Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

શહેરની ૭ હોસ્પિટલમાં આગ લાગી, દર્દીઓ ફસાયાઃ ફાયર બ્રિગેડની ટીમોએ તાબડતોબ પહોંચી બચાવ કામગીરી કરી

ફાયર કર્મીઓને કાર્યક્ષમતા ચકાસવા મોકડ્રીલ યોજવામાં આવ્યાનું અંતે જાહેર થયું: દર મહિને યોજાય છે આવી મોકડ્રીલ

અલગ અલગ હોસ્પિટલોમાં આગ લાગ્યાના અને દર્દીઓ ફસાયાના વાવડ મળતાં ફાયર સ્ટેશનની ટીમોએ પહોંચી બચાવ કાર્યવાહી હાથ ધરી હતી. તે પૈકીની વોકહાર્ટ હોસ્પિટલની મોકડ્રીલના દ્રશ્યો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરની અલગ-અલગ સાત હોસ્પિટલોના અલગ-અલગ વિભાગોમાં સવારે આગ ભભૂકતાં અને આકસ્મિક રીતે દર્દીઓ ફસાતાં દોડધામ મચી ગયાના અને ભય ફેલાઇ ગયાના કોલ ફાયર બ્રિગેડમાં આવતાં જ ટીમો તાબડતોબ જે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવી દર્દીઓ, સ્ટાફને બચાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કાર્યવાહીને અંતે આ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવ્યાનું સ્ટેશન ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

સવારે શહેરની મધુરમ્ હોસ્પિટલ, કામદાર વિમા હોસ્પિટલ, કે. જે. પટેલ હોસ્પિટલ, સહયોગ સ્ટાર હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને સિનર્જી હોસ્પિટલમાં આગ લાગ્યાની અને દર્દીઓ તથા સ્ટાફ ફસાયાની માહિતી ફાયર બ્રિગેડ સ્ટેશનમાં મળતાં તુરત જ જે હોસ્પિટલથી જે ફાયર સ્ટેશન નજીક હોઇ તેની ટીમોને તાબડતોબ પહોંચવા સુચના અપાતાં જવાનો ફાયર ફાઇટર અને બચાવ સામગ્રી સાથે પહોંચી ગયા હતાં અને કાર્યવાહી કરી હતી. કોલ મળ્યાની મિનીટોમાં જ ફાયર બ્રિગેડની ટીમો જે તે હોસ્પિટલે પહોંચી ગઇ હતી.

મુખ્ય ફાયર સ્ટેશન, કાલાવડ રોડ ફાયર સ્ટેશન, કોઠારીયા રોડ ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન, બેડીપરા ફાયર સ્ટેશન, રામાપીર ચોકડી ફાયર સ્ટેશન અને રેલનગર ફાયર સ્ટેશનની ટીમોએ આ કામગીરી કરી હતી. જો કે અંતમાં ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યાનું જાહેર કર્યુ હતું. અમુક હોસ્પિટલમાં શોર્ટ સરકિટથી આગ લાગ્યાનો તો અમુકમાં કચરો સળગ્યાનો તો અમુકમાં આગને કારણે ધૂમાડા ફેલાઇ ગયાના કોલ મળ્યા હતાં. સરકારના આદેશ અનુસાર લગભગ દરમહિને ફાયર બ્રિગેડના કર્મચારીઓ આકસ્મિક ઘટનાઓમાં કેટલા એલર્ટ હોય છે તે ચકાસવા આવી મોકડ્રીલ યોજાતી રહે છે. તે અંતર્ગત આજે સાત હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઇ હતી.

(12:49 pm IST)