Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૧ા કરોડની ઠગાઇમાં સંજય ઉર્ફ એસ્ટ્રોન એક દિવસના રિમાન્ડ પર

રાજકોટ તા. ૬:  સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ નવિનનગરમાં રહેતાં સંજય ઉર્ફ એસ્ટ્રોન લીલારામ ભંભલાણી સામે તેના જ એક સમયના મિત્ર એવા એડવોકેટ અને મંડળીના સંચાલકે સવા કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. શહેરમાંથી ગાયબ થઇ ગયેલા સંજય ઉર્ફ એસ્ટ્રોન વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ થતાંની સાથે જ તેને પકડી લેવામાંઆવ્યો હતો. આ ગુનામાં વિશેષ પુછતાછ માટે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાંએક દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

પોતાની જાતને મોટા પંટર તરીકે ઓળખાવતાં સંજય ઉર્ફ એસ્ટ્રોને છેતરપીંડી કરી માથે જતાં ફોન કરી જો મારી ઘરે ગયા તો જીવતા નહિ રહેવા દઉ તેવી ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સંજયને ૨૦૧૮માં પૈસાની જરૂર હોઇ મંડળી સંચાલકે પોતાના તથા સગા સંબંધીઓ પાસેથી લઇને રૂ. સવા કરોડ આપ્યા હતાં. આ રકમ ચાઉ કરી જઇ તેમજ સિકયુરીટી પેટે આપેલા દસ્તાવેજોની મિલ્કતો નામે ન કરી દઇ છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે. પોલીસે આરોપીને પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. ડીસીબી પોલીસે આ બારામાં  વકિલાત કરવાની સાથે આઇશ્રી ખોડિયાર ક્રેડિટ કો. ઓપ. સોસાયટી નામની મંડળી પણ ચલાવતાં ન્યુ જાગનાથ પ્લોટ-૨૩, હરસિધ્ધી એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં  દિપકસિંહ દોલતસિંહ રાઠોડ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી સંજય ઉર્ફ એસ્ટ્રોન ભંભલાણી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો હતો.

મિત્ર દાવે દિપકસિંહે બે વર્ષ પહેલા શરાફી વ્યાજે એટલે કે સવા ટકાના વ્યાજે સવા કરોડની રોકડ સંજયને આપી હતી. પરંતુ આ રકમ તેણે પાછી નહોતી આપી અને સિકયુરીટી પેટે આપેલા દસ્તાવેજો પણ નામે કરી દીધા નહોતાં. આ અંગે ગુનો નોંધી ગઇકાલે સંજય ઉર્ફ એસ્ટ્રોનને પકડી લેવાયો હતો. એક દિવસના રિમાન્ડ મળતાં આગળની તપાસ શરૂ થઇ છે.  એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ  વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. સ્નેહભાઇ ભાદરકા વધુ તપાસ કરે છે. સંજય ઉર્ફ એસ્ટ્રોન આટલો સમય રાજકોટથી બહાર હતો ત્યારે અમદાવાદ, ગોવા, મુંબઇ હરતો-ફરતો રહ્યો હોવાનું અને મોટે ભાગે મુંબઇમાં રહેતો હોવાનું તેણે રટણ કર્યુ છે. તે રાજકોટ આવ્યાની માહિતી મળતાં અટકાયતમાં લેવાયો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી સાહેદોના નિવેદનો અને પુરાવા મેળવવા કાર્યવાહી થશે.

(3:02 pm IST)