Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કાગદડીમાં મોબાઇલ બંધ કરી સુઇ જવાનું કહેવાતાં ૧૩ વર્ષની બાળાનો આપઘાત

મુળ મધ્યપ્રદેશની બાળા બહેન-બનેવી સાથે રહેતી હતી

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ પોલીસ મથક તાબેના કાગદડી ગામમાં બહેન-બનેવી સહિતની સાથે રહેતી મુળ મધ્યપ્રદેશની મનુ મીરૂભાઇ મેડા (ઉ.૧૩) નામની આદિવાસી બાળાને રાત્રે બહેનના સાસુએ મોબાઇલ ફોન બંધ કરી સુઇ જવાનું કહેતાં તેણીને માઠુ લાગી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

મનુને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના  સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મનુ સાત બહેન અને એક ભાઇમાં નાની હતી. તે કેટલાક સમયથી કાગદડીમાં ભાઇ, બહેન, બનેવી સહિતના લોકો સાથે ખેતરમાં રહી મજૂરી કરતી હતી. રાત્રે તે મોડે સુધી મોબાઇલ ચાલુ રાખી જાગતી હોઇ બહેનના સાસુએ ફોન બંધ કરી સુઇ જવાનું કહેતાં તેણે આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:49 am IST)