Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કોરોના કાળમાં છાત્રોને રપ ટકા ફી માફી નહી અને ખાનગી શાળા સંચાલકોનો વાહન વેરો માફઃ NSUI-કોંગ્રેસ દ્વારા DEO કચેરીએ હલ્લાબોલ

DEO કચેરી ખાતે સાયકલ સાથે દેખાવો કરાતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

રાજકોટ તા. ૬ :.. રાજય સરકાર દ્વારા શાળા-કોલેજોના વાહનવેરો માફ કરવાના નિર્ણયનો આજે એનએસયુઆઇ અને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરીને ઉગ્ર વિરોધ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે.

એનએસયુઆઇ એક યાદીમાં જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા કોરોના કાળને લીધ શાળા-કોલેજો બંધ હોવાથી વાહન વેરો માફ કરવાના નિર્ણયને વખોડીને જણાવ્યું છે કે કોરોના કાળ માત્ર ખાનગી શાળા-કોલેજો ને નથી નડયો. રાજયના વાલીઓએ વિદ્યાર્થીઓની ફી માટે સરકારને આજીજી કરીને રજૂઆત કરી પરંતુ સરકારે માત્ર રપ ટકા ફી માફીની લોલીપોપ આપીને મુર્ખ બનાવ્યા છે.  કોરોના કાળ વચ્ચે લોકો મંદી મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. ધંધા - રોજગાર ઠપ્પ છે. તો તેમને કોઇપણ જાતનો વેરો માફી કેમ નહી ? સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે સંચાલકોને રાજી કરવાનો નિર્ણય છે કે શું ? ખાનગી શાળાઓના સંચાલકોને આપી કરોડોની રાહત કેમ આપી ? તેવા પ્રશ્નો ઉઠાવ્યા છે.

એનએસયુઆઇ કોંગ્રેસના આગેવાનો સાયકલ ચલાવીને ડીઇઓ કચેરી પહોંચ્યા હતા જયા સરકાર વિરૂધ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. ડીઇઓ ઓફીસમાં સાયકલ  પહોંચાડીને ધુન બોલાવીને સરકારને વિરોધ કરેલ પોલીસે કાર્યકરોની અટક કરી હતી.કાર્યક્રમમાં જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, સેવાદળ પ્રમુખ રણજીતભાઇ મુંધવા, મીત પટેલ, ફરીયાદ  સેલના ભાવેશ પટેલ, મોહીલ ડવ, યશ વાળા, પાર્થ બગડા, અનિલ પટેલ સહિતના કાર્યકરો જોડાયા હતાં. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)