Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ડોમીનોઝ-વિલિયમ ઝોન્સ પીઝા પાર્લરોના સોસના નમૂના નાપાસ

કોર્પોરેશને લીધેલા પીઝા સોસ અને સેઝવાન સોઝનાં નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરતી રાજ્ય સરકારની ફુડ લેબોરેટરીઃ રાત્રી રાઉન્ડમાં ખાણી-પીણીની રેકડીઓમાંથી ૧૭ કીલો ખાદ્ય સામગ્રીનો નાશઃ રેસ્ટોરન્ટો, ફરસાણ માર્ટ,ગૃહ ઉદ્યોગોમાંથી તેલ,દુધ,શાકનાં નમૂનાઓ લેવાયાઃ આરોગ્ય વિભાગની ચેકીંગ ઝુંબેશ

રાજકોટ તા.૫: મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં ફુડ ઇન્સપેકટરોની ટીમે શહેરમાં આવેલ પીઝા પાર્લરો ડોમીનોઝ પીઝા (કાલાવડ રોડ) અને વિલિયમ ઝોન્સ પીઝા (પંચાયત) ચોકમાંથી લીધેલા પીઝા સોસા અને સેઝવાન સોસનાં નમૂનાઓને બરોડા સ્થીન રાજય સરકારની લેબોરેટરીએ સબસ્ટાન્ડર્ડ જાહેર કરીને નાપાસ કર્યાનો રીપોર્ટ મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મોકલી આપ્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોેરેશનના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલ વિગતો મૂજબ ફુડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ અન્વયે પીઝા પાર્લરોમાંથી સોસનાં નમૂનાઓ લઇ રાજય સરકારની ફુડ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

જેમાં (૧)યુનિવર્સિટી રોડ પંચાયત ચોક ખાતે આવેલ હરિકૃષ્ણ હોસ્પિટલોમાં વિલિયમ ઝોન્સ પીઝામાંથી સેઝવાન સોસ (લુઝ)નો નમૂનો સબસ્ટન્ડર્ડ એટલેકે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના ધારા-ધોરણ મુજબ નહી હોવાથી આ નમૂનો નાપાસ કરાયો હતો. (૨)કાલાવાડ રોડ ખાતે આવેલ જ્યુબિલિન્ટ ફુડ વર્કસ લી.નાં ડોમીનોઝ પીઝામાંથી પીઝા સોસા (લુઝ) નો નમૂનો લેવાયો હતો આ નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ એટલેકે ફુડ સેફટી  એન્ડ સ્ટીન્ડર્ડ એકટના ધારા-ધોરણ મૂજબનો નહી હોવાથી તેને નાપાસ કરાયો હતો.

હવે આ બાબતે ઉકત પીઝા પાર્લરોનાં સંચાલકો સામે નિયમ અનુસાર આગળની કાર્યવાહી થશે.

૧૭ કી.ખોરાકનો નાશ

આ ઉપરાંત ફુડ ઇન્સ્પેકટરોની ટુકડીએ રાત્રી રાઉન્ડ દરમિયાન, રામનાથપરા, કુવાડવા રોડ, સરદારનગર ચંદ્રેશનગર, મહાદેવવાડી વગેરે વિસ્તારોમાં ૨૩ જેટલી ખાણી પીણીની રેકડીઓમાંથી કુલ ૧૭ કીલો.વાસી અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.

સ્થળે નમૂનાઓ લેવાયા

આ ઉપરાંત ફુડ સેફટી સ્ટાન્ડર્ડ  એકટની જોગવાઇ અન્વયે સેમ્પલ ફુડ સેફટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ હતો જેમાં (૧) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લૂઝ) - કિશન ગૃહ ઉદ્યોગ, નારાયણ એસ્ટેટ, વાવડી ખાતેથી, ભેંસનું દૂધ (લૂઝ)- ત્રિમૂર્તિ ડેરી ફાર્મ, સ્વામિનારાયણ ગુરૂકુળ પાછળ,ઢેબર રોડ ખાતેથી (૩) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લૂઝ)- મોમાઇ પૂરી શાક (રેંકડી), બાલાજી મંદિર પાસે સાધુવાસવાણી રોડ ખાતેથી (૪) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લૂઝ) - શ્યામ ગૃહ ઉદ્યોગ, પંડિત ઉમાંકાંત ઉદ્યોગનગર-૩ ખાતેથી (૫)સેવ ટમેટાનું શાક (પ્રિપેર્ડ, લુઝ) - સાદના રેસ્ટોરન્ટ, લોધાવાડ ચોક, ગોંડલ રોડ ખાતેથી (૬)ચણાનો મૈસુબ (મિઠાઇ, લૂઝ) - યશ સ્વિટ માર્ટ, ખીજડાવાડો મે.રોડ ખાતેથી (૭)યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લૂઝ) -ભોલા નમકીન,૨-મેરામભાઇની વાડી, ભાવનગર રોડ ખાતેથી (૮)યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લૂઝ) - ભૂતનાથ ગૃહ ઉદ્યોગ, ભાવનગર રોડ ખાતેથી એમ કુલ ૮ નમુનાઓ લેવાયેલ. આ નમૂનાની રીપોર્ટ આવ્યે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવેલ તેમ આરોગ્ય અધિકારીએ જાહેર કર્યુ હતું.

(3:16 pm IST)