Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ઠેબચડામાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ લાલજી સરવૈયા ૪ લાખના દારૂ સાથે પકડાયોઃ ભત્રીજા રાજૂનું નામ ખુલ્યું

૩૧મી ડિસેમ્બર નજીક આવતાં જ નાના-મોટા-નવા-જૂના બૂટલેગરો મેદાનમાં...પોલીસ પણ સક્રિયઃ પીઆઇ એચ.એમ. ગઢવીની ટીમે પોલીસે ૧૩૩૨ બોટલો અને એક બાઇક તથા મોબાઇલ ફોન કબ્જે કર્યાઃ હેડકોન્સ. જે.વી. ગોહિલ, કોન્સ. કરણ મારૂ અને સંજય ચાવડાની બાતમી પરથી પીએસઆઇ જોગરાણા સહિતનો દરોડો

રાજકોટ તા. ૫: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતી જશે એમ નાના-મોટા બૂટલેગરો પણ પટમાં આવતાં જશે. પોલીસ અત્યારથી જ સતર્ક થઇ દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી રહી છે. ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી પરથી ઠેબચડા ગામમાં આવેલી કોળી શખ્સની વાડીમાં દરોડો પાડી રૂ. ૩,૯૯,૬૦૦નો ૧૩૩૨ બોટલ (૧૧૧ પેટી) દારૂ કબ્જે કરી વાડી માલિક કોળી શખ્સની ધરપકડ કરી છે. તેણે આ દારૂ પોતાના ભત્રીજાએ ઉતાર્યો હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે ઠેબચડાની સીમમાં આવેલી લાલજી મનજીભાઇ સરવૈયા (કોળી)ની વાડીમાં દરોડો પાડતાં ત્યાંથી વિેદશી દારૂનો જથ્થો મળી આવતાં લાલજીની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન, જીજે૦૩એડી-૫૪૩૯ નંબરનું બાઇક મળી કુલ રૂ. ૪,૧૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લાલજીએ પ્રાથમિક પુછતાછમાં આ દારૂ પોતાના ભત્રીજા રાજેશ ઉર્ફ રાજુ ગોરધનભાઇ સરવૈયાએ ઉતાર્યો હોવાનું કબુલતાં રાજુની શોધખોળ થઇ રહી છે. રાજૂ અગાઉ કયારેય આવા ગુનામાં પકડાયો નથી. તે ઝડપાયા બાદ તે કોની પાસેથી આ માલ લાવ્યો? તે સહિતનો વિગતો બહાર આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાએ દારૂની પ્રવૃતિ કરતાં ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમના પીએસઆઇ યુ.બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, હેડકોન્સ. જે. પી. મેવાડા, જયંતિભાઇ વી. ગોહિલ, કોન્સ. કરણભાઇ મારૂ, સંજયભાઇ ચાવડા સહિતના પેટ્રોલીંગમાં હતાં એ દરમિયાન હેડકોન્સ. જે. વી. ગોહિલ, કરણ મારૂ અને સંજય ચાવડાને બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા લાલજીની વધુ પુછતાછ થઇ રહી છે.

(12:59 pm IST)