Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

સીંગતેલના ભાવો ઘટવાને બદલે વધવા લાગ્યા!

આજે વધુ ૧૦ રૂ.નો વધારોઃમગફળીની મખલખ આવક છતા ભાવો ઘટવા જોઇએ તેના બદલે ભાવો વધતા લોકોમાં આશ્ચર્યઃ તેલીયા રાજાઓની સીન્ડીકેટ કારણભૂત?

રાજકોટ, તા., પઃ ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીનું પુષ્કળ ઉત્પાદન હોવા છતા દિવાળી પછી સીંગતેલના ભાવો  ઘટવા જોઇએ તેના બદલે  વધવા લાગતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. સીંગતેલના ભાવો ન ઘટવા પાછળ કારણ તેલીયા રાજાઓની સીન્ડીકેટ કારણભૂત હોવાની ચર્ચા થઇ રહી છે.

સ્થાનીક બજારમાં આજે ખાનાર વર્ગની ઘરાકી નિકળવાને બહાને સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૦૧પ રૂ. હતા તે વધીને ૧૦રપ રૂપીયા થઇ ગયા હતા. સીંગતેલ નવા ટીન (૧પ કિલો)ના ભાવ ૧૭૬૦ થી ૧૮૦૦ રૂ. હતા તે વધીને ૧૭૭૦ થી ૧૮૦પ રૂ. થઇ ગયા છે.  કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ભાવવધારો થયો છે. કપાસીયા ટીનનો ભાવ ૧૩૪પ થી ૧૩૬પ રૂ. થઇ ગયો હતો. ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ડબ્બે  ૩૦ રૂ.નો ભાવવધારો થયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની લાખો ગુણીની પુષ્કળ આવકો થઇ રહી છે. ત્યારે સીંગતેલના ભાવો ઘટવા જોઇએ તેના બદલે વધી રહયા છે. એક કારણ એવું કહેવાય છે કે પામતેલ સહીતના  સાઇડ તેલના ભાવો ઉંચા હોય સીંગતેલના ભાવો ઘટશે નહિ. પરંતુ ભાવ ન  ઘટવા પાછળ તેલીયા રાજાઓની સીન્ડીકેટ કારણભૂત હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

(3:50 pm IST)