે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ શહેરના વિકાસમાં રાજય સરકારનો ખૂબ જ સહયોગ મળતો રહે છે. તાજેતરમાં ૧ ફેબ્રુઆરી ર૦૧૯ ના રોજ રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આંતર માળખાકીય સુવિધા માટે રૂ. ૧૪૪૪.પ૪  કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ર૧.૯૧ કરોડ મળી, કુલ રૂ. ૧૬૬.૪પ કરોડની ગ્રાન્ટ ફાળવવાનું મંજૂર કરેલ છે તે બદલ મેયર બિનાબેન આચાર્ય દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના માન. ચેરમેન ધનસુખભાઇ ભંડેરી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

બીનાબેનનાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ કરેલી વિવિધ દરખાસ્તોનાં અનુસંધાને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેમાં રસ્તાના કામો ૧૪ માટે ર૧.પ૬૧૪ કરોડ, પાણી પુરવઠાના કામો પ માટે ૯.૪પ૦૧ કરોડ, ભુગર્ભ ગાત્રના કામો ૭ માટે ૭.૮રપ૪ કરોડ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો પ માટે ર.૮પ૦૧ કરોડ, અન્ય કામો, દિવાબતી, ફાયર સાધનો, વર્કશોપ માટે ગોડાઉન તથા ગાર્બેજ ફરતે કમ્પાઉન્ડ વોલ વગેરેનાં કામો માટે ૧૧.૮૩૭ર કરોડ, ત્થા ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના ૩૬ કામો માટે પ૩.પર૪ર કરોડ, વોર્ડ નં. પ જીમ્નેશીયમ બનાવવા ૯૧.ર૦ લાખ, વોર્ડ નં. ૪ જુદી જુદી જગ્યાએ કુલ ૧૦ આંગણવાડી માટે ૧.પ૦૦૦ કરોડ, ઉપરાંત લાયબ્રેરી, ડ્રેનેજ કલેકટીવ સીસ્ટમ વોર્ડ ઓફીસ, ટ્રાફીક ટ્રાન્સપોર્ટ, રૈયા રોડ, બ્રીજ, હોસ્પીટલ ચોક, બ્રીજ, સહિતનાં વિકાસ કામોની દરખાસ્તોનો સમાવેશ થાય છે.

અંતમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા રાજકોટને અનેક પ્રોજેકટો આપવામાં આવેલ છે.  તાજેતરમાં જ માધાપર ચોકડીની ટ્રાફીકની સમસ્યા હલ કરવા માધાપર ચોકડી ખાતે ઓવર બ્રીજ બનાવવા માટે રૂ. ૬૦ કરોડ મંજૂર કરવામાં આવેલ છે. આમ, રાજકોટના વિકાસને ગતિ મળે તે માટે રાજય સરકારદ્વારા સતત સહયોગ આપી રહેલ છે. (પ.૩૩) 

(3:03 pm IST)