Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ભીચરીના અરવિંદ કોળીનું બાઇક સ્લીપ થતાં મોતઃ પાછળ બેઠેલા મામાનો ઇજા સાથે બચાવ

મામા ગોરધનભાઇને પેટમાં દુઃખતું હોઇ તેને બેસાડીને કુવાડવા દવા લેવા જવા નીકળ્યો ને રસ્તામાં કાળ ભેટ્યોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૬: ભીચરી ગામના કોળી યુવાનનું ગુંદા ગામના પાટીયા પાસે રાતે બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલા તેના કોૈટુંબીક મામાની નજર સામે જ તેનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મુળ ચાંચડીયાના અને હાલ ભીચરી ગામે રહેતાં અરવિંદ મેરામભાઇ ખસીયા (ઉ.૩૦) નામના કોળી યુવાનના મામા ગોરધનભાઇ નાનજીભાઇ રંગપરાને મોડી રાત્રે સાડા બારેક વાગ્યે પેટમાં દુઃખાવો ઉપડતાં તેણે અરવિંદને ફોન કરતાં અરવિંદ પોતાનું બાઇક લઇને મામા ગોરધનભાઇને તેમાં બેસાડી કુવાડવા દવા લેવા જવા નીકળ્યો હતો.

બંને મામા-ભાણેજ ગુંદા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ડાવયર્ઝન હોઇ વળાંક લેતાં જ બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેમાં અરવિંદને ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયો હતો. તેના મામા ગોરધનભાઇને પગમાં સ્હેજ ઇજા થઇ હતી. તેણે તાકીદે અરવિંદને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં કુવાડવાના એએસઆઇ  ફતેહસિંહ સોલંકી અને જેન્તીભાઇ વાવડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અરવિંદ ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ ભાઇમાં મોટો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ ત્રણ માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી.(૧૪.૫)

 

(11:26 am IST)