Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મોરબી રોડ પર બે ગઠીયા પટેલ વેપારીની નજર ચુકવી ખાનામાંથી ૨II લાખની રોકડ બઠ્ઠાવી ગયા

જથ્થાબંધ બિસ્કીટ ખરીદવા આવેલા બે ગઠીયા 'માલ' કઢાવ્યા બાદ 'હિસાબ કરી રાખો...હમણા આવીએ' કહીને રવાના થઇ ગયા : વેપારી માળીયા પરથી બિસ્કીટના બોકસ ઉતારતા હતાં ત્યારે એક શખ્સ મદદમાં જોડાયો ને બીજાએ કાઉન્ટરમાંથી પર્સ ચોરી લીધું : વેપારી ભાઇઓ ચેતજો...ગઠીયાઓ હવે નવું ગતકડું લાવ્યા છે... : રાજેશભાઇ પાનસુરીયાની અક્ષર સેલ્સમાં ચોરી કર્યા પહેલા બાજુની ગોવિંદભાઇની સ્વાતિ ટ્રેડર્સમાં પણ કાઉન્ટરમાં ખાખાખોળા કર્યા'તાઃ પણ ત્યાંથી કંઇ ન મળ્યું: બંને સીસીટીવી કેમેરામાં દેખાયા

રાજકોટ તા. ૫: શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલી પટેલ વેપારીની પાન-બીડીની સેલ્સ એજન્સી દૂકાને ગ્રાહક બનીને બિસ્કીટના બોકસ લેવા આવેલા બે ગઠીયા વેપારીની નજર ચુકવી કાઉન્ટરના ખાનામાંથી રૂ. ૨,૫૦,૦૦૦ની રોકડ સાથેનું પર્સ ચોરી જતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહિ હાથફેરો કરતાં પહેલા બંને ગઠીયાએ બાજુની દૂકાનમાં પણ આવી જ ટ્રીક અજમાવી હતી. પણ ત્યાંથી કંઇ રોકડનો લાભ થયો નહોતો.

બનાવ અંગે પોલીસે મોરબી રોડ ૪૦ ફુટ રોડ પરની રામ પાર્ક સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ ભગવાનજીભાઇ પાનસુરીયા (પટેલ) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. રાજેશભાઇના કહેવા મુજબ પોતે મોરબી રોડ સેટેલાઇટ ચોકના આવકાર કોમ્પલેક્ષમાં અક્ષર સેલ્સ એજન્સી નામે પાન, બીડી, તમાકુની હોલસેલ તથા છુટક વેપારની દૂકાન ચલાવે છે. ૨૮/૧૧ના બપોરે સાડા ત્રણેક વાગ્યે તેણે દૂકાન ખોલી તેની દસેક મિનીટ બાદ બે શખ્સ આવ્યા હતાં અને 'અમારી બિસ્કીટના જથ્થાબંધ કાર્ટુન જોઇએ છે' તેવી વાત કરી હતી. જેથી રાજેશભાઇએ અલગ-અલગ કંપનીના બિસ્કીટ પોતાની પાસે છે તેમ જણાવતાં આ બંનેએ કુલ ૧૧ કાર્ટુન લઇ જવા છે તેવી વાત કરી હતી.

આથી રાજેશભાઇ બિસ્ટીકના આ બોકસ લેવા માટે દૂકાનના પાછળના ભાગે આવેલા માળીયા પર ચડ્યા હતાં અને ત્યાંથી બોકસ ઉતાર્યા હતાં. એ દરમિયાન બેમાંથી એક શખ્સ તેમની પાસેઅ ાવ્યો હતો અને બોકસ ઉતારવામાં મદદ કરી હતી. બંને શખ્સે માંગ્યા મુજબનો બધો માલ તેણી નીચે ઉતાર્યો હતો. એ પછી આ બંનેએ ચોકલેટનો પણ જથ્થાબંધ સ્ટોક હોય તો ઉતારી આપવા કહ્યું હતું. પણ રાજેશભાઇએ ચોકલેટ નથી તેમ કહેતાં આ બંને 'તમે બિસ્કીટના બોકસનો હિસાબ કરી રાખો અમે નજીકમાંથી ચોકલેટનો માલ લઇને આવીએ છીએ' તેમ કહી ચાલતી પકડી હતી.

થોડીવાર બાદ એક વેપારીને પૈસા આપવાનો હોઇ રાજેશભાઇએ કાઉન્ટરનું ખાનુ ખોલતાં તેમાં અઢી લાખની રોકડ સાથેનું પાકીટ જોવા ન મળતાં ગ્રાહક બનીને બિસ્કીટ ખરીદવા આવેલા બંને શખ્સ ચોરી કરી ગયાની શંકા ઉપજતાં આસપાસમાં તપાસ કરી હતી. બાજુમાં આવેલી ગોવિંદભાઇની સ્વાતિ ટ્રેડર્સમાં તપાસ કરવા જતાં તેના માલિક ગોવિંદભાઇએ વાત કરી હતી કે બે શખ્સ થોડીવાર પહેલા તેમની દિકાને પણ ડિસ્પોઝેબલ નાસ્તાની પ્લેટ અને બીજો સામાન પેક કરાવીને હમણા આવીએ છીએ તેમ કહીને જતાં રહ્યા છે તેવું જણાવ્યું હતું.

એ પછી સ્વાતિ ટ્રેડર્સમાં સીસીટીવી કેમેરા રોઇ ચેક કરતાં તેમાં બે શખ્સ ગોવિંદભાઇની દુકાનના કાઉન્ટર ખોલતાં અને ફંફોળતા જોવા મળ્યા હતાં. જો કે અહિથી કોઇ રોકડ ન મળતાં બાદમાં રાજેશભાઇની સેલ્સ એજન્સીમાં પહોંચી ત્યાંથી અઢી લાખની રોકડ ચોરી ગયાનું સ્પષ્ટ થયું હતું. બે માંથી એક શખ્સ ગોરા વર્ણનો અને મજબુત બાંધાનો હતો. બીજો મધ્યમ બાંધાનો ઘંઉવર્ણનો હતો.

બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

(2:51 pm IST)