Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

સહકાર સોસાયટીની કાજલ ઠુમ્મરનું મોત કુદરતી નહોતું, સાસરિયાએ મરવા મજબૂર કયાનું ખુલ્યું

૩૦મીએ ઘરના બાથરૂમમાં પડી જતાં મોત નિપજ્યાનું સાસરિયા પક્ષે જાહેર કર્યા બાદ સાચી વિગતો ખુલી : પારડીની ગુર્જર સુથાર મહિલાના અગાઉ છુટાછેડા થઇ ગયા હોઇ દસ માસ પહેલા રાજકોટના અતુલ ઠુમ્મર સાથ લગ્ન થયા'તાઃ સાસુ મધુબેન, દેરાણી ભાવના, દિયર મનોજ, નણંદ જાનકી, સસરા ભગવાનજીભાઇ અને મામાજી નિલેષભાઇએ અસહ્ય ત્રાસ ગુજાર્યાની ફરિયાદ : જો કે બનાવ હત્યાનો જ હોવાની પિતા-ભાઇને દ્રઢ શંકાઃ ફોરેન્સિક રિપોર્ટ બાદ કલમ ઉમેરવાની માંગણીઃ ભાઇ સાગર કહે છે-બે દિ' બાદ અલગ રહેવા જવાનું હતું એ બહેન આપઘાત શા માટે કરે? : ઘરકામ, રૂપિયા અને બીજા જ્ઞાતિના હોવાથી સતત ત્રાસ અપાતોઃ પોતે બધા સાથે ઝઘડા કરે છે તેવા લખાણની મામાજીએ નોટરી કરાવી સહીઓ લીધી'તી

રાજકોટ તા.૬: સહકાર સોસાયટી-૮માં રહેતી કાજલબેન અતુલભાઇ ઠુમ્મર (ઉ.૨૬) નામની લેઉવા પરિણીતા ૩૦મીએ સવારે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. દરમિયાન જે તે દિવસે પારડીથી આવેલા મૃતકના પિતા અતુલભાઇ ગોરધનભાઇ સોંડાગર (ગુર્જર સુથાર) અને ભાઇ સાગરભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે દિકરીનું મોત કુદરતી નથી થયું, તેને ખુબ ત્રાસ હતો.  તેની હત્યા થયાની અમને દ્રઢ શંકા છે. જો કે હાલ પોલીસે કાજલબેન સાસરિયાના ત્રાસથી મરી જવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.

મૃત્યુ પામનાર કાજલબેનના અતુલ ઠુમ્મર સાથે બીજા લગ્ન હતાં. દસ મહિના પહેલા જ આ લગ્ન કર્યા હતાં. જ્યારે અતુલના આ ત્રીજા લગ્ન હતાં. તેની અગાઉની બે પત્નિના પણ બેભાન હાલતમાં મોત થયા હતાં. અતુલ ઠુમ્મરને આજી વસાહત શ્રી હરિ ઇન્ડસ્ટ્રીમાં બજરંગ સ્ટીલ નામે કારખાનુ છે.

બનાવ અંગે એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં તપાસ થયા બાદ હાલ તુર્ત પોલીસે મૃતક કાજલબેનના પારડી ગામે રહેતાં પિતા અતુલભાઇ ગોરધનભાઇ સોંડાગર (ગજ્જર) (ઉ.૪૬)ની ફરિયાદ પરથી મૃતકના સાસુ મધુબેન ભગવાનજીભાઇ ઠુમ્મર, દેરાણી ભાવના મનોજ ઠુમ્મર, નણદ જાનકી જયદિપ લુણાગરીયા, દિયર મનોજ ભગવાનજી ઠુમ્મર, સસરા ભગાવનજીભાઇ વલ્લભભાઇ ઠુમ્મર તથા મામાજી સસરા નિલેષ ગોબરભાઇ પરસાણા સામે આઇપીસી ૪૯૮-એ, ૩૦૬, ૧૧૪ મુજબ કાજલબેનને ઘરકામ, રૂપિયા સહિશતની બાબતે તેમજ અલગ જ્ઞાતિના હોઇ તે કારણે મેણાટોણા મારી અસહ્ય ત્રાસ ગુજારી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ દાખલ કરી છે.

અતુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફર્નિચર કામ કરુ છું અને મારે સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. મોટી દિકરી કાજલબેનના પ્રથમ લગ્ન ૨૦૧૩માં બોટાદના તુરખા ગામના કલ્પેશ કનોજીયા સાથે થયા હતાં. ૨૦૧૬માં રાજીખુશીથી છુટાછેડા કર્યા હતાં. મારી દિકરીને ગર્ભની કોથળી ન હોઇ તે માતૃત્વ ધારણ કરી શકે તેમ નહોતી. અમે તેનું બીજુ ઘર કવા ઠેકાણુ શોધતા હતાં તયારે ગામના રમેશભાઇ ભુવા અને મુંગાવાવડીના લક્ષમણભાઇએ વાત કરેલ કે રાજકોટ સહકાર સોસાયટી-૮માં ભગવાનજી ઠુમ્મરના દિકરા અતુલને પણ બીજા લગ્ન કરવાના છે. આથી અમે એકબીજાના ઘરે જઇ વાત કરી ફેબ્રુઆરી-૧૭માં માયાણીનગરમાં આર્યસમાજમાં અમારી દિકરીના અતુલ ઠુમ્મર સાથે લગ્ન કરાવ્યા હતાં.

પ્રારંભે દિકરોનો સંસાર સારો ચાલ્યો હતો. પણ છેલ્લા પાંચેક મહિનાથી દિકરી કાજલબેને અવાર-નવાર માવતરે આવતી ત્યારે મારા પત્નિને જણાવતી કે સાસુ, દેરાણી અવાર-નવાર ઘરકામ અને રૂપિયા બાબતે તથા આપણી જ્ઞાતિ અલગ હોઇ તે બાબતે મેણાટોણા મારે છે. નણંદ જાનકી પણ ઘરે આવે ત્યારે હેરાન કરે છે. મામાજી નિલેષભાઇમારી પાસે સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરી લખાણ લખાવેલ છે કે હું બધા ઘરના સભ્યોને માનસીક ત્રાસ આપુ છું અને મને કંઇ થાય તો મારા ઘરના કોઇ સભ્યોની જવાબદારી નહિ.

ઉપરોકત વાત મારી દિકરી મારા પત્નિને કરતી હતી. અમે તેને આશ્વાસન આપતાં હતાં અને આવા કોઇ લખાણમાં સહી ન કરવા કહેતાં હતાં. જો કે જમાઇ અમારી દિકરીને કહેતો કે હું તારી સાથે છું ઘરમાં ઝઘડો ન થાય એટલે તું સહી કરી દે. એકાદ મહિના બાદ દિકરી રોકાવા આવી ત્યારે વાત કરેલ કે અમે મકાન લઇ અલગ રહેવા જવાના છીએ. મકાન ભાડે પણ રાખી લીધુ છું. પણ અમે તેને હળીમળીને સાથે રહેવા સમજાવી હતી. પણ દિકરીએ કહેલ કે હવે એક સાથે રહેવામાં ચાલે તેમ નથી.

દરમિયાન ૩૦/૧૨ના સવારે ૭-૫૫ કલાકે વેવાઇ ભગવાનજીભાઇનો ફોન આવેલ કે તેમ વોકહાર્ટ હોસ્પિટલમાં આવો. કાજલને કંઇક થઇ ગયું છે. આથી હું, મારા પત્નિ મધુબેન, દિકરો સાગર રાજકોટ આવ્યા હતાં. મારા ભત્રીજા ભાવેશ તથા બિપીન સોંડાગર પણ આવ્યા હતાં. હોસ્પિટલે દિકરીના સસરા અને ઘ્યિર મનોજ ઉભા હતાં. તેણે કહેલ કે તમારી દિકરી બાથરૂમમાં પડી ગઇ છે અને તેનું પુરૂ થઇ ગયું છે. અમે બનાવ કેવી રીતે બન્યો? તે પુછતા઼ વેવાઇએ કહેલ કે કાજલ સવારે ફળીયાના બાથરૂમમાં ગયેલ અને બહાર ન આવતાં મનોજે દરવાજો તોડીને જોતાં તે અંદરથી બેભાન મળી હતી આથી ૧૦૮ મારફત અમે તેને હોસ્પિટલે લાવ્યા હતાં. પણ ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.

અમને શંકા ઉપજી હોઇ અમે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં જલદ પદાર્થથી મોત થયાનું અમને જણાવાયું હતું. આમ અમારી દિકરી સાથે અજુગતુ બની ગયાની દ્રઢ શંકા હોઇ જેથી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૩૦૬ મુજબ ગુનો નોંધ્યો છે. જો કે પિતા અને ભાઇને આ બનાવ હત્યાનો જ હોવાની દ્રઢ શંકા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોતે કલમનો ઉમેરો કરવા રજૂઆત કરશે તેમ જણાવાયું છે.

(11:39 am IST)