Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

લોધીકાના પારડીમાં ૨૦ વર્ષથી રહેતા ૫૦૦થી વધુ ગરીબ પરિવારોને મકાનો તોડી પાડવા નોટીસ સામે ઉગ્ર વિરોધ

ગ્રામ પંચાયત મારફત નોટીસો એ ગેરકાયદેસર બાબત છે : યુવા ભીમ સેનાનું કલેકટરને આવેદન

રાજકોટ તા. ૫ : યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી અને અન્યોએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી લોધીકા તાલુકાના પારડી ગામે વર્ષોથી રહેતા ગરીબ લોકોના મકાન તોડી પાડવા ગ્રામ પંચાયત મારફતે ગેરકાયદેસર નોટીસો આપવા અંગે વિરોધ વ્યકત કરી રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પારડી ગામે ૧૫થી ૨૦ વર્ષ કાચા -પ ાકા મકાનો બનાવી શાપર - વેરાવળ ખાતે ઔદ્યોગિક વસાહતમાં મજુરીકામ કરી પેટયુ રળતા અનુ.જાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને પારડી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમોનો આધાર લઇ ગેરકાયદેસર રીતે ગરીબોને મકાનો તોડી પાડવા નોટીસો આપવામાં આવેલ છે. જે સંબંધીત અસરકર્તાઓને અન્યાયકર્તા છે. પારડી ગામે ૫૦૦થી વધારે કુટુંબો પંદરથી વીસ વર્ષના ગાળાથી અહીં વસવાટ કરે છે. તમામ લોકો અતિ ગરીબ અવસ્થામાં રહે છે અને શાપર - વેરાવળ ખાતેના કારખાનાઓમાં મજુરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. નાના બાળકો પારડી અને શાપર - વેરાવળ ખાતે આવેલ સ્કુલોમાં અભ્યાસ કરે છે. પંદર વર્ષ પછી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગરીબ લોકોને યેનકેન પ્રકારે હેરાન-પરેશાન કરવા અને સરકારી જમીન ઉપર તેઓની નજર હોવાથી બદઇરાદે જમીન પચાવી પાડવાના આશ્રયથી ગરીબ લોકોને કાયદાના દંડાનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર રીતે મકાનો ખાલી કરી હિજરત કરી જવા દબાણ કરવામાં આવે છે. જેનાથી તમામ પીડિત પરિવારો ચિંતીત છે. આ બધા પરિવારો એવા છે કે તેઓની પાસે આ મકાનો સિવાય કોઇ આશરો નથી જેથી સરકારની ગરીબો, વંચીતો, દલિતોને પોતાનું ઘર મળી રહે તેવા ઉદ્દેશને સાર્થક કરવા ખરેખર જરૂરીયાતમંદ ગરીબ લોકોને પારડી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ઘર ખાલી કરવા, તોડી પાડવા, ડીમોલેશન કરવા કરાતુ ગેરકાયદેસર દબાણ બંધ કરાવવામાં આવે એવી અમારી માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પારડી ખાતે રહેતા ૫૦૦થી વધારે ગરીબ પરિવારના ૨૨૨ બાળકો પારડી ખાતેની આંગણવાડીમાં અભ્યાસ કરે છે, ૨૯ વિદ્યાર્થીઓ પારડીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.(

(4:11 pm IST)