Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં ૪૯૦૮ વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારી દંડાયા

શહેરની કોલેજો અને તમામ સરકારી કચેરીઓ નજીક ટ્રાફીક પોલીસની ડ્રાઈવ

રાજકોટ, તા. ૪ :. શહેર ટ્રાફીક પોલીસ દ્વારા શરૂ કરાયેલ હેલ્મેટ ડ્રાઈવમાં ૪૯૦૮ વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ દંડાયા હતા.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમિ. સિધ્ધાર્થ ખત્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ ડી. સી. પી. ઝોન-૧ રવિ મોહન સૈની, ઝોન-ર મનોહરસિંહ જાડેજા તેમજ ટ્રાફીક એ.સી.પી. શ્રી જે. કે. ઝાલાના સુપરવિઝન હેઠળ શહેરમાં  ટ્રાફીક નિયમન ખુબ જ સારી રીતે થઇ શકે અને શહેરના લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે અને ટ્રાફીકની સમસ્યા હલ થાય તે માટે વ્યવસ્થીત આયોજન કરવામાં આવેલ છે. ટ્રાફીકની સમસ્યા તથા શહેરમાં અકસ્માતના બનતા બનાવોનું પૃથ્થકરણ કરી બનાવના સ્થળ અને બનાવના સમયનો અંદાજ કાઢવામાં આવતા, ખુબ જ તલસ્પર્શી તારણ બહાર આવેલ જેમાં  એક તારણ એવું જણાયેલ કે બપોરના ૧ર વાગ્યાથી ર વાગ્યા સુધીમાં થતા અકસ્માતોમાં મહમત અકસ્માતો ૧૮ થી ર૧ વર્ષના ટીનએજ બાળકોના થાય છે અને આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજાઓ પામેલાનું જણાઇ આવેલ છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમિ. સિધ્ધાર્થ ખત્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ ડી. સી. પી. ઝોન-૧ રવિ મોહન સૈની સાહેબ, ઝોન-ર મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ ટ્રાફીક એ.સી.પી. શ્રી જે. કે. ઝાલાએ ગત તા. ર૩ થી આજદિન સુધી ટ્રાફીકની ઝૂંબેશ રાખવામાં  આવેલ જેમાં બે મહત્વની બાબતો (૧) ૧૮ થી ર૧ વર્ષના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હેલ્મેટ પહેરીને આવે તેવી જાગૃતિ લાવવા હેલ્મેટ ડ્રાઇવ તથા સરકારી કર્મચારીઓ ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે અર્થે સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારમાં વાહન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનની બે બે ટીમ તથા ટ્રાફીક શાખાની પાંચ ટીમ મળી કુલ ૨૭ ટીમો દ્વારા ટ્રાફીક ઝુંબેશ તથા સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ. જેમાં હેલ્મેટ અંગેની ડ્રાઈવ દરમિયાન સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના કુલ ૧૬૩૩ કેસો કરવામાં આવેલ અને સરકારી કર્મચારીઓ જુદી જુદી રીતે ટ્રાફીક ભંગ કરેલ હોય તે અંગે ૧૧૫૯ કેસો કરવામાં આવેલ છે.

તા. ૨૩-૧૧ થી તા. ૩-૧૨ સુધી કુલ ૪,૯૦૮ એન.સી. કેસો કરવામાં આવેલ અને રોકડા રૂ. ૫,૧૬,૫૦૦ દંડની રકમ વસુલ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરના નાગરીકોને રાજકોટની ટ્રાફીક સમસ્યા હલ કરવામાં પોલીસ દ્વારા રાખવામાં આવેલ ડ્રાઈવમાં સહકાર આપવા તેમજ ટ્રાફીકના નિયમોનું પાલન કરવા ટ્રાફીક પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

(3:47 pm IST)