Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

લગ્ન એ ઇશ્વરે આપેલુ વરદાન છે, એકબીજાની આદતોને સમજવી જોઇએઃ સેમીનારમાં અનુરોધ

વહાલુડીઓને ઘરને સ્વર્ગ બનાવવાની શિખ આપતા નામાંકિત વકતાઓ

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ આયોજીત વહાલુડીઓના વિવાહ નિમિતે યોજાયેલ સેમીનાર પ્રસંગે ભદ્રાયુ વછરાજાની, શૈલેષ સગરિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. પઃ ''દીકરાનું ઘર'' આયોજિત વહાલુડીના વિવાહની મંગળ ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સમાજ માટે હંમેશા કાંઇક નોખું-અનોખું કરવા પ્રયત્નશીલ આ સંસ્થા દ્વારા રર વહાલી દીકરીઓ અને તેમના પરીવારમાં સુખ અને સંપ કાયમી જળવાઇ રહે તેવા ઉમદા અભિગમ સાથે ''ચાલો ઘરને સ્વર્ગ બનાવીએ'' એ વિષય પર જાણીતા લેખક-વકતા ડો. ભદ્રાયુભાઇ વછરાજાની અને ડો. શૈલેષભાઇ સગપરીયા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિણયના ઉંબરે ઉભેલા રર નવયુવાન દંપતિઓ તથા તેમની માતાઓ સહિત ઉપસ્થિત નિમંત્રિતો અને સંસ્થાના મહિલા કમિટિના બહેનોને બંને વકતાશ્રીઓ દ્વારા સંયુકત કુટુંબના લાભાલાભની વાર્તાઓ તથા દ્રષ્ટાંતો સાથે સમજ આપી સંસારને સુખમય બનાવવા દિશા સુચનો કર્યા હતા.

આગામી રર ડિસેમ્બરે રર દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાવવાનો છે ત્યારે આ લગ્નોત્સવના માધ્યમથી પ્રભુતામાં પગલા માંડનાર દરેક દીકરી સંસ્થા પાસેથી માત્ર ભૌતિક સ્વરૂપે સોના-ચાંદીના દાગીના કપડા-લતા અને ફર્નિચર સ્વરૂપે ખૂબ મોટો કરીયાવર લઇને સાસરે જવાની તો છે જ  પરંતુ તેનાથી વિશેષ કાંઇક એવું શીખીને જાય કે જેના માધ્યમથોી દીકરીનું ઘર સ્વર્ગ બની રહે. દીકરીનો સાંવેગિક વિકાસ થાય. દીકરીના માધ્યમથી તેના પરીવારનું અને સમાજ તથા રાષ્ટ્રનું ઘડતર થાય તેવો નમ્ર પ્રયાસ ''દીકરાનું ઘર'' સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.

વહાલી દીકરીઓને સાસરીયામાં વહાલી થવાની ચાવી આપતા ડો. શૈલેષ સગપરીયાએ જણાવ્યું હતું કે દીકરી જયારે સાસરે જાય છે ત્યારે તેણે અનુ કૂળ થતા, સહન કરતા અને જતું કરવા શીખવું ખૂબ જરૂરી છે. કોઇપણ ઘરને સ્વર્ગ બનાવવા માટે આ પાયાની અને પ્રથમ જરૂરીયાત છે. દરેક દીકરી-જમાઇએ ખાસ સમજવું જોઇએ કે લગ્ન એ ઢીંગલા-ઢીંગલીઓનો ખેલ નથી પરંતુ કુદરતે આપેલું એક અમૂલ્ય વરદાન છે અને વરદાનનો આદર કરતા શીખવું જોઇએ. એકબીજાની ટેવ તથા આદતોને જાણવી અને સમજવી જોઇએ જેથી ભવિષ્યમાં તે બાબતો ઝઘડાનું સ્વરૂપ ન થઇ શકે.

''દીકરાનું ઘર'' આયોજિત આ સેમિનારમાં વકતવ્ય આપતા ડો. ભદ્રાયુભાઇ વછરાજાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ''દીકરાનું ઘર'' દ્વારા આ સેમિનારનું આયોજન એ સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય પગલું છે આજે જયારે વર્તમાન સમયમાં કુટુંબો જ તૂટતા જાય છે ત્યારે સંયુકત કુટુંબની રાહ બતાડવી એ ખૂબ જ ઉમદા કાર્ય છે. ભદ્રાયુભાઇએ દરેક નવદંપતિને ભવિષ્યમાં દુઃખી ન થવાના પગલા લગ્ન પહેલા લેવાની શીખ આપી હતી અને જણાવ્યું હતું કે દરેક પત્નીએ તેના પતિને ભરપૂર આદર આપવો જોઇએ અને દરેક પતિએ તેની પત્નીને ભરપૂર પ્રેમ આપવો જોઇએ.

કાર્યક્રમમાં રાજકોટ શહેરના વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ શિવલાલભાઇ આદ્રોજા, કૃષ્ણકાંતભાઇ ધોળકિયા, જીતુભાઇ અદાણી, મહેશ્વરભાઇ પુજારી, કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સોનમ કલોકના જયેશભાઇ શાહ, યુવા ઉદ્યોગપતિ ગ્રીનજભાઇ હરીયા ઉપસ્થિત રહ્યા હતા. ''દીકરાનું ઘર'' પરિવાર સાથે જોડાયેલા રાજકોટ શહેરના બે જાણીતા મહિલા તબીબો ડો. અમીબેન યોગેશભાઇ મહેતા તેમજ ડો. દર્શનાબેન અતુલભાઇ પંડયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ નવા વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવા સંસ્થાના સ્થાપક મુકેશ દોશીના નેતૃત્વ નીચે અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ પટેલ, હસુભાઇ રાચ્છ, રાકેશભાઇ ભાલાળા, હરેન મહેતા, ઉપેનભાઇ મોદી, ડો. શૈલેષ જાની, હાર્દિક દોશી, ફાલ્ગુનીબેન કલ્યાણી, રાજીબેન જીવાણી, કાશ્મીરા દોશી, પ્રીતિ વોરા, સંધ્યાબેન મોદી, કલ્પનાબેન મોદી, ગીતાબેન કે. પટેલ, નીશા મારૂ, કિરણબેન વડગામા, દીનાબેન મોદી, ઋચીતાબેન રાઠોડ, અલ્કા પારેખ, ગીતાબેન વોરાએ કાર્યક્રમને યશસ્વી બનાવ્યો હતો.

(3:47 pm IST)