Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

દુષ્કાળગ્રસ્ત તાલુકાઓને સહાય માટેની મુદત પુરી થવા છતાં ફદીયુય ન મળ્યું: કિસાન સંઘ

રોષભેર કલેકટરને આવેદનઃ પાણી માટે આગોતરા આયોજન અંગે રજૂઆત

રાજકોટ તા. પ :.. દુષ્કાળગ્રસ્ત તાલુકાઓને ૪૦ દિવસમાં સહાય કરાશે તેવી સરકારે ઉચ્ચારેલ ખાત્રીની મુદત પુરી થવા છતાં આજ સુધી ખેડૂતોને ફદીયુય મળેલ ન હોવાના આક્રોશ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરાયુ છે.

રાજકોટ જિલ્લા કલેકટરને અપાયેલ આવેદનમાં જણાવેલ છે કે મગફળીના ટેકાના ભાવની ખરીદીના રૂપિયા ૪ દિવસમાં ચૂકવવાની વાતને ર૦ દિ' થવા  છતાં ચુકવાયા નથી. અછતગ્રસ્તોને ૪૦ દિવસમાં સહાય ચૂકવવાની વાત પણ હાસ્યાસ્પદ બની રહી છે. પાક વિમાના નાણા પણ ચુકવાયા નથી.

રાજકોટ જિલ્લાના ઘણા તાલુકામાં ઓછો વરસાદ થયો હોય આવા વંચિત તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ પાણીની સમસ્યાનું આગોતરૂ આયોજન કરવા, દેવાના કારણે આત્મ હત્યા કરી લેનાર ખેડૂતોના લેણા માફ કરી દેવા, ચેક ડેમો ઉંડા કરવા અને નવા ચેક ડેમો બનાવવા અંગે પણ આવેદનપત્રમાં ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ રજૂઆતમાં કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા (મો. ૯૪ર૭ર ૦૭૮૬૮), મંત્રી ઘનશ્યામભાઇ કોટડીયા, ભરતભાઇ પીપળીયા, ઠાકરશીભાઇ પીપળીયા, મનોજભાઇ ડોબરીયા, જીતુભાઇ સંતોકી, રમેશભાઇ હાપલીયા, ભુપતભાઇ પટેલ, કિશોરભાઇ સગપરીયા, પ્રશાંત સિંધવ વગેરે સાથે જોડાયા હતાં. (પ-૧૮)

(12:04 pm IST)