Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આરટીઓ પાછળ હુડકોમાં દારૂડીયા પતિએ પત્નિને ફાંસો દઇ પતાવી દેવા પ્રયાસ કર્યો

ત્રાસ અંગે પોલીસમાં અરજી કરતાં ખાર રાખ્યોઃ બી-ડિવીઝન પોલીસે મુકેશ કોળીને સકંજામાં લીધો

રાજકોટ તા. ૬: આર.ટી.ઓ. પાછળ ખોડિયાર મંદિર પાસે હુડકો કવાર્ટર ૨૫ વારીયામાં રહેતી ભાવનાબેન મુકેશ ડાભી (ઉ.૩૫) નામની કોળી પરિણીતાને ૨૯મીએ તેના પતિ મુકેશ બટુકભાઇ ડાભી (ઉ.૩૫)એ દોરડાથી ગળાફાંસો દઇ મારી નાંખવાનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ મામલે બી-ડિવીઝન પોલીસે હત્યાની કોશિષ અને ત્રાસ અંગેનો ગુનો નોંધી મુકેશને સકંજામાં લીધો છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે ભાવનાબેનની ફરિયાદ પરથી તેના પતિ મુકેશ સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૪૯૮ (ક) મુજબ એફઆઇઆર દાખલ કરી છે. ભાવનાબેનના કહેવા મુજબ તેના લગ્ન સોળ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ૧૪ વર્ષનો દિકરો ઉમંગ અને ૧૩ વર્ષની દિકરી ઉર્મિલા છે. પતિ મુકેશ કનકનગરમાં બંગડીના કારખાનામાં કામ કરે છે. પરંતુ જે કમાય છે તેમાંથી દારૂ પી જાય છે અને દરરોજ મારકુટ કરે છે. ઘરનું ગુજરાન ચલાવવા પોતાને અને બાળકોને બંગડીનું કામ ઘર બેઠા કરવું પડે છે. પતિના ત્રાસથી કંટાળી તેના વિરૂધ્ધ અગાઉ મહિલા પોલીસમાં અરજી કરતાં પોલીસ તેને શોધતી હતી. તેમજ ખાધા ખોરાકીનો કેસ કરવાનો હોઇ તેની વાત ચાલતી હોઇ ખાર રાખી પતિએ ૨૯મીએ દોરડાથી ફાંસો દેતં પોતે બેભાન થઇ ગઇ હતી અને પતિ ભાગી ગયો હતો.

બંગડીનું કામ કરવા આવતી છોકરીઓએ પોતાને બેભાન જોતાં માવતરને જાણ કરી હતી અને ભાઇ સહિતના લોકોએ આવી જે તે દિવસે પોતાને ૧૦૮ મારફત સિવિલમાં ખસેડી હતી. ત્યારથી પોતે માવતરના ઘરે રહે છે. તેમ વધુમાં ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યું છે. બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર ,જે.પી. મેવાડા, ચંદ્રસિંહ સહિતના સ્ટાફે મુકેશ કોળીને સકંજામાં લીધો છે.

(1:00 pm IST)